રોજગારી માટે વિવિધ રાજયોમાં યુવાનો દ્વારા આંદોલનો પણ થઇ રહ્યાં છે અને યુવાનોને રોજગારી નહીં પણ પોલીસના ડંડા ખાવા પડે છે. આપણા યુવાનો કામધંધા કે નોકરી માટે મોટા પાયે પરદેશ જઇ રહ્યા છે. ખૂબ ઉચ્ચ લાયકાત ધરાવતા ડોકટરો, એન્જીનીયરો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આઇ.ટી. પ્રોફેશનલો યુ.એસ.એ. કે કેનેડા કે યુ.કે જેવા દેશોમાં જઇ રહ્યાં છે. તેની સાથે સાથે વિવિધ કારીગરો, અને કૌશલ ધરાવતા સુથારો, કડિયાઓ, વાયરમેનો, વેલ્ડીંગ ઓપરેટરો વગેરે પણ મોટી સંખ્યામાં પરદેશ જઇ રહ્યાં છે. અરે હવે તો સામાન્ય મજૂરો પણ મજૂરી કામ માટે આરબ કે મધ્ય એશિયાના દેશોમાં જઇ રહ્યાં છે. મુખ્ય કારણ આપણા દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાઓ છે.
કારીગરો કે મજૂરો તો મોટે ભાગે એકલા જ જતા હોય છે અને વર્ષો સુધી એકલાં રહી પોતાના કુટુંબ માટે પૈસા રળતા હોય છે ત્યારે મોટી કંપનીઓમાં ઉચ્ચ નોકરીઓ માટે જતા અધિકારી કક્ષાના વ્યકિતઓ શરૂઆતમાં એકલા જાય છે અને પાછળથી પોતાની ફેમીલીને પણ બોલાવી લે છે. સાંપ્રત સમયમાં એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ધોરણ 12 HSC ની પરીક્ષા પાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવાના હેતુથી કેનેડા કે USA અન્ય દેશોમાં બેંકોમાંથી લોન મેળવીને કે દેવું કરીને યુવાનો પરદેશ જઇ રહ્યાં છે. દરેકને ૨૦ થી ૨૨ લાખનો ખર્ચ આવે છે ત્યાં જતાંની સાથે જ પોતાનો ખર્ચ કાઢવા, હોટલ કે પીઝાહટ જેવી રેસ્ટરન્ટોમાં તાત્કાલિક નોકરી મેળવી લે છે.
કારણ કે કેનેડામાં ભણતરની સાથે પાર્ટ ટાઇમ જોબ કરવાની સગવડ સરકારે વિદ્યાર્થીઓને આપી છે. એક સમાચાર મુજબ બ્રિટનમાં બે જાણીતા મનોચિકિત્સકો દ્વારા કરાયેલ એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે લાંબો સમય પોતાનાં કુટુંબીજનોથી દૂર રહેતો યુવાન કે કારીગર વર્ગ હતાશા અને ડીપ્રેશનમાં સરી પડે છે. સુઝાવ છે કે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર પોતાના દેશમાં જઇ કુટુંબ સાથે રહે. પણ એ શકય હોતું નથી કારણ હવાઇ મુસાફરીના વધતા જતા ભાડા અને માથે લાખો રૂપિયાનું દેવું એમની મજબૂરી હોય છે. ભારતમાંથી જયારે મોટી સંખ્યામાં લોકો વિદેશોમાં જતા હોય છે ત્યારે એમણે ઉપરોકત ધોરણે પણ વિચાર કરવો જરૂરી છે.
નવસારી – નાદીરખાન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.