કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસમાં અધ્યક્ષ “સર્વોચ્ચ સત્તા” છે અને (પક્ષના) આગળના સ્ટેન્ડ અંગે નિર્ણય લેશે. અહીં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મીડિયા સાથેની સંક્ષિપ્ત વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નવા અધ્યક્ષ (President) નક્કી કરશે કે “મારી ભૂમિકા શું છે અને મને કઈ જવાબદારી (Responsibility) સોંપવામાં આવશે”.
- નવા અધ્યક્ષ નક્કી કરશે કે “મારી ભૂમિકા શું છે અને મને કઈ જવાબદારી સોંપવામાં આવશે- રાહુલ ગાંધી
- ચૂંટણીનું પરિણામ જાહેર ન થયું ત્યારે રાહુલે ખડગેનું નામ લીધું
- ભૂમિકા વિશે પૂછવામાં આવતા રાહુલે કહ્યું, “યે તો ખડગે જી અને સોનિયા જી તેમને પૂછો.”
કહેવા માટે કોંગ્રેસને 24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારના પ્રમુખ મળ્યા છે પરંતુ જમીની વાસ્તવિકતા કેટલી અલગ છે તેની ઝલક ચૂંટણીના પરિણામોના અડધા કલાક પહેલા જોવા મળી હતી. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ભૂલથી કહી દીધું કે જે દુનિયા પહેલા થી જ જાણતી હતી. કોંગ્રેસ પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવતા રાહુલે કહ્યું, “યે તો ખડગે જી અને સોનિયા જી સે પૂછો.” આ વાત રાહુલ ગાંધીએ ત્યારે કરી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું પરિણામ જાહેર ન થયું. તે સમય લગભગ 1.30 વાગ્યાનો હતો અને અડધા કલાક પછી બપોરે 2 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચુંટણીનું પરિણામ આવ્યું હતું.
કોંગ્રેસમાં અધ્યક્ષ સર્વોચ્ચ અધિકારી છે- રાહુલ ગાંધી
જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ નવા પ્રમુખને રિપોર્ટ કરશે? તો રાહુલે કહ્યું, “સ્વાભાવિક છે”. તેમણે ટિપ્પણી કરી કે “અધ્યક્ષ કોંગ્રેસમાં સર્વોચ્ચ સત્તા છે અને દરેક તેમને રિપોર્ટ કરે છે. હું મારી ભૂમિકા વિશે ખૂબ જ સ્પષ્ટ છું. કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે કે મારી ભૂમિકા શું છે અને મને કઈ જવાબદારી સોંપવામાં આવશે. અધ્યક્ષની ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધી એકવાર ભૂલથી બોલી ગયા હતાં કે, “ખડગેજીએ નક્કી કરવાનું છે” પરંતુ બાદમાં પોતાના શબ્દોને સુધારતા તેમણે કહ્યું, “જે ચૂંટાશે, તે સજ્જન નિર્ણય કરશે કે મારી ભૂમિકા શું હશે”
બહોળો અનુભવ અને સમજ ધરાવતા ખડગે અને થરૂર: રાહુલ
રાહુલે કહ્યું, “ખડગે અને થરૂર વિશાળ અનુભવ અને સમજ ધરાવતા લોકો છે. તેમને મારી સલાહની જરૂર નથી.” ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેરરીતિઓના શશિ થરૂરના આરોપો અંગેના એક પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે પાર્ટી પાસે તેનો સામનો કરવા માટે એક સંસ્થાકીય માળખું છે. તેમણે કહ્યું, “અમે એકમાત્ર એવી પાર્ટી છીએ જેની પાસે ચૂંટણી પંચ છે જેમાં ટીએન શેશન (ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર) જેવા વ્યક્તિ છે. મિસ્ત્રી એકદમ ન્યાયી વ્યક્તિ છે. અમારું ચૂંટણી પંચ ગેરરીતિઓ પર નિર્ણય લેશે.
ખડગેએ શશિ થરૂરને 6,825 મતોથી હરાવ્યા હતા
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ તેમના હરીફ શશિ થરૂરને 6,825 મતોના માર્જિનથી હરાવ્યા હતા. કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના વડા મધુસૂદન મિસ્ત્રીએ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટાયેલા જાહેર કર્યા. તેમણે કહ્યું કે ખડગેને 7,897 વોટ મળ્યા અને થરૂરને 1,072 વોટ મળ્યા. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં 9,385 મત પડ્યા હતા અને તેમાંથી 416 મતો અમાન્ય જાહેર થયા હતા. ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત પહેલા જ થરૂરે પોતાની હાર સ્વીકારી લીધી હતી અને ખડગેને અભિનંદન પાઠવ્યા હતા.