નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંમાં (Shopian) સુરક્ષાદળો (Army) અને આતંકીઓ (terrorists) વચ્ચે શુક્રવારે સવારે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને શોપિયાંમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષાકર્મીઓ દ્વારા તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સુરક્ષાદળના જવાનો તે વિસ્તારમાં પહોચતાની સાથે જ આતંકવાદીઓએ ગોળીબાર (Firing) શરૂ કરી દીધો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા હતા. તમને જણાવી દઈએ કે આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો (Jaish-e-Mohammed) એક આતંકી પણ માર્યો ગયો હતો. બંને તરફથી સુરક્ષાદળો પર ગોળીબાર થઈ રહ્યો હતો. અથડામણ બાદ આતંકીને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search operation) ચલાવવામાં આવી રહ્યું છે.
- શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો
- સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
- હજી એક આતંકવાદી છુપાયો હોવાની આશંકા
આતંકવાદી કામરાન કુલગામ-શોપિયામાં સક્રિય હતો
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે આતંકીની ઓળખ કામરાન ઉર્ફે હનીસ તરીકે થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે વહેલી સવારે શોપિયા જિલ્લાના કપરીન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અન્ય આતંકવાદી છુપાયો હોવાના ઈનપુટ પોલીસ પાસે છે. સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું.
કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે ટ્વીટ કર્યું, “એનકાઉન્ટર થયેલ આતંકવાદીની ઓળખ જૈશના કામરાન ઉર્ફે હનીસ તરીકે થઈ છે, જે કુલગામ અને શોપિયાં વિસ્તારોમાં ખૂબ જ સક્રિય હતો. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.”
પુલવામા-અનંતનાગમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા, 3ની ધરપકડ
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને અનંતનાગ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે માહિતી આપી હતી કે પુલવામાના ખાંડીપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે અનંતનાગના સેમથાનમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ ઉપરાંત, શ્રીનગર અને બડગામ જિલ્લામાં વિરોધી કાર્યવાહી દરમિયાન લશ્કર-એ-તૈયબાના ત્રણ કથિત “હાઈબ્રિડ” આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.