Comments

સમ્યક્ જીવન એટલે વૃક્ષ માટે નશ્વર શરીરનું દાન

વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાગ્યાં છે -“રોપતિ વૃક્ષાન યાતિ ઘરમાં તિમ્ I”તેમ કહી ઋષિએ કહ્યું છે કે જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ભોગ માટે વૃક્ષો રોપે છે, તે પરમ ગતિને પામે છે. ‘‘રપયિત્વી રસશાવતુ નર: જનર વ્રના”કહી ઋષિ તેના શિષ્યને કહે છે કે જે મનુષ્ય શાખા અને ઉપશાખાવાળાં વૃક્ષો રોપે છે, તે નરકમાં જતો નથી. અગ્નિ પુરાણની ઋચામાં કહેવાયું છે, “કુલ અને ફળથી સુગંધિત વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે જ્ઞાની પુરુષ સમૃદ્ધ દેશમાં ઉત્તમ ગૃહમાં નિવાસ કરીને મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરે છે.”“તેપુત્રી: ધર્મતીરમૃતા:”જગદ્ગુરુ શ્રીકૃષ્ણે વૃક્ષોને ધર્મ પ્રમાણેના પુત્રો કહ્યા છે.

છતાં આજે એક સશક્ત વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના અગ્નિદાહ પાછળ આઠ મણ એટલે કે ૧૬૦ કિલો લાકડું રાખ કરી દેવામાં આવે છે. ત્રણથી આઠ ઇંચ જાડાઈ ધરાવતાં ગોરસ, આંબલી, પીપર, કેશિયો, બાવળ, સાજડ જેવાં પાંચજલાઉ વૃક્ષોને સ્મશાન માટે ઉતારવામાં આવે છે ત્યારે પોતાના પ્રાણ ધરી દેનાર વૃક્ષો તો તેમના ધર્મ અનુસાર મૃતાત્માને અગ્નિસંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલીન કરે છે. પરંતુ લૌકિક કરનાર ઉત્તરાધિકારી “વૃક્ષોમાં હું પીપળો છું’ તેમ કહી વૃક્ષોમાં પોતાનું ઐશ્વર્ય બક્ષનાર ભગવાન શ્રીકૃષ્ણના ગુનેગાર બની ઘેર પાછા ફરે છે.

કુરાનેશરીફ વૃક્ષને અલ્લાહતાલાની ઝિક્ર કરતી તસવીર ગણે છે. આથી જ મુસલમાન ભાઈ જન્નતનશીન થાય છે ત્યારે તેને દરખની છાયામાં જમીન નીચે પાંચ-સાત ફૂટ ઊંડે મસ્જિદમાંથી મૌલવીએ આપેલ ખુશ્બૂ વચ્ચે દફનાવવામાં આવે છે અને દફન સમયે સહુ ત્રણ ત્રણ મુઠ્ઠી માટી નાંખી અરબી આમીન પઢી કહે છે: “નલકનાકુ વફીહા, નીઈહુકુમ વોમીનહા, નખરી ઝકુમ, તારતન ઉર્ભરા”યાની, “માટીમાંથી પેદા થયા, આ માટીમાં મળી જવાનું છે અને ફરી આ જ માટીમાંથી ઊભા કરવામાં આવશે.”

બૌદ્ધ ધર્મમાં પણ પુનર્જન્મનો સ્વીકાર કરાયો છે. કર્મનો સિદ્ધાંત પણ પુનર્જન્મને નકારતો નથી. પરંતુ નવા જન્મ સમયે કોઈ શેતાની તત્ત્વ જીવ સાથે ભળી ન જાય તેથી ડેડ બૉડીને કૉફિનમાં મીઠા સાથે રાખી જમીનમાં ઉતારી દેતાં ખ્રિસ્તીઓ યહોવાહના પુત્ર જિસસ અને પવિત્ર આત્મા જે મૃતાત્માના વિરામને શાંતિ બક્ષે છે તે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે શ્રદ્ધાંજલિ આપે છે. “રોપવIRય સંતાના”કહેનાર મનુસ્મૃતિએ સાધુ-સંતોનાં શરીરને જળસમાધિસ્થ કરવા આજ્ઞા કરી છે અને ગરુડપુરાણમાં નાની વયના શરીર અને કેટલાંક વર્ષોને દાહથી મુકત રાખી પપિંડ સંસ્કારનું તર્પણ યથોચિત ગણ્યું છે.

તેમ છતાં હિન્દુસ્તાનમાં રોજ ૧૬૦૦ ટન લાકડું મનુષ્યના દેહવિસર્જન માટે હોમાઈ જાય તે કેવી હિંસા! ભારત સરકારના બિનપારંપરિક ઊર્જા વિભાગના વડા ડૉ. એન. એ. માથુરના અભ્યાસલેખ – “ધ ઈકોનોમિકસ ઑફ એનર્જી પ્લાંટેશન’ના પ્રયોગો આધારે જણાવાયું છે કે એક કિલો કેલરી લાકડું બળે છે ત્યારે ૩૭૦૦ કિલો કેલરી ઊર્જા પેદા થાય છે અને માણસના મૃત શરીરને નાશ કરવા ૬૫૦ થી ૭૦૦ ડિગ્રી સેંટિગ્રેડ ઉષ્ણતામાનની જરૂરત રહે છે, તે સ્થિતિએ પહોંચવા ૫,૯૨,૦૦૦ કિલો કૅલરી ઊર્જાનો વપરાશ થાય છે. આ ઊર્જાનો સકારાત્મક ઉપયોગ ન થઈ શકે?

ગુજરાત રાજ્યના એનર્જી ડેવલપમેન્ટ વિભાગના કચ્છ જિલ્લાના અબડાસા ક્ષેત્રના વનીકરણ કાર્યક્રમના પરિણામ આધારે જોવા મળે છે કે એક હેકટરમાં ૧૦૦૦ વૃક્ષ વાવીએ અને તેને પાણી પાઈ માવજતથી ઉછેરવામાં આવે તો ૫ વર્ષે ૧૦૦ ટન લાકડું મળે છે. આનો અર્થ એ કે રાજકોટ, ભાવનગર, જામનગર જેવાં મોટાં શહેરોમાં મૃત્યુ પામતા દેહો ચાર દિવસે એક હેકટરનાં વૃક્ષોનું હર્યુંભર્યું જંગલ સાફ કરી નાખે છે!

સંત સમાં ષહીન વૃક્ષોને સાચા અર્થમાં તારણહાર કહેનાર ગ્રંથસાહેબે વૃક્ષના વિવેકપૂર્ણ ઉપયોગનું શબદકીર્તન કર્યું છે અને વૃક્ષોને ન સાચવનારનું જીવન ઝૂંટવાઈ જશે તેવી ભવિષ્યવાણી ભાખી છે. ભારતીય સંસ્કૃતિની યશોગાથા સમાન સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે કોઈ મનુષ્ય નગર કે વૃક્ષ તોડે છે તે જંભાણ નામના ભયંકર નર્કમાં પડે છે. પુરાણો કહે છે કે કુળની તથા ધનની વૃદ્ધિ કાયમ રહે એમ ઇચ્છતા હો, તો વૃક્ષો કદાપિ કાપતા નહીં.

ગુજરાતના મુઠ્ઠી ઊંચેરા સેવક રવિશંકર મહારાજ ઘસાઈને ઉજળા થવાની શીખ દેતા. તો ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ ગાતા, “ધૂપસળી સમ સુગંધ દેતાં આયુષ પૂરું કરવું છે.”ત્યારે વિચારીએ કે જીવતા જીવ બીજાને ખપમાં અવાયું ન અવાયું, પરંતુ મરતી વેળાએ સંતો જેવાં વૃક્ષોને બાળી હવામાં ૩૦ ટકા કાર્બનડાયૉકસાઇડ, ૨૦ ટકા કાર્બન •સાઇડ ઉપરાંત દેહના પ્રદૂષણને શા માટે પર્યાવરણમાં ભેળવીએ છીએ? એના કરતાં મૃત શરીરને જમીનમાં દફનાવી તેના પર એક વૃક્ષ રોપવાનો સંકલ્પ કરાય તો શરીરમાંના નાઇટ્રોજન, હાઇડ્રોજન, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ અને મિનરલ્સ જમીનમાં ભળશે ને ધરતીમાતા સમૃદ્ધ થશે.

– ૨૧મી સદીના પ્રારંભે દેશનું પર્યાવરણ નાજુક સ્થિતિમાં મુકાઈ ગયું છે અને ઈશ્વરની કરુણારૂપ વર્ષાને ધરતી ઉપર ઉતારનારાં વૃક્ષો ખૂટી રહ્યાં છે ત્યારે સ્થિતિની ગંભીરતા સમજી વૃક્ષોને કપાતાં અટકાવીએ. અમેરિકા અને યુરોપથી ગ્રીન ડેથ નામની સંસ્થાએ પણ પોતાના સભ્યોને કૉફિનમાં સડી જવાના બદલે એક વૃક્ષના પોષક બનવાનું અભિયાન પ્રચલિત કર્યું છે. તે પ્રકારે તમામ પર્યાવરણપ્રેમી પોતાના દેહને અંતકાળે વૃક્ષને સમર્પિત કરવા સંકલ્પબદ્ધ થાય તો આપણી ભાવિ પેઢી ગૌરવભેર ગાન કરી કહી શકે, “વૃક્ષોની નિત્ય વૃદ્ધિ કરનાર હે પૃથ્વી! તું અતિ શીલવતી છે. પુણ્ય અને દ્રવ્ય દેનારી છે અને સર્વનું પાલન કરનારી છે. આથી હે માતા, તને સદા નમસ્કાર’.

મૃતાત્માને પંચમહાભૂતમાં ભેળવવાનો વિચાર વિશ્વની તમામ સંસ્કૃતિઓએ અપનાવ્યો છે. હિંદુઓ અગ્નિ તત્ત્વમાં શરીરને વિલીન કરે છે, તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પૃથ્વી તત્ત્વમાં, પારસીઓ અને જરથુસ્ટો આકાશ તત્ત્વમાં મૃત શરીરનો નાશ ઇચ્છે છે. તો તિબેટની બૌદ્ધ પરંપરા શબને પહાડ ઉપરથી ઊંડી ખીણમાં ગબડાવી વાયુ તત્ત્વની સાર્વત્રિક સત્તામાં શરીરને ભેળવી દે છે. પંચમહાભૂતમાં વિલય પામતા નશ્વર દેહના વિસર્જન માટે પણ વિભિન્ન પદ્ધતિ પ્રચલિત છે. ગુજરાતમાં ભરૂચ પાસે વિલન્દા ગામે ડચ વહાણવટીઓની કબરો મોજૂદ છે. આ જ્યુઈશ યાત્રિકોની કબરોમાં શબને સ્નેહના પ્રતીકરૂપે પવિત્ર દોરાઓથી વીંટી ઊગતા સૂર્યની દિશામાં, તેજોમય ઈશ્વર તરફ પ્રાર્થના અવસ્થામાં ઊભું દફનાવવામાં આવતું. તો મુસ્લિમ બિરાદરો જે માટીમાંથી માનવદેહ બન્યો છે તે પવિત્ર માટી ફરીથી માણસને જન્મ આપશે તેવા આશયથી દેહને જમીનમાં વિશ્રામસ્થિતિમાં સુવાડે છે.

વિજ્ઞાનના વિકસતા જગતમાં હવે માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને વધારવા માઈક્રોબ્સ ઉમેરી શકાય છે. એઝેટોબેકટલ રાઇઝોબિયમ નામે બેકટેરિયા માનવશરીરનાં હાડકાંમાં રહેલ ફૉસ્ફરસને ૨૮ દિવસમાં ડીકંપોઝ (વિઘટન) કરે છે અને વૃક્ષના ઉછેર માટે જરૂરી નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે. એક્ટિનો માઇસેટસ નામે બેંકટેરિયા માનવશરીરનું ડીહાઈડ્રેશન કરી માંસમજ્જામાં ફંગસ અને પાણી થવા દેતા નથી અને શરીરનાં તત્ત્વોને બંધનમુક્ત કરી અણુમાં વિખેરી નાખે છે. મૃત શરીર અગ્નિદાહ પછી રાખ સ્વરૂપે કણ કણમાં વિખેરાઈ જાય છે. તેવી જ આ ઘટના શાંત સ્વરૂપે જમીનમાં ઘટે છે અને ચિર શાંત સ્વરૂપે માનવશરીર ફરી વૃક્ષ બની નવું જીવન મેળવી શકે છે.

પવિત્ર માટીના સહારે માટી બની વૃક્ષ થઈ પુનઃ પ્રકૃતિ વચ્ચે ઋષિતુલ્ય જીવન જીવવાનો મોકો આજના વિજ્ઞાને આપ્યો છે, જેને વધાવી લઈશું તો આપણી ભાવિ પેઢી ગૌરવભેર ગાન કરી શકશે, “વૃક્ષોની નિત્ય વૃદ્ધિ કરનાર હે પૃથ્વી, તું અતિ શીલવતી છે. પુણ્ય અને દ્રવ્ય દેનારી છે. સર્વનું પાલન કરનારી છે. આથી હે માતા, તને સદા નમસ્કાર”. ગુજરાતના યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો એક વૃક્ષ માટે એક શરીર સોંપવાના વસિયતનામાથી સુજલાં સુફલાં મલયજ શીતલાંનું સ્વપ્ન
સાકાર કરે.

માનવજાતને પ્રાણવાયુ આપનાર વૃક્ષો હવે ખૂટયાં છે. કોવિડ મહામારીએ દુનિયાને ઑકિસજનની કિંમત સમજાવી છે અને પ્રદૂષણથી ભરેલા શહેરમાં ઑક્સિજન બાર ખૂલી રહ્યા છે, ત્યારે શહેરો ને ગામડાંઓમાં સ્થાપાયેલ પર્યાવરણ મંડળોના ઉપક્રમે સ્મૃતિવન તૈયાર થાય. સ્મૃતિવનમાં સ્વર્ગસ્થ દેહોને સ્વીકારી તેના પર પવિત્ર વૃક્ષ ઉછેરવાની કાળજી લેવાય, તો જીવાત્માનો આ ભવ ભલે સુધર્યો ન સુધર્યો પણ તેની બીજી જિંદગી જરૂરથી તેજોમય બની રહેશે. ગેસ કે ઈલેકિટ્રક ફેરનેસમાં શરીરનો નાશ ઈચ્છતાં નાગરિકો પણ ઊર્જાનો સક્રિય ઉપયોગ ટાળે છે તે નોંધવું રહ્યું. જીવનભર શાકાહારી રહેનાર માટીના માનવપિંડે તો પ્રકૃતિના હવાલે જતાં રહેવામાં સમ્યક્ જીવન સમજવું રહ્યું.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top