સુરત(Surat): ગુજરાતની (Gujarat) સૌથી વિવાદાસ્પદ જીઆઈડીસી સચીન જીઆઈડીસીના (Sachin GIDC) ઉદ્યોગકારોના સંગઠનમાં ફરી એકવાર બબાલ થઈ છે. આજે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓપરેટીવ સોસાયટીની (Sachin Industrial Co Operative Society) મળેલી 31મી વાર્ષિક સાધારણ સભા હિંસક બની હતી. અહીં એક ડિરેક્ટર કોઈક મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા હોદ્દેદારોના સમર્થક ઉદ્યોગકારો રોષે ભરાયા હતા અને તે ડિરેક્ટર સાથે ઝપાઝપી કરી હતી. મામલો ખૂબ જ તંગ બની ગયો હતો. ઉદ્યોગકારોની વાર્ષિક સાધારણ સભામાં ગલીના મવાલીઓ જેવી મારામારીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
- સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા હિંસક બની
- ડિરેક્ટર મિતુલ મહેતા ભ્રષ્ટ્રાચારના મુદ્દે રજૂઆત કરવા જતા રામોલિયા જૂથના ઉદ્યોગકારોએ હિંસક રીતે રોકવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
- ઉદ્યોગકારોની ઝપાઝપીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા
- સપ્લીમેન્ટરી બિલ અને 25 ટકા ટેક્સ વધારાના મુદ્દે ઉદ્યોગકારોમાં રોષ
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની 31મી વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં પ્રમુખ રમાબેન રામોલિયાના પતિ મહેન્દ્ર રામોલિયા દ્વારા સંબોધન કરાયું હતું. રમા રામોલિયાના કાર્યકાળની ઉપલ્બ્ધિઓ તેઓ દ્વારા વર્ણવવામાં આવી હતી. તેમજ 25 ટકા ટેક્સ વધારો અને સપ્લીમેન્ટરી બિલ ભરવા અંગે ઉદ્યોગકારોને સૂચન કર્યા હતા. જોકે, કેટલાંક ઉદ્યોગકારો અને ડિરેક્ટરો પ્રમુખના પતિની વાતથી કોઈક મુદ્દે સહમત નહીં હોય તેઓ દ્વારા રજૂઆત કરવાનું શરૂ કરાયો હતો. ડિરેક્ટર મિતુલ મહેતા સપ્લીમેન્ટરી બિલ અંગે રજૂઆત કરવા ઉભા થયા હતા ત્યારે રામોલિયા ગ્રુપના કેટલાંક સભ્યોએ તેમને બળજબરીપૂર્વક રોકવાના પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ભૂપત શેખલિયા નામના એક ઉદ્યોગકાર દ્વારા મિતુલ મહેતાને અટકાવવા પ્રયાસ કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વાર્ષિક સાધારણ સભામાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ હિંસાના લીધે ઉદ્યોગકારો ગભરાયા હતા.
તમને જણાવી દઈએ કે સચીન જીઆઈડીસીમાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી આવી છે, જેમાં ઉદ્યોગકારોને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી સચીન જીઆઈડીસીમાં 25 ટકા ટેક્સ વધારો અને સપ્લીમેન્ટરી બિલનો વિવાદ ચાલી રહ્યો છે. ખરેખર તો જીઆઈડીસીઓ સ્થાપવાનો હેતુ ઉદ્યોગોના વિકાસનો છે પરંતુ સચીન જીઆઈડીસી રાજકારણનો અખાડો બની ગઈ છે. ઉદ્યોગકારોની લાગણી છે કે જીઆઈડીસીના એમડી મધ્યસ્થી કરી તેઓનું ભલું કરે.