ખેડા: ખેડા જિલ્લાના માતર વિધાનસભામાં સતત બે ટર્મથી ચુંટાઈ આવતાં કેસરીસિંહ સોલંકીને આ વખતે પક્ષે ટીકીટ ન આપતાં, ભાજપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કેમ કે, ઉમેદવારોની જાહેરાત થયાંના થોડા જ સમયમાં માતર ભાજપ કાર્યાલયને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. તેમજ કાર્યાલય પરથી બોર્ડ અને પક્ષના ઝંડા પણ ઉતારી લેવામાં આવ્યાં હતાં. ટીકીટ ન મળવાથી કેસરીસિંહ સોલંકીએ જ ભાજપના કાર્યાલયને તાળાં મારાવ્યાં હોવાનું પક્ષના કેટલાક કાર્યકરો જણાવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા ગુરૂવારના રોજ સવારના સમયે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ખેડા જિલ્લાના માતર વિધાનસભામાં સતત બે ટર્મથી ચુંટાઈને આવતાં કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરવામાં આવી હતી. પક્ષે કેસરીસિંહના સ્થાને કલ્પેશભાઈ પરમારને ટીકીટ આપી હતી. ટીકીટની જાહેરાત થતાંની સાથે જ કલ્પેશભાઈ પરમારના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. જોકે, બીજી બાજુ ઉમેદવારોની જાહેરાત થતાંની સાથે જ માતર ભાજપના કાર્યાલયને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. તેમજ કાર્યાલય પરથી બોર્ડ અને પક્ષના ઝંડા પણ ઉતારી લેવામાં આવ્યાં હતાં.
એક તરફ રાજ્યભરના તમામ ભાજપના કાર્યાલય ખાતે જશ્નનો માહોલ હતો. તો વળી, બીજી બાજુ એકમાત્ર માતર ભાજપ કાર્યાલયમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો. આની પાછળ કેસરીસિંહનો હાથ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. ટીકીટ ન મળવાથી કેસરીસિંહ સોલંકીએ જ ભાજપના કાર્યાલયને તાળાં માર્યાં હોવાનું પક્ષના કેટલાક કાર્યકરો જણાવી રહ્યાં હતાં. જોકે, આ વાત આજે દિવસભર ચર્ચાનો વિષય બની હતી.
કાર્યાલય બંધ હોવાથી ઉમેદવારના સ્વાગતનો કાર્યક્રમ ન થઈ શક્યો
માતર વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી જાહેર કરાયેલાં ઉમેદવાર કલ્પેશભાઈનું સ્વાગત કરવા માટે ગુરૂવારના રોજ બપોરે દોઢ વાગ્યે માતર ભાજપ કાર્યાલય ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના મેસેજ પણ વહેતાં કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ, કાર્યાલયને તાળાં મારી દેવામાં આવ્યાં હોવાથી ઉમેદવારના સ્વાગતનો કાર્યક્રમ યોજાઈ શક્યો ન હતો.
પક્ષે બે વખત ટીકીટ આપી તેનો મને સંતોષ છે, પક્ષ સાથે જ છું – કેસરીસિંહ સોલંકી
આ મામલે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, માતર વિધાનસભાની ટીકીટ મેળવનાર કલ્પેશભાઈ પરમારે અગાઉથી જ ત્રાજ ગામે કાર્યાલય બનાવી દીધું છે. ટીકીટ મળ્યાં બાદ તેઓએ ત્યાં જ ફુલહાર કરી દીધાં હતાં. સવારથી જ માતર ભાજપના કાર્યાલયમાં કોઈ આવ્યું ન હોવાથી તાળું મારવામાં આવ્યું હતું. ભાજપે મારા ઉપર વિશ્વાસ મુકી બે વખત ટીકીટ આપી તેનો મને સંતોષ છે. ટીકીટ ન મળવાથી હું નારાજ નથી, હું ભાજપ સાથે જ છું, મારી પર્સનલ ઓફિસમાં અત્યારે પણ પક્ષના બેનરો તેમજ ઝંડા લગાવેલાં જ છે. જોકે, કાર્યાલયમાંથી ભાજપના બોર્ડ તેમજ ઝંડા ઉતારી લેવામાં આવ્યાં હોવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.