ભરૂચ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે આ તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી ભરૂચના આમોદ પહોંચી ગયા છે. પીએમ મોદી લગભગ એક લાખ ભરૂચીઓનું સંબોધન કરશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી રૂ.8200 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ પીએમ મોદી આણંદ અને ત્યારબાદ અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે, રાત્રિ રોકાણ જામનગરમાં કરશે.
પીએમ મોદીએ કાર્યક્રમના સંબોધન પહેલા મુલાયમ સિંહ યાદવને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’
પીએમ મોદીએ ભરૂચવાસીઓને સંબોધતા કહ્યું કે ભરૂચ હવે ઉદ્યોગ ક્ષેત્રે પણ દેશમાં મોટો ફાળો આપ્યો છે. રોરો-ફેરી સર્વિસ દહેજની ઓળખન બની છે. તેમણે કહ્યું કે મોટા મોટા ધુરંધરોને જેલના સળીયા ગણતા કરી દીધા, અત્યારે ભરુચના બાળકોને કરફ્યુ શબ્દ ખબર નથી. હું તો કાયમ કહું છું દેશને આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક લઇ જઇ શકે છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો છે
પીએમ મોદી આજે 4 જિલ્લાની મુલાકાત લેશે. ત્યારે વડાપ્રધાને આજે ભરૂચવાસીઓને રૂ. 8200 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમણે કહ્યું કે એક જમાનો હતો, જ્યારે આપણું ભરૂચ ખારી સીંગના કારણે ઓળખાતું હતું, અત્યારે ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે ફાળો આપે છે.તેમણે કહ્યું કે ભરૂચમાં પોતાનું એરપોર્ટ હોવું જોઈએ, એટલે કે અંકલેશ્વરમાં આપણે એરપોર્ટ બનાવશું. નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઈ જ અશક્ય નથી. પીએમ મોદીએ ભરૂચવાસી અને ગુજરાતના વખાણ કરતા કહ્યું કે ગુજરાત વિકાસની ઉંચી ટોચ પર થનગની રહ્યું છે.
પીએમ મોદી બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી ભરૂવાસીઓને વિકાસના કેટલાક કામોને ભેટ આપશે. ભરૂચમાં રૂપિયા 8200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભરૂચના જંબુસરમાં રૂપિયા 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ કરવામાં આવશે, જેનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ પીએમ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
મોદીના કાર્યક્રમ માટે 780 ST બસો અને 400 ખાનગી વાહનોની ડિમાન્ડ
ભરૂચના આમોદમાં વડાપ્રધાનના કાર્યકમને લઈ પહેલા 1300 એસ.ટી. બસો ની ડિમાન્ડ કરાઈ હતી. જે બાદ 1200 બસો પછી વરસાદી માહોલને જોતા 600 બસો કરાઈ હતી. હવે ફાઇનલ 780 બસો કરાઈ હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 400 ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લો સોમવાર મધ્ય રાત્રિ સુધી નો ડ્રોન એરિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમોદ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે સોમવારે જાહેર સભા સંબોધન કરનાર છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાંધલ દ્વારા રવિવારે રાત્રે ૧૨ કલાકથી સોમવારે ૨૪ કલાક સુધી સુરક્ષા સલામતી માટે ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કરવામાં આવ્યો છે.
આમોદ સભા માટે જતા આવતા વાહનો સિવાય તમામનું ડાયવર્ઝન
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એક લાખથી વધુ મેદની ઉમટનાર હોય સોમવારે સવારે ૬થી સાંજે ૬ કલાક સુધી સભા સિવાયના તમામ વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચ તરફથી આમોદ પ્રોગ્રામમાં જતાં વાહનો સિવાયના તમામ વાહનો જંબુસર જવા આવવા માટે દયાદરા, નબીપુરથી પાલેજ સરભાણ થઈ શમા હોટલ આમોદથી જંબુસર તરફ જઈ શકશે. દહેજ તરફથી વાહનો મુલેર ચોકડી દેરોલ, દયાદરા નબીપુરથી પાલેજ, સરભાણ થઈ સમા હોટલ આમોદ થઈ જંબુસર તરફના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.