ગુજરાતી જેવી પ્રજા,ગુજરાતી જેવી ભાષા અને ગુજરાત જેવો પ્રદેશ દુનિયામાં કયાંય નથી. ગુજરાત અને ગુજરાતીઓને ભલે ભોળાં સમજવામાં આવતાં હોય, પણ હકીકતમાં ગુજરાતી જેવી શાણી, સમજણી, ચતુર અને ચાલાક પ્રજા બીજી કોઈ નથી. ગુજરાતીને તમે છેતરતાં હો એમ તમને લાગતું હોય તો સમજી લેજો કે ગુજરાતી તમારી કસોટી કરવા જાતે છેતરાઈ જાય અને તમને ખબર પણ ન પડે. ગુજરાતની અસ્મિતાના નામે સત્તા પક્ષે ઘણાં વર્ષો સુધી રાજ્યની સેવા કરી લીધી.હવે સેવાનિવૃત્ત થવાનો સમય આવી ગયો.સત્તા બદલીને કદાચ પ્રજાને મોંઘવારી, બેરોજગારી કે પછી ગરીબી સામે રાહત ન પણ મળે. પરંતુ સત્તા પક્ષનો ઘમંડ તોડવા પરિવર્તન જરૂરી છે.બીજા પાસે ૭૦ વર્ષો સુધી કંઈ કર્યું નથી તેવા ગપગોળાનો જવાબ આપવા પરિવર્તન જરૂરી છે.
૨૭ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ શિક્ષણ,આરોગ્ય, રોડ રસ્તાની ખસતાં હાલત માટે પરિવર્તન જરૂરી છે.સૌથી વધુ જે તાયફાઓ,જાહેરાતો, ફેંકવામાં તમામ હદો ઓળંગી જવી, હોસ્પિટલમાં વિઝિટ પહેલાં રંગરોગાન કરવું,હું કરું તે જ દેશભક્તિ અને બાકીના કરે તે રાષ્ટ્રવિરોધી આવી માનસિકતામાંથી આઝાદી માટે પરિવર્તન જરૂરી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહની સરકારને રિમોટ કંટ્રોલ સરકાર ગણાવનાર આજે કેવી સરકાર ચલાવે છે? રાહુલ ગાંધીને ચાંદીની ચમચીમાં ખાવાવાળાનાં મહેણાં ટોણાં મારી પરિવારવાદની વાત કરનાર બીસીસીઆઈના અધ્યક્ષ પદ પર કેમ ચૂપ છે? આવા તમામ સવાલોના જવાબ માટે પરિવર્તન જરૂરી છે.છેલ્લે ગુજરાતી તો ભગવાનનો માણસ છે તો એ જ ભગવાનની ઈચ્છા પણ પરિવર્તન છે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દંભી બિનસાંપ્રદાયિકતા અને દંભી દેશપ્રેમ
2002 માં ગોધરાના રેલવે સ્ટેશન પર ડબ્બો સળગાવવામાં આવ્યો, જેમાં 58 જેટલાં માણસો જીવતાં ભુંજાઈ ગયાં. આ ઘટનાથી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. એક્શનનું રિએક્શન આવ્યું. સમગ્ર રાજ્યમાં કોમી એ વખતે સેક્યુલર કહેવાતો એક વર્ગ એવો હતો કે જે કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે એમને એક કોમે જે વેઠયું એનું જ ફક્ત ચચરતું હતું, જ્યારે બીજી કોમ માટે એમણે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહીં. એ તો ખરું જ ને કે જો ગોધરામાં ડબ્બો ના સળગ્યો હોતે તો ત્યાર પછી ફાટી નીકળેલાં રમખાણો પણ ના થયાં હોત. આવા વખતે કોઈ એક જ ધર્મ કે કોમનું ચચરે એને દંભી બિનસાંપ્રદાયિક કહેવાય છે. જેમ બધા જ હિન્દુઓ કટ્ટર નથી હોતા, તેમ બધા જ મુસલમાનો કટ્ટર નથી હોતાં. એવી જ રીતે 2014 પછી એક શબ્દ સ્યુડો પેટ્રીઓટિઝમ (દંભી દેશપ્રેમ) વધારે ચલણમાં આવ્યો છે.
આ વખતે આઝાદીના આ અમૃત મહોત્સવ પર્વ વખતે જે ઘરે ઘરે ત્રિરંગા ફરકાવવાનું આહ્વાન થયું અને દેશ પ્રેમ જગાડવાનો પ્રયત્ન થયો. વિડંબના કહો કે વક્રતા કહો, જે કહો તે પણ, જે સરકાર ઘરે ઘરે ત્રિરંગો ફરકાવાની વાતો કરે છે એ સરકારનો જન્મ જ આર.એસ.એસ.ની કૂખેથી થયો છે બીજું કે આ એ જ સરકાર પ્રજાને દેશપ્રેમના પાઠ ભણાવવા નીકળી છે કે જેણે દેશના બંધારણનો ઉલાળિયો કર્યો છે. લોકશાહીના લેબલ હેઠળ સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે. વર્તમાન સરકાર લોકશાહીના સિદ્ધાંતોને યેનકેન પ્રકારેણ મેળવેલી સત્તાની એડી હેઠળ કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘરે ઘરે ત્રિરંગાની સાથે ઘરે ઘરે દેશનું બંધારણ પણ પહોંચાડ્યું હોતે તો લોકશાહીનો અર્થ પ્રજાને સમજાતે. ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવાનું આહવાન કરવાવાળા દેશની સંપત્તિ વેચી રહ્યા છે. દેશની કોમી એકતા, કોમી સૌહાર્દ અને કોમી એખલાસને ખોરવી રહ્યા છે. આવાં લોકો પ્રજાને દેશપ્રેમના પાઠ ભણાવી રહ્યા છે. આનાથી મોટો દંભી દેશપ્રેમ બીજો કયો હોઈ શકે?
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.