જે પાર્ટી એવા ઉમેદવારની ટિકિટ કાપે કે જે ઉમેદવારે એકની એક બેઠક પરથી ૬-૬ વાર ચૂંટણીઓ લડીને જીતી બતાવી હોય તે પાર્ટી હોશિયાર કહેવાય કે, મૂરખ ?! પાર્ટી એટલે, ભાજપ અને તેનો એ ઉમેદવાર એટલે, મધુ શ્રીવાસ્તવ ! હા, વડોદરાની વાઘોડિયા બેઠક પરથી આ વખતે મધુ શ્રીવાસ્તવ ભાજપ તરફથી તો ચૂંટણી નહીં જ લડી શકે કેમ કે, એમની બેઠક પર ભાજપે અશ્વિન પટેલને બેસાડવાનો પાક્કો ઈરાદો જાહેર કરી દીધો છે.
આ જાણીને મધુ શ્રીવાસ્તવની દીકરીએ શું કહ્યું તે જાણો છો ? હા, નીલમ શ્રીવાસ્તવ તે ભાજપની એક અગ્રણી નેતા અને મધુ શ્રીવાસ્તવની દીકરી છે…નીલમે ભાજપ ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપે ટિકિટ કાપીને મારા પિતાનું અપમાન કર્યું છે ! નીલમે એમ પણ કહ્યું કે, જે અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નથી જીતી શક્યા તે વિધાન સભાની ચૂંટણી કેવી રીતે જીતવાના ?! વડોદરાની વાઘોડિયા બેઠકનું તો હવે જે થવાનું હોય તે થાય પણ, વડોદરામાં એક વાર ભૂતકાળમાં શું થઇ ગયેલું તે તમને કહું ? મને વરસ તો, ચોક્કસ યાદ નથી પણ આ મધુ શ્રીવાસ્તવનો દીકરો દીપક એક વાર વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા તૈયાર થયો હતો અને, ભાજપે તેને બેસાડી દીધો હતો…પણ, આ તો મધુભાઈનો દીકરો !
એ વળી, ભાજપ બેસાડી દે એટલે બેસી જાય –બેસી રહે તેવો હતો ?! દીપક ભાજપની ટિકિટની પરવાહ કર્યા વગર અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહ્યો અને ચૂંટણી સરસ રીતે લડ્યો એટલું જ નહીં, ચૂંટણી તેણે જીતી પણ દેખાડી ! પણ, ભાજપ પોતાનો ભૂતકાળ આ સમયે ભૂલી ગયો હોય તેવું ક્યારેક આપણને લાગી આવે ! હજુ, મધુ શ્રીવાસ્તવ ૭૦નાયે થયા નથી…એમને આમ, મજબૂત બેઠક પરથી ઉઠાડીને ઘેરે નહીં બેસાડી દેવાય. હા, મધુભાઈ અગર આ સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્ય હોત તો એમને જે-તે કરીને ભાજપ કોંગ્રેસ છોડાવી ચોક્કસ જ બીજેપીમાં ખેંચી લાવ્યું હોત એમ આખું વડોદરા એકી અવાજે કહી શકે ! અલબત્ત, મધુભાઈને તો ટિકિટ કપાયા પછી પણ એમ કહેતા મેં સાંભળ્યા છે કે હું નરેન્દ્ર મોદીનો ખાસ છું-હું અમિત શાહનો ખાસ છું !
મધુ શ્રીવાસ્તવનો નંબર કેમ ટિકિટ કપાઈ ગઈ તેવા ઉમેદવારોમાં આવી ગયો તેની કંઈ કરતાં કંઈ જ ખબર કોઈને પડી નહીં. ૬-૬ વાર એકની એક બેઠકને જીતી શકનાર મધુ શ્રીવાસ્તવ ભાજપના અનેક ચહેરા પૈકીનો એક ચહેરો છે ! તમે મળ્યાં છો કોઈ વાર મધુભાઈને ? તમને ભાજપના અનેક ધુરંધર નેતાઓ યાદ અઆવી જાય તેવા છે આ, મધુભાઈ. મધુ શ્રીવાસ્તવના પિતાશ્રી બાબુભાઈ કમલપ્રસાદ ઉત્તર પ્રદેશથી વર્ષો પહેલાં અહીં ગુજરાત આવી વડોદરામાં વસ્યા છે.
આમ, મધુ શ્રીવાસ્તવને તમે ગુજરાતના વિધાનસભ્ય કહી શકો પણ, ગુજરાતી વિધાનસભ્ય નહીં કહી શકો. વડોદરાની આ જ વાઘોડિયા બેઠક પરથી ૧૯૯૨મા પહેલવહેલી વાર ચૂંટણી જીતીને તેઓ ગુજરાત વિધાન સભાના ધારાસભ્ય થયેલા…તે વખતે ભાજપનું ખાસ જોર નહોતું અને મધુભાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા-જીત્યા હતા. પછી, ૧૯૯૭માં (મધુભાઈ કહે છે તે મુજબ !) તેઓ અમિત શાહ-નરેન્દ્ર મોદીના આગ્રહથી ભાજપમાં પ્રવેશ્ય અને ભાજપમાંથી ૧૯૯૭-૨૦૦૨-૨૦૦૭-૨૦૧૨-૨૦૧૭ ની ચૂંટણીઓ લડ્યા ને સતત જીતતા રહ્યા…મધુભાઈના વિરોધીઓ કદાચ તેમની ટિકિટ કપાયાથી ખુશ નહીં થયા હોય કેમ કે તેઓનું માનવું છે કે મધુ શ્રીવાસ્તવને હવે, દિલ્હી લઇ જવાનો પ્લાન તૈયાર છે !
પારકા રાજ્યમાંથી અહીં આવીને વસનારા-વેપાર કરનારા-લોકસેવા કરનારા મધુ શ્રીવાસ્તવ અહીંયાં કોઈ ચૂંટણી હાર્યા નથી. મધુભાઈ પાસે કોઈ રાજકીય પક્ષે ચૂંટણી લડનારા નેતાઓને માટે ચૂંટણી જીતવાની કળા શીખવા માટે કોઈ નાનકડી સ્કૂલ ખોલાવડાવવી જોઈએ. મધુભાઇએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમ, મધુ શ્રીવાસ્તવ માત્ર નેતા નથી પણ તેઓ એક સારા અભિનેતા પણ છે એમ કહેવું કોઈ રીતે ખોટું નથી. હા, મધુભાઈ ફિલ્મોમાંથી રાજકારણમાં નથી આવ્યા પણ રાજકારણમાંથી ફિલ્મો તરફ ગયા છે.
મધુ શ્રીવાસ્તવને આપણે આ વિષે પૂછીએ તો તરત તેઓ કહે કે…જો, અભિનેતાઓ રાજકારણમાં પ્રવેશે તો નેતાઓએ કોઈ ગુનો કર્યો છે કે તેઓ ફિલ્મોમાં નહીં પ્રવેશી શકે ?! મધુભાઇએ ગુજરાતી ફિલ્મોમાં જ કામ કર્યું છે અને, એમને માળો તો તમને તેઓ ગુજરાતી ફિલ્મોના હીરો જેવા જ દેખાય ! એમના ઠાઠમાઠ નજીકથી જુઓ, તો તમે નરેન્દ્ર મોદીના ઠાઠમાઠ પણ ભૂલી જાઓ ! મોદીજી તો, કામ પડે ત્યારે ઠાઠમાઠ ધારણ કરે, આ મધુભાઈ તો હમેશ ઠાઠમાઠમાં જ જોવા મળે. ટિકિટ કપાયા પછી,મધુભાઈને મેં પૂછ્યું કે હવે શું કરશો ? તો, પળનાય વિલંબ વગર મધુભાઈએ કહ્યું કે મારા સમર્થકો જે કહેશે તે હું કરીશ ! …અને, મધુ શ્રીવાસ્તવના સમર્થકો (તેમનાં સંતાનો સહિત !) લોકોમાં એમ કહી રહ્યા છે કે, મધુભાઈ કહેશે તે મુજબ અમે કરીશું…મધુભાઈના ફેસલા અમને માન્ય રહેશે..