Dakshin Gujarat

‘સ્કૂલ તો ચલે હમ, …લેકિન બેંઠે કહાં હમ’

વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના સારંગપુર (Sarangpur) ખાતે આવેલી પ્રાથમિક શાળામાં (Primary School) જૂના ઓરડાઓ તોડી નાખ્યા બાદ 2 વર્ષથી બાળકો પતરાંના (Letters) શેડ (Shed) નીચે દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ (Study) કરી રહ્યા છે. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ ગામ અને શાળાની મુલાકાત બાદ વાલીઓ સાથે બેઠક યોજી હતી. તંત્રને ચીમકી આપી હતી કે જો શાળાનું મકાન બનશે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું. સારંગપુર ગામની સરકારી શાળામાં જર્જરિત ઓરડાઓ થઈ ગયા હોવાથી તેને 2019માં તોડી નાંખવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ 5 ઓરડાની ગ્રાન્ટ મંજુર થઈ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને લીધે કે ટેક્નિકલ સમસ્યાને લઈ ઓરડાઓ નહીં બનતા શાળાના 93 બાળક છેલ્લા 2 વર્ષ કરતા વધારે સમયથી દયનીય હાલતમાં ભણવા મજબુર બન્યા છે.

બાળકો ગામની ડેરીમાં ભણવા મજબુર બન્યા
શાળાનું મકાન તોડી પાડ્યા પછી ઓરડાઓ નહી બનતા ધો.1 થી ધો.5 સુધીના 55 બાળકો ગ્રામજનોએ લોકફાળાથી બનાવેલા પતરાંના શેડમાં અને ધો.6 થી 8 ના બાળકો ગામની ડેરીમાં ભણવા મજબુર બન્યા છે. શાળાનું મકાન બનાવવા ગ્રામજનોની લાંબા સમયથી વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા ગ્રામજનોએ આદિવાસી સમાજના આગેવાનો સમક્ષ મદદની ગુહાર લગાવી હતી. આ પ્રસંગે ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, હિરેન, ભાવેશ, મયુર, કાર્તિક, ભાવિન અને એસએમસી સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગતિશીલ ગુજરાતની અસ્મિતા પર પ્રશ્નાર્થ
પ્રમુખ ડો.નિરવ પટેલે જણાવ્યું કે સારંગપુર શાળાના 93 બાળકો પતરાંના શેડમાં અને ડેરીના મકાનમાં ભણે છે, તે ગતિશીલ ગુજરાતની અસ્મિતા પર પ્રશ્નાર્થ લગાવે છે. વાલીઓએ જણાવ્યું કે 2019માં ઓરડાઓ તોડ્યા બાદ નવા બન્યા જ નહી. જેના પગલે અમે આજે શાળાની મુલાકાત લઈ વાલીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દે જિલ્લા પ્રા.શિ.અધિકારી સાથે પણ વાત કરી છે. તેમણે ઓરડાઓ બનાવવા મંજુરી મળે એટલે કામ શરૂ કરીશું. જોકે આવનારા સમયમાં શાળાનું મકાન નહીં બનશે તો ઉગ્ર આંદોલન કરીશું,તેમ તેમણે જણાવ્યું હતું. કાંજણ, મરલા અને જૂજવા સહિતના ગામોની કુલ 6 શાળાઓમાં પણ આજ પરિસ્થિતિ છે. કાંજણની શાળામાં થોડા વખત પહેલા છાપરું તૂટી પડતા સદભાગ્યે મોટી હોનારત ટળી હતી.

ટેન્ડર નહીં ભરાતા ઓરડા બનાવવાની કામગીરી વિલંબમાં પડી છે
વલસાડ તાલુકાના બીઆરસી કો.ઓર્ડીનેટર મિતેષ પટેલે જણાવ્યું કે સારંગપુર શાળાના ઓરડાઓ જર્જરિત હોઈ બાળકોની સુરક્ષા માટે તોડી પાડવામાં આવ્યા હતા અને નવા બનાવવા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે જ્યાં સુધી મને જાણકારી છે, ટેન્ડર નહીં ભરાતા ઓરડાઓ બનાવવાની કામગીરી વિલંબમાં પડી છે. નવા ટેન્ડરમાં સમાવેશ કરાયો છે.

Most Popular

To Top