ઘેજ: ચીખલીના (Chikhli) દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી (Solar Company) ૧.૩૮ કરોડ રૂપિયાની સોલાર પ્લેટની(solar Plate) ચોરીના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને રાજકોટથી (Rajkot) દબોચી લઇ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.દેગામ સ્થિત સોલાર કંપનીના ગોડાઉનમાંથી ચોરેલી સોલાર પ્લેટના ૧.૩૮ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે ૩૦ સપ્ટેમ્બરના રોજ ચાસા ગામની હદમાંથી પીએસઆઇ સમીરભાઇ કડીવાલા સહિતના સ્ટાફે ત્રણને ઝડપી પાડ્યા હતા. બાદમાં અન્ય ચાર જેટલાને ઝડપી લઇ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી.
ચોરેલ સોલાર પ્લેટ ખરીદીને અન્ય જગ્યાએ વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું
આરોપીઓની પુછપરછ દરમ્યાન સોલાર પ્લેટની ચોરીના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે આરોપીનો ટેલિફોનિક સંપર્ક કર્યા બાદ વિજાણુ સર્વેલન્સના આધારે પીએસઆઇ સમીરભાઇ કડીવાલા પોલીસ કર્મી મહેન્દ્રભાઇ સહિતના સ્ટાફે રાજકોટ સ્થિત બાલાજી સોસાયટી, વેકરીયાચોક – રેલનગરથી આરોપી મિલન મહેશભાઇ મહેતા ને દબોચી લઇ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.ઉપરોક્ત રાજકોટનો આરોપી ચોરેલ સોલાર પ્લેટ ખરીદીને અન્ય જગ્યાએ વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે હમણા સુધી કેટલા રૂપિયાનો જથ્થો કોને અને કયાં વેચ્યો તે અને અન્ય આરોપીઓની સંડોવણી પણ તેની પુછપરછ બાદ બહાર આવશે સાથે ચોરીના મુદ્દામાલનો જથ્થો – રકમ પણ વધે તો નવાઇ નહી.