World

રાવલપિંડીમાં ઈમરાન ખાનના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જતાવી હતી હત્યાની આશંકા

ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના (Imran Khan) હેલિકોપ્ટરનું (Helicopter) ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે તેમના હેલિકોપ્ટરને પંજાબ રાજ્યના રાવલપિંડી જિલ્લામાં ઈમરજન્સી સ્થિતિમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી. બીજી તરફ ઈમરાન ખાન રોડ માર્ગે ઈસ્લામાબાદ જવા રવાના થઈ ગયા હતા. એક દિવસ પહેલા જ ઈમરાન ખાને પોતાના જીવ પર ખતરો વ્યક્ત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ચાર લોકો તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવીને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઈમરાને ચેતવણી આપી હતી કે જો તેમની સાથે કંઈપણ અપ્રિય થશે તો આ કાવતરાખોરોના નામ દેશ સમક્ષ મૂકવામાં આવશે.

  • ઈમરાન ખાનના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
  • ટેક્નિકલ ખામીના કારણે તેમના હેલિકોપ્ટરને રાવલપિંડીમાં ઈમરજન્સી સ્થિતિમાં લેન્ડ કરવામાં આવ્યું
  • એક દિવસ પહેલા જ ઈમરાન ખાને પોતાના જીવ પર ખતરો વ્યક્ત કર્યો હતો
  • હેલિકોપ્ટર લેન્ડ થતાની સાથે જ સ્થાનિક લોકો ઈમરાન ખાનને મળવા એકઠા થઈ ગયા

ઈમરાન ખાનના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી
રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન પંજાબ પ્રાંતમાં એક જનસભાને સંબોધિત કર્યા બાદ ડેરા ઈસ્માઈલ ખાન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે રાવલપિંડી જિલ્લાના અદિયાલા ગામ નજીક સુરક્ષિત રીતે ઉડાન ભરી હતી. આ ઘટનામાં ઈમરાન ખાન અને તેના તમામ સાથીઓ સુરક્ષિત છે. સ્થાનિક વહીવટીતંત્ર તેમને રોડ માર્ગે ઈસ્લામાબાદના નિવાસસ્થાન બની ગાલા પરત મોકલી રહ્યું છે. હેલિકોપ્ટર લેન્ડ થતાની સાથે જ સ્થાનિક લોકો ઈમરાન ખાનને મળવા એકઠા થઈ ગયા હતા અને તેમની સાથે હોંશે હોંશે સેલ્ફી લીધી હતી.

એક દિવસ પહેલા જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતાઓ તેમના પર ધાર્મિક નફરત ભડકાવવા માટે ઇશનિંદા કરી રહ્યા હોવાનો આરોપ લગાડી રહ્યાં છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે તેની પાછળ શું રમત હતી… બંધ દરવાજા પાછળ બેઠેલા ચાર લોકોએ મને ઇશનિંદાના આરોપમાં મારી નાખવાનું નક્કી કર્યું હતું. ઇમરાને જાહેરાત કરી કે જો તેઓને કંઈ થયું તો કાવતરાખોરોના નામ સાથેનો એક વીડિયો જાહેર કરવામાં આવશે.

ઈમરાને કહ્યું- હું માર્યો જઈશ તો કટ્ટરપંથી ખુશ થશે
તેઓણે કહ્યું કે જો મને મારી નાખવામાં આવશે તો તેઓ કહેશે કે એક ધાર્મિક કટ્ટરપંથીએ મને મારી નાખ્યો કારણકે મેં ઈશનિંદા કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે દેશ આ કાવતરાખોરોને માફ નહીં કરે. આ પહેલીવાર નથી કે જ્યારે ખાને દાવો કર્યો હોય કે તેમનો જીવ જોખમમાં છે.

Most Popular

To Top