National

સીએમ યોગીના ઘરે આવ્યો ફોન, વારાણસી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઉત્તર પ્રદેશના (UP) લખનૌમાં સીએમ (CM) આવાસ પર એક ફોન કોલ (Phone Call) કરવામાં આવ્યો છે. જેમાં વારાણસી કોર્ટને (Varanasi Court) બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગુરુવારે મોડીરાત્રે ધમકીભર્યો ફોન આવ્યો હતો. તે રાત્રે ફરજ પર રહેલા સ્ટાફને ધમકીભર્યો (Threat) ફોન આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી આવાસના સ્ટાફે પૂછ્યું તમે ક્યાંથી બોલો છો? ત્યારે કોલ કરનારે ફોન કટ કરી દીધો હતો. આ પછી ફરજ પરના કર્મચારીઓએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. ધમકીભર્યા ફોનની માહિતી મળતા જ સાયબર ટીમ તપાસમાં લાગી ગઈ હતી.

વારાણસીના શાકભાજી વેચનારનો નંબર નીકળ્યો
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના સત્તાવાર નિવાસસ્થાન પંચ કાલિદાસ માર્ગ પર ફોન કોલ આવ્યો હતો. જેના પગલે સાવચેતી તરીકે લખનૌ પોલીસે તાત્કાલિક વારાણસી પોલીસનો સંપર્ક કર્યો હતો. વારાણસી કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે સાયબર ટીમ તપાસમાં લાગી ગઈ ત્યારે મોબાઈલ નંબર ટ્રેસ કરતી વખતે પોલીસ વારાણસીના એક શાકભાજી વિક્રેતા પાસે પહોંચી હતી. જ્યારે પોલીસે શાકભાજી વેચનારને કસ્ટડીમાં લીધો ત્યારે તેણે કહ્યું કે તેનો મોબાઈલ ચોરાઈ ગયો છે. તપાસમાં જાણવા મળ્યું કે જે નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો તે આ શાકભાજી વિક્રેતાની પુત્રીના નામે નોંધાયેલ છે.

જ્ઞાનવાપી કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપીનો કેસ વારાણસી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના સીએમ આવાસ પર વારાણસી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથની વારાણસી મુલાકાત દરમિયાન આ ધમકીભર્યા કોલ બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.

કોર્ટ 7 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સંભળાવશે
તમને જણાવી દઈએ કે વારાણસીની જિલ્લા અદાલતે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી વિવાદ પર કોર્ટ 7 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સંભળાવશે. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવા માટે વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે 31 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ પ્રકાશ પડિયાએ આ મામલે આગામી સુનાવણી માટે 18 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.

Most Popular

To Top