Dakshin Gujarat

વ્યારાના રહીશોએ આ કારણસર ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

વ્યારા: વ્યારા (Vyara) નગરપાલિકા વોર્ડ નં.૧ના શિંગી ફળિયા, મગન ડાહ્યાની ચાલ, પુલ ફળિયુંના સ્થાનિક રહીશોએ રેલવે અંડરબ્રિજની (Railway Underbridge) કામગીરી નહીં થતાં રોષ ઠાલવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વ્યારા નગરપાલિકા હદ વિસ્તાર માટે રેલવે અંડરબ્રિજ સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી વ્યારા નગરપાલિકા કે સત્તાધિકારીઓ દ્વારા બાબતે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી વ્યારા નગર મુખ્ય માર્ગ પર જવા માટે આશરે સ્થાનિકોને ૩થી ૪ કિલોમીટરનો ઘેરાવો પસાર કરવો પડે તેમ છે. તેમજ વારંવાર રેલવે ફાટકો બંધ થતાં મુખ્ય બજાર, સરકારી કચેરીઓ, શૈક્ષણીક સંસ્થાઓ, ખેત બજારો વગેરે સ્થળે જવા-આવવાનું થતું હોય છે.

આ કારણે બિનજરૂરી સમયનો વેડફાય છે અને આર્થિક નુકસાન મોંઘવારીના કારણે ભોગવવું પડે છે. આંતરિક પગપાળા કે બીજો કોઈ વૈકલ્પિક રસ્તો ના હોવાથી નાછૂટકે રેલવે ઓળંગી જવાની ફરજ પડતાં અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ રેલવે અધિકારી દ્વારા દંડાત્મક કાર્યવાહી સ્થાનિક લોકો પર કરવામાં આવતી હોય છે અને સ્થાનિકો પર ખોટા કેસો કરવામાં આવે છે. તેમજ આકસ્મિક સંજોગોમાં ફાયર કે એમ્બ્યુલન્સ સંબંધિત તત્કાલીન સેવાઓમાં ઘણો વિલંબ પડતો હોય છે. જેના લીધે જાન ગુમાવવાનો વારો પણ સ્થાનિકોને આવે છે. છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી સમયાંતરે રેલવે ઓવરબ્રિજ/અંડરબ્રિજ માટે વારંવાર રજૂઆત કરતા આવી છે અને આ માટે ગત દિવસો દરમિયાન ઘણાં આંદોલનો અને રજૂઆત પણ કરવામાં આવી છે. જે-તે સમયના પદાધિકારીઓ દ્વારા જૂઠાં આશ્વાસનો આપી માંગ નકારવામાં આવી છે. હાલ રાજ્ય સરકારની મુખ્યમંત્રી ફાટકમુક્ત ગુજરાત યોજના અમલમાં હોવાથી આ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકા હદ વિસ્તાર માટે રેલવે અંડરબ્રિજ સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી વ્યારા નગરપાલિકા દ્વારા કે સત્તાધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. જેથી વોર્ડ નં.૧ના રહીશોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી છે.

Most Popular

To Top