નવી દિલ્હી: ઉત્તરથી દક્ષિણ ભારતના (South India) ઘણા રાજ્યો વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી (Delhi) -એનસીઆરથી (NCR) લઈને મુંબઈ (Mumbai) સુધીના વિવિધ શહેરોમાં વરસાદ (Rain) અટકવાનું નામ નથી લઈ રહ્યો, આ સાથે જ પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદ (Heavy rain) થઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત એનસીઆરમાં ગઈકાલ (શનિવાર)થી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-NCRમાં ભારે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લગભગ 17 રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથએ જ, IMD એ પણ આજે 9 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે દેશના પૂર્વ ભાગમાં ચક્રવાતી પવનોનું દબાણ છે. મહારાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગુજરાતના પણ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે
IMDના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ દિલ્હી, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ, પાણીપત, ગોહાના, સોહાના, પલવલ, નૂહ, હોડલ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ હશે. આ દરમિયાન આગામી કેટલાક કલાકોમાં શામલી, મુઝફ્ફરનગર, ચાંદપુર, અમરોહા, મુરાદાબાદ, ગર્હમુક્તેશ્વર, રામપુર, સંભલ, ચંદૌસી, ખુર્જા, નરોરા, બદાઉન, અલીગઢ, કાસગંજ, નંદગાંવ, હાથરસ, મથુરા, એટા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથએ જ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 10 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો દિલ્હીમાં આજે (રવિવારે) 9 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 24 અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે. 10 ઓક્ટોબરે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં પણ નજીવો વધારો જોવા મળશે. જ્યારે 12 ઓક્ટોબરથી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ તાપમાન ફરી 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે
અવિરત વરસાદને કારણે વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ગતરોજ એટલે કે શનિવારે વરસાદના કારણે કેટલાક માર્ગો પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. નોઈડા-ગ્રેનો એક્સપ્રેસ વે, ફિલ્મ સિટી માર્ગ, ડીએનડી લૂપ, પાર્થલા રાઉન્ડઅબાઉટ પર વાહનોની લાંબી કતાર સૌથી મોટી સમસ્યા હતી. આગાહી મુજબ રવિવારે પણ આવી જ સ્થિતિ રહી શકે છે. જણાવી દઈએ કે નોઈડા-ગ્રેનો એક્સપ્રેસ વે પર સેક્ટર-96 અને 142ની સામે અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે અહીં પહેલેથી જ જામ છે, દરમિયાન વરસાદ પડવાના કારણે લાંબો જામ થયો હતો.
મધ્યપ્રદેશમાં પણ વરસાદ મુશ્કેલીરૂપ બન્યો હતો
મધ્યપ્રદેશમાં પણ અવિરત વરસાદે ફરી એકવાર લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શ્યોપુરમાં 50 મુસાફરોથી ભરેલી બસ વહેતી નાળાના પુલ પરથી પસાર થઈ રહી હતી. જોરદાર કરંટ વચ્ચે બસમાં ફસાયેલા લોકોને બચાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વરસાદ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 9 મુસાફરો ઘાયલ થયા હતા.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે (રવિવારે) 9 ઓક્ટોબરે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ અને તટીય આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.