SURAT

મંડળીમાં સગા સંબંધીઓ નોકરી કરતા હોય એ કારણસર કોઈનું ડિરેક્ટર પદ ઝૂંટવી શકાય નહીં : હાઇકોર્ટ

સુરત: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે, સહકારી મંડળીમાં સગા સંબંધીઓ નોકરી કરતા હોય એ કારણસર કોઈનું ડિરેક્ટર પદ ઝૂંટવી શકાય નહીં. હાઇકોર્ટે સુમુલ ડેરીના ડિરેક્ટર ભરત સુદામ પટેલની તરફેણમાં ચુકાદો આપી તેમને સુમુલના ડિરેક્ટર પદે પુન: નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. અને સહકાર રજિસ્ટ્રારના ખોટા અર્થઘટનને માન્ય ન રાખતો ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત એવી છે કે, વર્ષ-2015માં સુમુલ ડેરીના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. તે ચૂંટણીમાં ભરત પટેલ ડિરેક્ટર તરીકે ચુંટાઈ આવ્યા હતા.ભરત પટેલ દ્વારા અન્ય ઉમેદવાર યોગેશ ચુનીલાલ રાજપૂતની ઉમેદવારી સામે વાંધા અરજી આપવાને કારણે તેમની ઉમેદવારી ચૂંટણી અધિકારી દ્વારા નામંજૂર ઠરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી થયા પછી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પ્રતિનિધિ તરીકે બે જણાની નિમણૂક કરવામાં આવી, જેમાં પણ યોગેશ રાજપૂતનું નામ સામેલ હતું.

ડેરીના ડાયરેક્ટર તરીકે દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો
આ બાબતે ભરત પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારનો પ્રતિનિધિની નીમવાનો ઠરાવ રદબાતલ જાહેર કર્યો હતો.ભરત સુદામ પટેલ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નારાજ થઈ યોગેશ ચુનીલાલ રાજપૂતે જિલ્લા રજિસ્ટ્રારને વાંધા અરજી આપી તેમાં જણાવ્યું હતું કે, ભરત સુદામ પટેલના દીકરાની નિમણૂક સુમુલ ડેરીમાં તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે પત્ર લખી રજિસ્ટ્રાર, સહકાર વિભાગ, ગાંધીનગરને જાણ કરી હતી કે, ભરત સુદામ પટેલ વિરુદ્ધ સહકારી કાયદાની કલમ-76 બી હેઠળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે એવી ભલામણ મોકલી હતી. જે અંતર્ગત રજિસ્ટાર, સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા તા.15.3.2022ના રોજ હુકમ કરી ભરત સુદામ પટેલ વિરુદ્ધ સહકારી કાયદાની કલમ 76 b હેઠળ હુકમ કરી તેમને સુમુલ ડેરીના ડાયરેક્ટર તરીકે દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

રજિસ્ટ્રાર દ્વારા નિયમ-32 પ્રમાણે કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદે છે
ભરત પટેલે આ હુકમને એમના વકીલ અર્ચિત જાની મારફત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તા.15.3.2022ના રજિસ્ટ્રાર, સહકાર વિભાગ, ગાંધીનગરના હુકમને ભરત પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં SCA-6143/2022 દ્વારા પડકારવામાં આવ્યો હતો, જેમાં ભરતભાઇ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, સહકારી કાયદો, નિયમો કે મંડળીના પેટા નિયમોમાં કોઈપણ જગ્યાએ એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, મંડળીના ડિરેક્ટરના સંબંધીઓ મંડળીમાં નોકરી કરી શકે નહીં અને તેથી રજિસ્ટ્રાર દ્વારા નિયમ-32 પ્રમાણે કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ દલીલને સમર્થન આપવામાં આવ્યું છે અને રજિસ્ટ્રારનો હુકમ રદ બાતલ ઠરાવવામાં આવ્યો છે.

નિયમોમાં કોઈ પ્રકારે ઉલ્લેખ ન હોય તે મુજબનું અર્થઘટન ખોટું છે
રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે, મંડળીમાં એ વ્યક્તિ ડાયરેક્ટર તરીકે ચાલુ રહી શકે નહીં કે જેનો સંબંધી તે મંડળીમાં નોકરી કરતો હોય. આ બાબતે સહકારી કાયદાની કલમ, નિયમો અથવા સુમુલ મંડળીના પેટા નિયમોમાં કોઈ પ્રકારે ઉલ્લેખ ન હોય તે મુજબનું અર્થઘટન ખોટું છે અને તેના આધારે રજિસ્ટ્રાર દ્વારા કલમ 76b કરવામાં આવેલો હુકમ હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવ્યો છે.

Most Popular

To Top