પેટલાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કમાં યોજાનાર છે. જે પૈકી આણંદ જીલ્લાની સાત બેઠકોનું મતદાન બીજા તબક્કામાં તા.5મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ સાત બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ અને કોંગ્રેસમાં લગભગ સંપન્ન થઈ ગઈ છે. આ બેઠકો માટે ઉમેદવારો માત્ર જાહેર કરવાના બાકી છે. જે પૈકી પેટલાદ બેઠક ઉપર ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસમાં ભડકો થયો છે. આ બેઠક ઉપર સતત છ વખત જીતનાર નિરંજન પટેલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ અચાનક ભરતસિંહ સોલંકીનું નામ સામે આવતા સ્થાનિક કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે. જેની અસર સોમવારે કોંગ્રેસની રેલીમાં જોવા મળી હતી. પેટલાદ બેઠકના મત વિસ્તારમાં નિકળેલી રેલીમાં સંભવિત બન્ને ઉમેદવારોની સુચક ગેરહાજરી જાેવા મળી હતી.
સન 1960માં ગુજરાતની સ્થાપના થઈ તે વખતથી અત્યાર સુધી પેટલાદ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 60 વર્ષમાં વિધાનસભાની 13 ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં 10 વખત આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. જ્યારે સ્વતંત્ર પાર્ટી, જનતાદળ અને ભાજપને ફાળે એક એક વખત જીત મળી છે. પેટલાદ બેઠક કોંગ્રેસ માટે સલામત ગણાય છે. તેમાય જે દસ વખત કોંગ્રેસને ફાળે બેઠક ગઈ છે, તે પૈકી પાંચ વખત નિરંજન પટેલની જીત થઈ છે. આ ઉપરાંત એક વખત જનતાદળમાંથી પણ નિરંજન પટેલ જ જીત્યા હતા. આમ સન 1990થી સન 2017 સુધીની 7 ચૂંટણીઓ પૈકી 6 વખત નિરંજન પટેલ જીત્યા છે. જ્યારે સન 2002ની ચૂંટણીમાં પેટલાદ બેઠક ઉપર સૌપ્રથમ વખત ભાજપ જીત્યું હતુ. હવે ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ટિકીટ માટે સ્થાનિક નેતા નિરંજન પટેલ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી વચ્ચે ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.
આ બેઠક ઉપર નિરંજન પટેલની ટિકીટ લગભગ નિશ્ચિત હોવાનું માની ચૂંટણીલક્ષી બેઠકો અગાઉથી જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ એકાએક ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. તેમાંય તેઓ પેટલાદથી ચૂંટણી લડવાના હોવાની વિગતો બહાર આવતા પેટલાદ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઈ છે. બેઠકો અને પ્રચાર પ્રસારના કામકાજમાં વ્યસ્ત નિરંજન પટેલે તાત્કાલિક ચૂંટણીલક્ષી કામગીરી સ્થગિત કરી દીધી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી હતી.
આ બેઠક ઉપર રાજકીય સમિકરણો ઉપર નજર કરીએ તો કોંગ્રેસ માટે સૌથી સલામત ગણાય છે.
પરંતુ પેટલાદ શહેરના સ્થાનિક મતદારો અને પાટીદાર વોટ બેન્ક ભરતસિંહ સોલંકીને સ્વિકારે કે કેમ ? એ તો આવનાર સમય જ કહી શકશે. જાે કે આ બેઠક ઉપર કોંગ્રેસના આ બન્ને પૈકી જે પણ ઉમેદવાર આવશે તેમના માટે કપરા ચઢાણ હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે આ બેઠકના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધતુ જતુ જાેવા મળ્યું છે. નગરપાલિકા અને તાલુકા પંચાયતની ગત ચૂંટણીઓમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો હતો. કોંગ્રેસની આ ગતિવિધી સામે ભાજપમાંથી હવે કયા ઉમેદવારને ઉતારવામાં આવે છે ? તે જાેવાનું રહ્યું ! આ સમગ્ર મામલે નિરંજન પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ કે, પેટલાદ બેઠક માટે હજી સુધી ઉમેદવાર જાહેર થયા નથી. બેઠકો અને પ્રચાર પ્રસાર અંગે પુછતા તેઓએ કહ્યું હતુ કે અમે કોંગ્રેસ માટે મત માંગી રહ્યા છે.
વધુમાં ટિકીટ કપાવવા અંગે તેઓએ કહ્યું હતુ કે, ઉમેદવાર જાહેર થયા પછી આગળની રણનિતી તૈયાર થશે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે સોમવારે પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. જે ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા પેટલાદ શહેરની સાઈનાથ ચોકડી ખાતે બપોરે 12 કલાકે આવી પહોંચી હતી. જે શહેરના સાઈનાથ રોડ, રણછોડજી મંદિર, ટાઉનહોલ, સ્ટેશન રોડ થઈ મરિયમપુરા તરફ આગળ વધવાની હતી. પરંતુ આ રેલીમાં કોંગ્રેસના સંભવિત બે કદ્દાવર નેતા નિરંજન પટેલ અને ભરતસિંહ સોલંકીની સુચક ગેરહાજરી જાેવા મળી હતી !