ભારતના કિસાનો હજારો વર્ષોથી પોતાની પ્રાચીન કૃષિવિદ્યાનો ઉપયોગ કરીને ભારતનાં કરોડો લોકોનું પેટ ભરતા આવ્યા છે અને તેમના આરોગ્યની રક્ષા પણ કરતા આવ્યા છે. ઇ.સ. ૧૯૫૦ના દાયકામાં ભારતની પ્રજાને ભૂખમરાનો ભય બતાડીને ભારતના કિસાનોને કેટલીક વિદેશી કંપનીઓ દ્વારા કેમિકલ ફાર્મિંગને રવાડે ચડાવી દેવામાં આવ્યા હતા, જેને હરિયાળી ક્રાંતિનું રૂપકડું પણ છેતરામણું નામ આપવામાં આવ્યું હતું. હરિયાળી ક્રાંતિમાં મુખ્ય ઉપયોગ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણનો કરવામાં આવતો હતો. અગાઉ ભારતના કિસાનો મફતમાં ખેતી કરતા હતા. ખેતી કરવા માટેનું છાણિયું ખાતર તેમને પશુઓ પાસેથી મફતમાં મળતું હતું. તેમને જરૂરી દેશી બિયારણ તેઓ પોતાનાં ખેતરમાં મફતમાં પેદા કરતા હતા, જેનો કોઈ ખર્ચો આવતો નહોતો. છાણિયું ખાતર અને દેશી બિયારણ વાપરવાને કારણે પાકમાં જીવાત ન પડતી હોવાથી જંતુનાશક દવાની પણ જરૂર પડતી નહોતી અને તેનો બિલકુલ ખર્ચો કરવો પડતો નહોતો.
ભારતમાં હરિયાળી ક્રાંતિના નામે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણનો વપરાશ વધી ગયો તેનો ફાયદો આ બધી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓને જ થયો હતો, પણ કિસાનો તો દેવામાં ડૂબી ગયા હતા. તેમણે આ બધું ખરીદવા લોન લેવી પડે છે. તેથી તેમનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે અને નફો ઘટી જાય છે. દેવું ભરપાઈ ન થાય ત્યારે હજારો કિસાનો ગળે ફાંસો ખાઈને આપઘાત કરે છે, જેનું મુખ્ય કારણ હરિયાળી ક્રાંતિ છે. હરિયાળી ક્રાંતિના કારણે આપણા ખોરાકમાં જંતુનાશક દવાઓ પ્રવેશી ગઈ છે, જેને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ વધી ગઈ છે. આપણી જમીન અને જમીનમાં રહેલું પાણી પણ ઝેરી થઈ ગયું છે. પંજાબના કિસાનોમાં તો કેન્સર એટલું વધી ગયું છે કે પંજાબથી રાજસ્થાન વચ્ચે કેન્સર સ્પેશ્યલ ટ્રેનો દોડાવાય છે. હરિયાળી ક્રાંતિથી ભારતની ભૂખ દૂર ન થઈ તો હવે જી.એમ. ફુડનો પ્રચાર કરવામાં આવે છે.
ભારતમાં આજથી ૨૦ વર્ષ પહેલાં જી.એમ. કપાસની મંજૂરી આપવામાં આવી ત્યારે દલીલ કરવામાં આવી હતી કે જે કિસાનો આ જિનેટિકલી મોડિફાઈડ બિયારણ વાપરશે તેમણે જંતુનાશક દવાઓ બિલકુલ વાપરવી નહીં પડે અને તેમનો ખર્ચો ઘટી જશે. જી.એમ. કપાસનો વપરાશ ૨૦ વર્ષ કર્યા પછી ભારતના કિસાનોનો અનુભવ કહે છે કે જી.એમ. બિયારણનો પણ પ્રતિકાર કરે તેવા જંતુઓની નવી જાતો પેદા થઈ છે, જેને કારણે કિસાનોને કોઇ ફાયદો થયો નથી, પણ જી.એમ. બિયારણનું ઉત્પાદન કરતી મોન્સાન્ટો જેવી વિદેશી કંપનીઓના નફામાં ધરખમ વધારો થયો છે. યુપીએ સરકારે ૨૦૦૭માં બી.ટી. રીંગણાંનાં બિયારણના વેચાણ માટે મંજૂરી આપી હતી, પણ પર્યાવરણવિદોના પ્રચંડ વિરોધને પગલે તે મંજૂરી રદ કરવાની ફરજ પડી હતી. વિદેશી 6કંપનીઓ દ્વારા ભારતમાં બી.ટી. કપાસ પછી બી.ટી. રીંગણાં ઉપરાંત બી.ટી. ચોખા, બી.ટી. કોબીજ, બી.ટી. સરસવ વગેરેનો વેપાર કરવાની યોજના પણ અભરાઈ પર ચડાવી દેવાની ફરજ પડી હતી.
યુપીએ સરકારે જે જી.એમ. બિયારણ બાબતમાં પીછેહઠ કરી હતી, તે બાબતમાં વર્તમાન ભાજપ સરકાર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારની જિનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટિ દ્વારા ભારતમાં જી.એમ. સરસવનાં બિયારણનું ઉત્પાદન કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, પણ સરકારે હજુ તેના વેપારી ઉત્પાદનની મંજૂરી આપી નથી. દરમિયાન દેશના કેટલાક પર્યાવરણવિદો સુપ્રિમ કોર્ટમાં જઈને જી.એમ. સરસવના ઉત્પાદન અને વેચાણ સામે મનાઇહુકમ લઈ આવ્યા છે. આ વિવાદ વચ્ચે ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા ૯૩ વર્ષના વિશ્વવિખ્યાત વિજ્ઞાની એમ. એસ. સ્વામિનાથને ‘કરન્સ સાયન્સ’નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલમાં લેખ લખીને જી.એમ. સરસવને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની નીતિની કડક ટીકા કરી છે.
આ લેખ એમ.એસ. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનના વરિષ્ઠ વિજ્ઞાની પી.સી. કેશવને અને ડો. સ્વામિનાથને મળીને લખ્યો છે અને તેમાં ભારત સરકારની જી.એમ. બિયારણને પ્રોત્સાહન આપવાની નીતિની કડક ટીકા કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતમાં બી.ટી. કપાસ નિષ્ફળ ગયો છે, તે બાબતમાં કોઈ શંકા નથી. તે કરકસરયુક્ત કૃષિ ટેકનોલોજીના રૂપમાં નિષ્ફળ ગયો હોવાથી ભારતના ગરીબ કપાસ ઉગાડનારાને રોજીની સલામતી આપવામાં નિષ્ફળ ગયો છે. જી.એમ. સરસવને મંજૂરી આપવામાં પણ સરકાર દ્વારા સલામતીના તમામ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે. તેમાં સલામતી બાબતનાં કોઈ વૈજ્ઞાનિક સંશોધનો થયાં નથી.’’
પી.સી. કેશવન અને ડો. એમ. એસ. સ્વામિનાથન પોતાના લેખમાં કહે છે કે ‘‘જિનેટિક એન્જિનિયરિંગ માટે વપરાતી ટેકનોલોજી પણ ક્ષતિપૂર્ણ છે, કારણ કે તેને કારણે રોપણીનો ખર્ચો વધી જાય છે. વળી કોઈ પણ વનસ્પતિમાં બહારનાં જીન્સ દાખલ કરવામાં આવે છે ત્યારે તેના કોષોમાં જે ફેરફારો થાય છે, તેને હજુ સમજી શકવામાં આવ્યા નથી. વળી જી.એમ. બિયારણ અત્યંત મોંઘું હોવાથી જો પાક નિષ્ફળ જાય તો કિસાનો તેનો ખર્ચો ઉઠાવી શકતા નથી. જે ખેતરમાં જી.એમ. બિયારણ તૈયાર કરવામાં આવે છે તેના પર કોઈ નિયંત્રણ રાખી શકાતું ન હોવાથી તે બીજાં ખેતરમાં ફેલાઈ જાય છે, જેને કારણે સામાન્ય પાક પણ પ્રભાવિત થાય છે. ભારતમાં બી.ટી. કપાસ નિષ્ફળ ગયો હોવાથી કપાસ ઉગાડતા કિસાનોને પરંપરાગત પદ્ધતિ તરફ વળવાનું કહેવાઈ રહ્યું છે.’’
ભારતમાં બી.ટી. કપાસનું બિયારણ આવ્યું તે પછી તેનો એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો કે ભારતમાં કપાસ હેઠળની ૯૫ ટકા જમીનમાં આજે બી.ટી. કપાસનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બી.ટી. કપાસનું ઉત્પાદન હેક્ટર દીઠ ૫૦૦ કિલોગ્રામ પર સ્થિર થઈ ગયું છે, જે ઇજિપ્ત અને ચીનના ઉત્પાદન કરતાં ઓછું છે. બી.ટી. કપાસ આવ્યા પછી જીવાતોની નવી જાતો પેદા થઈ છે, જેની સામે બી.ટી. કપાસનું બિયારણ રક્ષણ આપતું નથી. આ કારણે દેવામાં ડૂબી ગયેલા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના કિસાનો આપઘાત કરી રહ્યા છે. સ્વામિનાથને પોતાના લેખમાં કહ્યું છે કે ‘‘ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન વધારવા માટેના તમામ વિકલ્પો નિષ્ફળ પુરવાર થયા હોય તો જ જિનેટિકલ એન્જિનિયરિંગની ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપયોગ પણ વધુમાં વધુ ૧ ટકા કિસ્સામાં જ કરવો જોઈએ,બાકી ઓછી ખર્ચાળ ટેકનોલોજી જ વાપરવી જોઈએ.’’
એમ. એસ. સ્વામિનાથન ભારતના ટોચના કૃષિવિજ્ઞાની ગણાતા હોવાથી તેમણે જી.એમ. બિયારણની ટીકા કરી તેના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર કે. વિજયરાઘવને ટ્વિટ કરીને સ્વામિનાથનનો વિરોધ કર્યો છે, પણ તેમણે વિરોધ કરવાનું કોઈ કારણ આપ્યું નથી. જી.એમ. બિયારણનો ધંધો કરતી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા પણ સ્વામિનાથન પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે તેમણે તેમનો લેખ પાછો ખેંચી લેવો જોઈએ. સ્વામિનાથને એટલો જ ખુલાસો કર્યો છે કે તેઓ જી.એમ. ટેકનોલોજીના વિરોધી નથી; પણ તેનો ઉપયોગ જીવાતો સામે લડવા માટે કરવો જોઈએ નહીં. દુનિયામાં જી.એમ. બિયારણનો પ્રચાર કરતી લોબી એટલી શક્તિશાળી છે કે તેઓ કોઈ પણ વિજ્ઞાનીને આતંકિત કરી શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.