વડોદરા : વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા બૂટલગરો સક્રિય બન્યા છે. વેલ્ડિંગના રોડ ભરેલા બોક્સની આડમાં વિદેશી દારૂ સંતાડી સુરત પહોંચાડાતો હતો તે દરમિયાન કુરાલી ચોકડી પાસેથી એલીસીબીની ટીમે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જેમાં એક પકડાઇ ગયો હતો જ્યાર અન્ય બે જણા ભાગી ગયા હતા.પોલીસે વિદેશી દારૂ-બિયર,ટેમ્પો અને રોકડ રકમ મળી 24.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ કાર્યવાહી માટે મુદ્દામાલ તથા આરોપીને કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ પટેલ સહિતનો સ્ટાફ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી માંગલેજ, ગણપતપુરા, કુરાલી થઇ તરફ જવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે કુરાલી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. ટેમ્પો ગણપતપુરા તરફથી આવતા તેને ઉભી રાખવી ઇસારો કરતા ચાલકે ચોકડીથી નારેશ્વર રોડ ગાડી ઉભી રાખી હતી. પોલીસને જોઈ ત્રણેય શખ્સો ભાગી ગયા હતા જેમાંથી એકને ઝડપી પાડ્યો હતો.
જ્યારે બે લોકો અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા. પકડાયેલા શખ્સનું નામ પૂછતા પાર્થ ઉર્ફે સોનુ ડીજે રાજુભાઇ બ્રહ્મભટ્ટ વાઘોડિયા રોડ વડોદરામાં રહેતો હોવાનુ જણાવ્યું હતું. ફરાર શખ્સો અંગે પૂછતા તેમાંથી એક તેમનો શેઠ હતો તેનું નામ જયેન્દ્ર ઉર્ફે ગલો મોહનભાઇ તડવી (રહે, રામદેવનગર, આજવા રોડ) જ્યારે ડ્રાઇવરનું નામ ખબર ન હોવાની કબૂલાત કરી હતી. આરોપી સાથે ટેમ્પામાં તપાસ કરતા વેલ્ડિંગના રોડના બોક્સની આડમાં દારૂનો જથ્થો લઇ જતા હતા. જેમાં વિદેશી દારૂ-બિયર રૂ.8.55 લાખ,આરોપીની અંગજડતીના રૂ.એક લાખ અને ટેમ્પા રૂ.10 લાખ તથા વેલ્ડિંગ બોક્સ રૂ.5.75 લાખ મળી 24.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા આરોપીની પૂછતાછ કરતા દારૂનો જથ્થો ફરાર શેટ જયેન્દ્ર ઉર્ફે ગલો તડવીએ મધ્યપ્રદેશથી મંગાવ્યો હતો અને સુરત ખાતે રહેતા કલ્પેશ નામના શખ્સને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. આરોપીને વધુ કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપતા ગુનો નોંધી ફરાર બે શખ્સનો શોધખોલના ચક્રો ગતિમાન કર્યા છે.