સુરત : પુત્રીના પગના એક્સ-રેની (X-ray) ફી ભરવા માટે છૂટા રૂપિયા નહીં હોવાને કારણે અડધો કલાક સુધી લાઇનમાં ઉભી રહેલી માતાને 9 નંબરની બારી ઉપરથી છૂટા રૂપિયા લઇ આવવાનું કહી ધક્કે ચઢાવાઇ હતી.નવી સિવિલ હોસ્પિટલમાં(New Civil Hospital) રવિવારે દર્દીઓની (Patients) સંખ્યા ઓછી રહેતી હોય છે. જોકે સોમવારે ઓપીડી ખુલતા જ દર્દીઓની લાંબી લાઇનો લાગતી હોય છે. આજે સવારે પાંડેસરાના સુખીનગર વિસ્તારમાંથી 20 વર્ષિય પુત્રીના પગના એક્સ-રે માટે આવેલી માતાને એક્સ-રેના રૂપિયા ભરવા માટે ધક્કે ચઢવું પડ્યું હતું. માતા અડધો કલાક સુધી લાઇનમાં ઊભી રહી હતી
કાઉન્ટર ઉપરથી છૂટા રૂપિયા લઇ આવવા જણાવી દેવાયું
અને જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે કાઉન્ટર ઉપરથી માતાને છૂટા રૂપિયા લઇ આવવા જણાવી દેવાયું હતું. લાંબી લાઇનમાંથી બહાર નીકળી ગયા બાદ આ મહિલાને ફરીથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર કરી દેવાઇ હતી. 9 નંબરની બારી ઉપરથી સ્ટાફ દ્વારા મહિલાને છૂટા રૂપિયા માટે મોકલી દેવાતા તે અટવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, દર્દીઓને યોગ્ય સમયે અને ચોક્કસ સારવાર મળે તે માટે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અમુક સ્ટાફને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વખત આવે છે.