ગાંધીનગર : આગામી તા.1લી ડિસેમ્બરના રોજ રાજયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું છે, જેમાં સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠક તથા દક્ષિણ ગુજરાતની 35 બેઠકનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 25,430 જેટલા મતદાન મથકો તથા 2.36 કરોડ જેટસલા મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.24 કરોડ મતદારો પુરૂષ તથા 1.15 કરોડ મતદારો મહિલા મતદારો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 48 તથા કોંગ્રેસને 38 બેઠક મળી હતી.જયારે 3 બેઠક અન્યને મળી હતી. 2017માં ભાજપને આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતે સત્તા અપાવી હતી. બાકી ભાજપના હાથમાથી સત્તા જતી રહી હોત.એકલા સુરતશહેર જિલ્લાની 16 બેઠકમાંથી 15 બેઠક ભાજપને મળી, જેના કારણે ભાજપની લાજ રહી ગઈ હતી. આ વખતે ભાજપ અને કોંગ્રેસે આ બંને ઝોનમાં બેઠક વધારવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. તેવી જ રીતે આપ પણ દક્ષિણ ગુજરાતમા સક્રિય છે.
પહેલા તબક્કાની 89 બેઠક પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકનો સમાવેશ થાય છે. પાટીદાર અનામત આંદોલનના કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતો ભાજપથી દૂર સરકી ગયા હતાં. પાટીદાર અનામત આંદોલનકારી અગ્રણી હાર્દિક પટેલે 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રવાસ કર્યો હતો. જેના કારણે પાટીદાર મતદારો ભાજપથી નારજ થયા અને સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠકમાંથી ભાજપને 54માંથી 23 બેઠક મળી હતી. જયારે કોંગીને 30 તથા કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાનો વિજય થયો હતો. ખાસ કરીને જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમેરલી જિલ્લામાં ભાજપને ભારે રાજકીય નુકસાન થયુ હતું. ભાજપને માત્ર 23 બેઠક મળતા 2017માં ભાજપ 99 બેઠક સાથે સમેટાઈ ગયુ હતું.
આ વખતે સૌરાષ્ટ્રની 54 બેઠક ભાજપ તથા કોંગી માટે પણ એટલી જ મહત્વની છે. બીજુ કે આ વખતે રાજયમાં ત્રિપાંખીયો રાજકીય જંગ ચૂંટણીમાં જોવા મળશે. ભાજપને થયેલા નુકસાનના પગલે તેમાંથી બોધપાઠ લઈને પીએમ નરેન્દ્ર મોદી તાજેતરમા સૌરાષ્ટ્ર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને ગયા છે. ભાજપે વિકાસના તથા સુશાસનનો મુદ્દો તથા સૌરાષ્ટ્રમાં ખેતી તેમજ પીવાનું પાણી પહોચાડવાનો મુદ્દો મતદારો સમક્ષ આગળ કર્યો છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં જ્ઞાતિનાં સમીકરણો
સૌરાષ્ટ્રમાં 54 બેઠક પર પાટીદાર મતો તથા કોળી મતો એટલા જ મહત્વના છે. 54માંથી 48 બેઠક પર પાટીદાર મતો મહત્વના છે. પાટીદાર મતો પાટીદાર ઉમેદવારને મળે છે. કોળી સમાજના મતો કોળી ઉમેદવારને મળે છે. આ મતે અન્ય રીતે ફરતાં નથી. સોશિયલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના કહેવા મુજબ, જે જ્ઞાતિનો ઉમેદવાર હશે તેજ જ્ઞાતિના ઉમેદવારને મતો મળશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પૈકી 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAPએ પાટીદારો પર ફોકસ કરીને પાટીદાર ઉમેદવાર જ ઉતાર્યા છે. આ 16 બેઠક પર પાટીદાર સામે પાટીદાર વચ્ચે જંગ જામશે અને રસાકસીભર્યો જંગ ખેલાશે. જેમાં રાજકોટ દક્ષિણ, જેતપુર, ધારી, જુનાગઢ, ધોરાજી, વિસાવદર, મોરબી, ભૂજ, ટંકારા, જામનગર દક્ષિણ, અમરેલી, જામજોધપુર , લાઠી , ગારિયાધાર અને સાવરકુંડલા બેઠકનો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતની 35 બેઠક
દક્ષિણ ગુજરાતની 35 બેઠક માટે તારીખ 1લી ડિસે.ના રોજ મતદાન થવાનું છે ત્યારે 35 બેઠકનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમા ભાજપને 25, કોંગ્રેસને 8 અને બીટીપીને 2 બેઠક મળી હતી. એકલા સુરત શહેર તથા જિલ્લાની 16 બેઠકમાંથી 15 બેઠક ભાજપને મળતા પાર્ટીને ગાંધીનગરમાં સત્તા મળી હતી. જયારે દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી 14 બેઠક આદિવાલી છે, જૈ પૈકી ભાજપને 2017માં4, કોંગ્રેસને 7 તથા બીટીપીને 2 બેઠક મળી હતી. સુરત મનપાની ચૂંટણી વખથે આપને 27 બેઠક મળી હતી. જેમાં નારા પાટીદાર મતો ભાજપથી દૂર સરકી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ મતદારો, આદિવાસી મતદારો તથા સુરત શહેરમાં વસેલા સૌરાષ્ટ્રવાસી મતદારો તથા રોજગારી માટે આવેલા અન્ય રાજયોના મતદારોનો સમાવેશ થાય છે. 27 જેટલી રાજયની અનામત આદિવાસી બેઠક પૈકી 14 બેઠક દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. આ 14 આદિવાસી અનામત બેઠકમાંથી કોંગીને 7, ભાજપને 5 અને બીટીપીને 2 બેઠક મળી હતી.
વર્ષ ભાજપને મળેલા મતો કોંગ્રેસને મળેલા મતો
2017 49.12 ટકા 41.42 ટકા
2012 47.85 ટકા 38.83 ટકા
2007 49.2 ટકા 38.00 ટકા
2002 49.85 ટકા 39.28 ટકા