સુરત: દર વર્ષે નવરાત્રિમાં સુરતવાસીઓને ગરબે ઘૂમવાની સાથે સાથે મોડી રાત સુધી અવનવાં વ્યંજનોનો સ્વાદ માણવાનો પણ થનગનાટ હોય છે. સુરતવાસીઓની આ ખાસિયતને ધ્યાને રાખીને સુરત મનપા (SMC) દ્વારા વરસોથી અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું (Food Festival) આયોજન કરાય છે, જેમાં મોડી રાત સુધી લોકો પરિવાર સાથે અવનવાં વ્યંજનો આરોગવા ઊમટી પડ્યાં હતાં. જો કે, આ વખતે મનપાએ બે જગ્યાએ ફૂડ ફેસ્ટિવલનાં આયોજન કર્યાં, પરંતુ બંને જગ્યાએ સદંતર નિષ્ફળ રહ્યા છે.મનપા દ્વારા આ વખતે વરાછા (Varachha) ઝોન-બી મોટા વરાછા વિસ્તારમાં પણ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું.
બે-ત્રણ દિવસથી આ આયોજન નિષ્ફળ રહ્યાની પ્રતીતિ થવા લાગી હતી
બે-ત્રણ દિવસથી આ આયોજન નિષ્ફળ રહ્યાની પ્રતીતિ થવા લાગી હતી. કેમ કે, સ્ટોલ પર કાગડા ઊડતા હતા. સાથે સાતે સ્પોર્ટસ કાર્નિવલની જગ્યા એટલે કે અણુવ્રત દ્વારા પાસે આઇકોનિક રોડ પર એકબાજુ મનપા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યુ હતું અને અઠવા પાર્ટી પ્લોટની જગ્યા પર ફૂડ ફેસ્ટિવલ કરાયો ન હતો. જો કે, આઇકોનિક રોડ પરનું આયોજન અતિ પોશ વિસ્તારમાં હોવા છતાં સદંતર નિષ્ફળ રહ્યું હતું. એટલે સુધી કે અમુક સ્ટોલધારકો તો ગ્રાહકો નહીં આવતા હોવાથી અધવચ્ચે સ્ટોલ બંધ કરી ચાલ્યા ગયા હતા. નવરાત્રિમાં મોડી રાત સુધી લોકો નાસ્તો કરવા આવશે એવી આશાએ સ્ટોલ રાખનાર સ્ટોલધારકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે, અહીં રાત્રે 11 વાગ્યા સુધીમાં તો કાગડા ઊડવા લાગ્યા હતા.
ફાફડા-જલેબીની 5 હજાર દુકાન
શહેરના જૂના ફરસાણના દુકાનદાર રિદ્ધિશ ભજીયાવાળાએ જણાવ્યું કે, આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો છે. શહેરમાં અંદાજે 5 હજાર દુકાનો છે, જેમાતી સરેરાશ 50-50 કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. શહેરની 65 લાખની વસ્તીમાંથી ખાસ કરીને 20 લાખ જેટલા મૂળસુરતી-સૌરાષ્ટ્રવાસીઓમાં દશેરા પર ફાફડા-જલેબી ખાવાની પરંપરા જોવા મળે છે.
10 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે
લોકો ફાફડા-જલેબી ખાઇને દશેરા રૂપે ઉજવે છે. કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે સુરતીઓ કોઇપણ પ્રતિબંધ વગર ફાફડા-જલેબી લિજ્જત માણી શકશે. દુકાનદારોએ મંગળવારથી જ રો-મટિરિયલ બનાવવાનું શરૂ કરી દીધું હતું. એક અંદાજ મુજબ દશેરા પર સુરતીઓ 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે. આ માટે સવારે 6 વાગ્યાથી જ દુકાનો પર કતાર લાગશે. તેલમાં બનાવેલી જલેબીનો ભાવ ગત વર્ષે 280 રૂપિયે કિલો હતો જે હાલ 320 રૂપિયા છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીનો ભાવ 350થી 380થી 400થી 450 રૂપિયા જોવા મળી રહ્યો છે. ફાફડા 400 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે.