વાપીઃ વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં આવેલા એક હેરસલૂનમાં ફાયર હેરકટિંગ (Fire on young man hair in vapi Hair Saloon) કરવાનો અખતરો યુવકને ભારે પડ્યો હતો. વાળંદ યુવકના વાળમાં કેમિકલ લગાવતા જ આગ ભડકી ઉઠી હતી. વાળંદે આગ ઓલવવાના પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો અને આગ વધુ પ્રસરતા યુવકે ચીસાચીસ કરી મુકી હતી અને ખુરશી પરથી ઉઠીને ભાગ્યો હતો. આગના લીધે યુવક દાઝી ગયો હતો. તેને પ્રાથમિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સલૂનમાં કામ કરતા વાળંદે વધુ માત્રામાં કેમિકલ લગાવી દીધું હોવાના લીધે આગ લાગી હોવાની માહિતી સાાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના ભડક મોરા વિસ્તારમાં બંટી નામના વાળંદના હેર સલૂનમાં આરિફ શાહ નામનો યુવક વાળ કપાવવા ગયો હતો. ત્યારે ફાયર હેર કટિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. વાળંદે ફાયર હેર કટિંગ માટેનું કેમિકલ આરિફ શાહના વાળમાં લગાડ્યું ત્યારે તરત જ આગ ભડકી ઉઠી હતી. આરિફના આખાય માથાને આગે ઝપેટમાં લઈ લીધી હતી. આગ ભડકી હોવાનું જાણી જતા વાળંદે આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. આગની જ્વાળાઓ ઉઠવા લાગવા સાથે આરિફ શાહને માથામાં દાઝતા તે બેબાકળો બન્યો હતો અને ચીસા ચીસ કરી ખુરશી છોડી દુકાનની બહાર દોડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વાળ સાથે અખતરા કરવાનું યુવકને ભારે પડ્યું છે.
યુવકના કાકા સલીમ શાહના જણાવ્યા અનુસાાર સલૂનના સંચાલક બંટીએ આરિફના વાળમાં વધુ માત્રામાં કેમિકલ લગાડ્યું હતું. ત્યાર બાદ માચીસથી વાળમાં આગ ચાંપી હતી. વધારે માત્રામાં ફાયર ફોમ હોવાના લીધે આગ ભડકી ઉઠી હતી અને તે બેકાબુ બની હતી. આરિફ દાઝી ગયો હતો. તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે યુવાનો સુંદર દેખાવાની હોડમાં અનેક વાર એવા અખતરા કરતા હોય છે જેના લીધે જીવનભરનો દાગ રહી જાય છે. કાતરથી વાળ કપાવવાના બદલે ફાયર ફોમથી વાળ કપાવવાનો યુવનોમાં ક્રેઝ છે, જેના લીધે યુવકો ઘણીવાર પોતાનું જીવન જોખમમાં મુકી દેતા હોય છે.