સાપુતારા : ગિરિમથક સાપુતારાનાં (Saputara) નવાગામ ખાતેનાં રહીશ ગિરીશભાઈ પટેલે પોતાની બલેનો કારને રિપેર માટે સાપુતારાનાં ગેરેજમાં મૂકી હતી. ગેરેજવાળો બુધવારે બલેનો કાર ? (Car) લઈ સાંઇબજારથી સાપુતારા સ્વાગત સર્કલ તરફ નીકળ્યો હતો. તેણે પુલ પર અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં બનાવેલી રેલીંગ (Reling) તોડી સર્પગંગા તળાવનાં ઊંડા પાણીમાં ખાબકી. ચાલક સમયસુચકતા વાપરી કારનો દરવાજો ખોલી બહાર નીકળી આવતા બચાવ થયો હતો. સ્થાનિક ધંધાર્થીઓએ દોડી આવી પાણીમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી. આ અકસ્માતનાં બનાવમાં બલેનો કારને જંગી નુકસાન થયું હતું.
નવાગામ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું વાહન અડફેટે મોત
કામરેજ: સુરતના અમરોલી-કોસાડ-સાયણ રોડ પર આવેલી ગ્લોબલ સિટી અમરોલી ખાતે રહેતા 62 વર્ષીય ઠાકોર જેરામ મૈસુરીયા મંગળવારે સાંજે 5.30 કલાકે કામરેજના નવાગામની હદમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નં.48 હાઈવે ક્રોસ કરતા હતા. એ વેળા અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારતાં માથા તથા પગના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં મરનારના ભત્રીજાએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
માંડવીના હરિયાલમાં ટેમ્પો અડફેટે બાઇકસવાર એકનું મોત
માંડવી: માંડવીના હરિયાલ ગામની સીમા આવેલી કેમ્બે કંપની નજીક રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં એક અજાણ્યા ટેમ્પોચાલકે મોપેડને અડફેટે લેતાં એકનું મોત નીપજ્યું હતું.માંડવીના હરિયાલ ગામથી મોપેડ ઉપર મોહિત ભાવસાહેબ દેવરે એમના મિત્ર કમલેશ વજલાલ વસાણી સાથે સહયોગી હોટલ ઉપરથી જમીને પરત આવતાં હરિયાલ ગામની સીમમાંથી પસાર થતાં સામેથી આવતો ટાટા ટેમ્પો ના ચાલક પોતાનું વાહન પૂરઝડપે તથા ગફલતભરી હંકારી લાવી મોપેડને અડફેટે લેતાં મોહિતભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા કમલેશભાઇને પગમાં ફેક્ચર તથા શરીરના ભાગે નાની ઈજા થઈ હતી. જેની જાણ તડકેશ્વર પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે ધસી આવી મરણ જનારને તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.