Comments

હવે સામાજિક બદલાવનો આધાર વ્યવસ્થાક્રમ હોઈ શકે

ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી ઝાલી. છાપાંઓએ રેલવે અને બસ સ્ટેન્ડ પાસેના વિશાળ પાર્કિંગના ફોટાઓ છાપ્યા, વ્યંગ ચિત્રકારોએ સ્ત્રીની કાંખમાં હસબન્ડ, હેલમેટ અને પોતાના બાળકને રસ્તે રમતું દર્શાવ્યું. વિપક્ષોએ રાજકીય દેખાવો યોજવા મજબૂત ધમકી આપી કેશકલાના ચાહકોએ તો હેલમેટને સ્ત્રી સૌંદર્ય ઉપરના હુમલા તરીકે જાણ્યું અને ખેડૂતો તથા સરદારજીએ તો પોતાની પાઘડીનું ધર્મ અને પ્રતિષ્ઠા રહેલી હોય તે ઊતરશે નહીં તેમ જણાવી દીધું. રસ્તા ઉપરના અકસ્માતોમાં દર ૧૦૦ અકસ્માતે ૬૨ અકસ્માતોમાં ટુ વ્હિલરનો ખુરદો બોલી જાય છે. રાજ્યના કુલ રસ્તા અકસ્માતો ૯૩ ટકા અકસ્માતોમાં હેલમેટનો અભાવ કારણભૂત હોય છે. તે જાણવા છતાં પ્રત્યેક ચાલકે પોતાને સલામત જાણી ભાગ્યના ભરોસે જીવવાનું પસંદ કર્યું છે, જે આશ્ચર્યકારક બને છે.

દરમિયાન રાજ્યના એક મંત્રી સામે લાંચના આક્ષેપો થયા, ટ્રાફિક પોલીસે ખાનગીમાં વધારાની મેમો બુક છપાવ્યાની ફરિયાદ થઈ. મંદિરો અને જાહેર સ્થળોએ બૂટ-ચંપલ ચોરતી મંડળીઓ માટે હેલમેટની નાયલોન સ્ટ્રીપ કાપી શકાય તેવી ખિસ્સા ચપ્પ બજારમાં આવી ગઈ તો મોંઘવારીમાં વધારાનો અસ્થાય ખર્ચ ન વેઠવા માંગતી ગૃહિણીઓએ મૂળ જમીન શબ્દ હેમ (કવચ) હેલમેટ (શિરછત્ર)ના ડિક્ષનરી અર્થઘટન મુજબ પોતાના પતિ માટે માથું ઢાંકવા અવેજીમાં ચાલી શકે તેમ પાણીના માટલાનું બજારું અને દાળ-શાકનું સ્ટીલ બાઉલ સ્પેર કર્યું, પરંતુ છેવટે સમગ્ર વાતને કોર્ટના ચકડોળે ચઢાવી દેવામાં આવી એટલે સહુએ નિરાંત અનુભવી. કોઈએ મજાકમાં કહ્યું પણ, ‘યાર, આવું તો ક્યાંય જોયું છે?’’

આઝાદી પછીનાં ૫૦ વર્ષ દરમિયાન આપણા દેશમાં હેલમેટ જેવી અનેક અપરિપક્વ કવાયતો યોજાઈ હશે. ફારસ જેવા ટૂંકા ગાળાના કાર્યક્રમોથી આમ પ્રજાના કામકાજમાં ફરક પડતો નથી. પરંતુ જનમાનસનાં મૂલ્યો ઉપર તેની વળતી અસર ઉપસ્યા વિના રહેતી નથી. પરિણામે બદલાયેલાં સામાજિક પરિમાણોમાં કાયદાનો વિરોધ કરનાર અને ઘડાયેલા નિયમોને ઘોળીને પી જનાર સમુદાયોનો જ્યજ્યકાર થવા લાગે છે. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ કહેનાર ભારતીય સંસ્કૃતિમાં બેવડા જીવનને નૈતિક ટેકો આપવામાં આવ્યો છે. પરંતુ આઝાદી પછી તો સામુદાયિક જીવનમાં માત્ર સગવડતા તરફનો ઝુકાવ રહ્યો હોય, આજે પ્રજા કલ્યાણનાં કામોને માનવીય ભાવનાથી કે સામુદયિક ઈચ્છાશક્તિના બળે સાકાર કરવાનું દુર્ગમ બનતું જાય છે. પરિણામે રાજ્યશાસકો લોકોના કલ્યાણની વાત મુક્ત વિચારના ટેકે મૂકી શક્તા નથી. તેમ પ્રજા પણ પોતાના નિજી સ્વાર્થની ઉપર ઊઠી કશુંક છોડવા તત્પરતા દાખવતી નથી અને જ્યારે બહોળા સમુદાયમાં ટૂંકા સ્વાર્થનો વિજય થાય છે ત્યારે રાજ્ય અને પ્રશાસનની શિથિલતા ખુલ્લી પડી જાય છે. આવા સમયે રાજ્યની સ્થાયી વ્યવસ્થા ટકાવી રાખવાનું કામ પણ પરિશ્રમ ભરેલું બની જાય છે-ખુલ્લું પડી જાય છે. જેનું દર્શન હેલમેટ કાંડમાં થયું.

આ માહોલમાં હવે વિકાસ ટકાવી રાખવા માટે વ્યવસ્થા આધારિત વિકાસનો અભિગમ અપનાવવાનો ઉપાય બચે છે. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. તે પછી લગભગ ૧૪ વર્ષ સુધી સંદેશાની આપલે વચ્ચે કોઈ એક માણસની મનસૂફી હિસ્સેદાર બની રહી પરંતુ ઑટોરિલે પદ્ધતિ અખત્યાર થતાં કાર્યલક્ષી અનિશ્ચિતતાનું તત્ત્વ નિવારી શકાયું. તે પછી યુરોપ અને અમેરિકાના તકનિકી વિકાસ માટે કાયમી નિશ્ચિતતાના અભિગમે બળ પૂરું પાડ્યું છે. પરિણામે કન્વેયર બૅટથી માંડી વિમાનના ઉદયનમાં નિશ્ચતતા અને વિશ્વાસ ઉમેરી શકાયાં છે.

સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે તેને વિકાસલક્ષી સાધનો સાથે જોડવા અંગે કેટલાક સફળ પ્રયોગો ઉદાહરણરૂપ બને છે. જેમ કે રેલ્વેના પ્લેટફોર્મ ઉપર મૂકેલ બાંકડાઓનો ઉપયોગ મુસાફરો સૂવા માટે ન કરે તે માટે બાંકડા પર ત્રણ ઇંચ જાડા લાકડાના લોગ મૂકવામાં આવે છે. તે પ્રકારે રસ્તા ઉપર જાહેર યુરિનલની બહાર તરફની દીવાલોને જમીનથી દોઢ ફૂટ ઊંચી રાખતા યુરિનલનો દુરુપયોગ થતો અટકે છે. મંદિરોમાં સ્વચ્છતાનાં બોર્ડ લગાડવા કરતાં મંદિરનાં પ્રવેશદ્વાર પાસે વહેતા પાણીની છીછરી હૂંડી બનાવતાં હરિભકતોના ચરણ સાફ થઈને જ બહાર ડગ માંડે છે અને મંદિર ધૂળ-કચરાથી મુક્ત રહે. હેલમેટની હાંસી એ પ્રતીકાત્મક ઘટના છે, પરંતુ પ્રજાના અસ્વીકારની મનોભૂમિકા ઉકેલતાં જોઈ શકાય છે કે હવે વ્યકિતકેન્દ્રી વ્યવસ્થાનો યુગ આથમી ગયો છે. આજનો એકાંગી માનવ બીજી વ્યકિત ઉપર આધાર રાખવાને બદલે સાધન કે વ્યવસ્થા ઉપર ભરોસો રાખવાનું વધુ પસંદ કરે છે. આથી જ નાટકો કરતાં તથા ટી.વી.ના પડદે ચલચિત્રો જોવાનું પ્રચલિત બન્યું છે. તેમ સંગીતના જલસા કરતાં કૅસેટ કે સી.ડી. વધુ સ્વીકાર્ય બની રહી છે.

અમરેલી જેવા સૌરાષ્ટ્રના અર્ધશહેરી સમુદાયમાં વૉશિંગ મશીનની સૌથી ઊંચી ખપત છે, પરંતુ મશીનનો ઉપયોગ કપડાં ધોવામાં નહીં, પણ છાશ વલોવવામાં વિશેષ થાય છે. અલંગશિપ બ્રેકિંગ યાર્ડ આસપાસનાં ગામડાંઓમાં પશુને ખાણ દાણ આપવા માટે ખેડૂતો વિદેશી બાથટબ વાપરે છે. ખેડૂતોનું કહેવું છે કે બાથટબમાં પશુ આહાર રાખતાં બગાડ નિવારી શકાય છે. ટબ સરળતાથી સ્વચ્છ રહે છે. ગૃહિણીઓના ઉપયોગની ઘરઘંટીથી લઈ ડ્રિપ ઇરિગેશન કે પછી વધુ ખર્ચ ભોગવીને પણ કંપની-પૅકમાં વસ્તુ ખરીદવાનું પસંદ કરતા ગ્રાહકોની મનોભૂમિકામાં નિશ્ચિત પરિણામોની પદ્ધતિ પ્રત્યેનો વિશ્વાસ ડોકાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી સમગ્ર વિશ્વ પશ્ચિમ ઉપલબ્ધિઓ તરફ દોરાયું, પરંતુ પશ્ચિમી દેશોએ તો સાધન આધારિત વ્યવસ્થાને યૂહરચના તરીકે સ્વીકારી, સ્થિર વિકાસ પરત્વેની આ વૈચારિક ભૂમિકા પશ્ચિમી દેશોનું અનુકરણ કરનારાઓથી ઝિલાઈ નથી.

દૈવ અને રાજાશાહીમાં ઊછરેલા આપણા સંસ્કાર જીવનમાં વ્યકિતલક્ષિતા નસેનસમાં વહેતી હોઈ સામાજિક જીવનમાં સમરૂપતા લાવવા માટે સાધન આધારિત વ્યવસ્થા હોઈ શકે તેવો વિચાર હજુ સ્વીકાર્ય બનતો નથી, પરંતુ સમયનો તકાદો આપણને નવી સામાજિક રચના તરફ જેવા મજબૂર કરી રહ્યો છે ત્યારે કહી શકીશું કે હેલમેટ નિયમનનું હાર્દ જાતસંરક્ષણ જ હોય તો તે માટેનો ઉકેલ માથું સંતાડવામાં નથી.
       – ડૉ. નાનક ભટ્ટ
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top