Gujarat

ગાંધીનગર: રૂપાલ ગામમાં ઘીની નદી વહી, જાણો સદીઓથી ચાલી રહેલી ‘પલ્લી’ની માન્યતા વિશે

ગાંધીનગર: ‘અહીં દૂધ-ઘીની નદીઓ વહે છે’ ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ (Rupal) ગામમાં આ કહેવત દર નવરાત્રિના (Navratri) નોમે સાચી પડે છે. ગાંધીનગરના રૂપાલ ગામે પલ્લીમાં હજારો લિટર ઘીનો (Ghee) અભિષેક કરવામાં આવી છે. ગુજરાતના જેટલા ગરબા પ્રખ્યાત છે એટલી જ માતાજીની પલ્લી (Palli) પણ પ્રખ્યાત છે. દૂર દૂરથી લોકો માતાની પલ્લીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય અને એની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય એવાં દર્શયો રૂપાલ ગામમાં જોવા મળે છે.

ગાંધીનગરના રૂપાલ ગામમાં પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાજીની પલ્લી આજે પણ પરંપરાગત રીતે શરૂ છે. આ પલ્લી દર વર્ષે નવરાત્રિના નવમા નોરતે ભરાય છે અને લાખો લોકો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટે છે. કોરોનાના કારણે બે વર્ષ દરમિયાન પલ્લીમાં લોકો આવ્યા ન હતા. ત્યારે આ વખતે માતાજીના દર્શન માટે 8 લાખ ભક્તો આવી શકે તેવી સંભાવના હતી. મંદિરના પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું કે આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે.

પલ્લી એટલે શુ?
તમને થતું હશે પલ્લી એટલે શું? પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ. આ રથ સૌ પ્રથમ ઉલ્લેખ મહાભારતમાં થયો છે. પાંચ પાંડવોએ પહેલીવાર સોનાની પલ્લી બનાવી હતી. અને ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. કહેવાય છે કે હાલમાં પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે કારણે કે હવે આ પલ્લી કોમી એકતાની સાથે તૈયાર કરવામાં આવે છે. પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. 

માનતા અને બાધા પૂરી થઈ જાય તો પલ્લીમાં ઘી ચઢાવે છે ભક્તો
આસો સુદ નૌમના દિવસે પરંપરાગત પલ્લીની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે રાત્રે ભક્તો દ્વારા ઘી ચઢાવવામાં આવે છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ સિવાય નાના બાળકોને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. કહેવાય છે કે બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની બાકી મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા પણ કરે છે. ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જાય છે. માન્યતા પ્રમાણે સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. વર્ષો પહેલા પલ્લી યાત્રા પહેલા નરબલિ યજ્ઞ કરવામાં આવતો હતો. યજ્ઞકૂંડમાં નરને જીવતો નાખી માતાજીને બલિ ચઢાવવામાં આવતી હતી. પરંતુ બેચર નાગર અને રલિયાતબા નામના નાગર દંપતીએ અંગ્રેજ સરકારના કાયમી મનાઈહુકમથી બંધ કરાવી હતી.

ભક્તો દ્વારા હજારો-લાખો લિટરનું ઘી ચઢાવાઈ છે જેને એકઠું કરવા માટે ગામના વાલ્મિકી સમાજના લોકો ડોલ, ટબ લઈને નીકળે છે અને માતાજીને ચઢાવેલું ઘી એકઠું કરે છે. કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મિકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈપણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે, ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાયા બાદ જ તેઓ ઘી અર્પણ કરે છે.


Most Popular

To Top