વડોદરા: એમ. એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્કસ સાથે સ્નાતક તથા અનુસ્નાતકના ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રોત્સાહીત કરવાના હેતુથી શહેરના સયાજીનગર ગૃહ ખાતે યુનિવર્સિટી દ્વારા સુવર્ણચંદ્રક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કુલ ૧૯૧ વિદ્યાર્થીઓને ૨૯૬ ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧૧ તો માત્ર વિદ્યાર્થિનીઓ છે. ગોલ્ડમેડલ મેળવનાર વિધાર્થીઓ તેમના માતા પિતા સાથે આવ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે, હું એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી ત્યારે શિક્ષક બનવાનું સપનું હતું અને અત્યારે પદવીદાન સમારોહમાં રાજ્યમંત્રી તરીકે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાની તક મળી છે.
સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ જીવનમાં સતત આગળ વધવાની શીખ આપી હતી. રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ત્યાગ અને સમર્પણની ભાવના સાથે સમાજ માટે કંઈક કરવા છૂટવાનું જણાવી વિદ્યાર્થીઓને અહીંથી ન અટકીને જીવનની ખરી પરીક્ષા હવે શરૂ થયું હોવાનું ઉમેર્યું હતું. રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સારી કારકિર્દી સાથે દેશભક્તિનો સમનવય કરીને યુનિ.ના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં નામના મેળવી રહ્યા હોવાનું ગૌરવસહ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યુનિ. સારા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં સફળ થઈ રહી છે. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું કે, આ સુવર્ણચંદ્રક વિતરણ સમારોહમાં સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો આ યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.
આ પ્રસંગે યુનિ.ના કુલપતિ પ્રો. શ્રીવાસ્તવે ૧૧૧ વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ મળવાથી કિર્તીમાન સ્થપાયો હોવાનું જણાવી સર સયાજીરાવ રાવ ત્રીજાએ જે ઉદ્દેશ્યથી યુનિ.ની સ્થાપના કરી હતી, તે ખરા અર્થમાં સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર કેયુરભાઈ રોકડીયા, ધારસભ્યો સર્વ સીમાબેન મોહિલે, જીતુભાઈ સુખડીયા, યુનિ.ના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.