Entertainment

પરિણીતી પરિણામ ઇચ્છે છે

પરિણીતી ચોપરાની ફિલ્મ રજૂ થતી હોય ને ઝાઝી ચર્ચા ન હોય તો તે યોગ્ય ન કહેવાય. આ ૧૪મીએ તે ‘કોડનેમ: તિરંગા’ માં રો એજન્ટ તરીકે આવી રહી છે જે જાસૂસી માટે અનેક દેશોમાં જાય છે. કોઇ જાતના ડર વિના તે સંજોગોનો મુકાબલો કરે છે. તે જાણતી હોય છે કે બલિદાન વિના દેશ માટે લડી ન શકાય. રીભુ દાસગુપ્તા દિગ્દર્શિત આ ફિલ્મ પરિણીતીની આસપાસ ફરે છે. તેની સાથે હાર્ડી સંઘુ, શરદ કેલકર, રજીત કપૂર, શેફાલી શાહ જરૂર છે પણ ફિલ્મ તો પરિણીતીની જ છે. સુરજ બડજાત્યાની ‘ઊંચાઇ’ પહેલાની તે મહત્વની ફિલ્મ ગણાવી જોઇએ પણ તે કેટલી મહત્વની છે તે તો રજૂ થયા પછી જ ખબર પડી શકે. આ ફિલ્મમાં તે દુર્ગાસીંઘ અને ઇસ્મતના પાત્રમાં છે.

‘સાઇના’ પછીની આ ફિલ્મ પરિણીતીને શું આપશે? ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’ની ડિમ્પલ ચઢ્ઢા અને ‘શુદ્ધ દેશી રોમાન્સ’ની યાયત્રી પોતાની કારકિર્દી વિશે બહુ બોલતી ની. અઢારેક ફિલ્મ રજૂ થઇ ચૂકયા પછી પણ તે ખોંખારતી નથી. પણ ‘કોડનેમ: ત્રિરંગા’ અને ‘ઊંચાઇ’ પછી તેની ઊંચાઇ વધી પણ શકે. અક્ષયકુમાર સાથેની ‘કેપ્સ્યુલ ગીલ’ પણ આવી રહી છે જે પણ બચાવ વખતે કેવો ડ્રામા ખડો થતો હોય તે પરદા પર દેખાડશે. ઇમ્તિયાઝ અલીની ‘ચમકીલા’માં પણ તે ચમકવાની છે. પરંતુ આ વર્ષની તો તેની આ પ્રથમ જ ફિલ્મ છે.

અત્યારે ફિલ્મો થિયેટરમાં સારો દેખાવ કરતી નથી અને માર્કેટિંગ પણ જોરમાં નથી થઇ રહ્યું એટલે પરિણીતીને વાંધો લાગે છે. ફિલ્મો યોગ્ય રીતે રજૂ ન થાય તો પ્રેક્ષક કઇ રીતે આવે? પરિણીતી અત્યારના સમયના બદલાવાની રાહ જોઇ રહી છે અને ખાત્રીપૂર્વક કહે છે કે તેની ‘કોડનેમ: તિરંગા’ માં ચોકકસ જ રીતે તેનું પાત્ર પ્રેક્ષકોને ગમશે. વળી આ અઠવાડિયે બહુ બધી ફિલ્મો રજૂ થઇ રહી છે એટલે કયાં ખોવાય જવાય કયાં ચમકી જવાય એવી દશા છે. પરિણીતી પ્રોફેશનલી સ્વસ્થ છે અને કામ કરતી રહે છે. તે કહે છે કે એકટ્રેસ માટે બીજો કોઇ ઉપાય નથી. નિર્માતા – દિગ્દર્શક ફિલ્મ કઇ રીતે પ્રેઝન્ટ કરવા માંગે તેની પર જ બધું નિર્ભર છે. •

Most Popular

To Top