અમદાવાદ: રાત્રિના અઢી વાગ્યા સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ફરજ નિભાવનાર અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (Ahmedabad Deputy Collector) આર.કે. પટેલે કોઈ અગમ્ય કારણસર સવારે 5 કલાકે પોતાના સાણંદ ખાતેના નિવાસસ્થાનના પાંચમા માળેથી કૂદી જઈ મોત વ્હાલું કરી લેતાં સોંપો પડી ગયો છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીના આત્યંતિક પગલાંએ સૌ કોઈને વિચારતા કરી મુકી દીધા છે. આર.કે. પટેલનો મૃતદેહ લાંબો સમય સુધી એપાર્ટમેન્ટના કોમન એરિયામાં પડી રહ્યો હતો. સાણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો અને અધિકારીના આપઘાત પાછળના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી હતી.
- સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલનું અંતિમ પગલું
- લાંબો સમય અંબાજી મંદિરના વહીવટદાર તરીકે ફરજ બજાવ્યા બાદ થોડા સમય પહેલાં સાણંદ બદલી થઈ હતી
- છેલ્લાં કેટલાંક સમયથી અધિકારી ડિપ્રેશનમાં રહેતા હોવાની વાત
અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ સરળ સ્વભાવના હતા. આ પ્રમાણિક અધિકારીને થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યાં તેઓ સખત ડિપ્રેશનમા રહેતા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. છેલ્લાં ચાર દિવસથી તેઓ અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરતા હતા. દરમિયાન આજે સવારે સાણંદમાં ફ્લેટમાંથી પડતું મુકી મોત વ્હાલુ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આર.કે. પટેલ સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂરી કરી વહેલી સવારે ઘરે ગયા હતા. ત્યાર બાદ તેઓએ ફ્લેટ પરથી પડતું મુક્યું હતું. તેમના અકાળ મોત ફરતે રહસ્ય ઘેરાયું છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીના અકાળ મોતની જાણકારી મળતા જ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક મોતથી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરમાં લાંબો સમય સુધી વહીવટદાર તરીકે ફરજ નિભાવનાર રાજેન્દ્ર પટેલની થોડા સમય પહેલાં જ સાણંદમાં પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ હતી. તેઓ સાણંદના નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટના બી-403 નંબરના ફ્લેટમાં રહેતા હતા. અહીં તેઓ 15 દિવસ પહેલાં જ શિફ્ટ થયા હતા. કૂદવા પહેલાં તેઓએ કોઈ ચિઠ્ઠી લખી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. રાજેન્દ્ર પટેલના સગાસંબંધીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.