Columns

વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસના કોઈ પણ અધ્યક્ષનો પરસેવો છૂટી જશે?

લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં શું કોંગ્રેસને સોનિયા-રાહુલ ગાંધી સિવાયના અધ્યક્ષ મળી શકશે? જો ખરેખર એવું બને તો કોંગ્રેસ પક્ષ માટે તે એક આંતરિક ક્રાંતિથી ઓછુ નહીં હશે. ગુરુવારે ચૂંટણીનું નોટીફિકેશન જાહેર થઈ ગયું છે ત્યારે બે સ્થિતિ ઊભી થયેલી છે. એક તરફ હજુ પણ એવા પ્રયત્ન ચાલુ છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે મનાવી લેવા ને બીજી તરફ ગહેલોત, શશી થરુર ઊપરાંત કમલનાથ, દિગ્વિજય સિંહ, મનીષ તિવારી પણ અધ્યક્ષપદની ચૂંટણી લડવા તૈયાર થયાનું જણાય છે.

રાહુલ ગાંધી જો અધ્યક્ષપદની ચૂંટણી ન લડે તો લોકોના મનમાં જરૂર કુતુહલ રહેશે કે કયો અધ્યક્ષ દેશમાં કોંગ્રેસમા ફરી નવી ઉર્જા ભરી શકે. એ તો બહુ સ્પષ્ટ છે કે કોંગ્રસ રાષ્ટ્રવ્યાપક સંગઠન ધરાવતો પક્ષ છે અને ભારતીય જનતા પક્ષને જો પડકાર ફેંકી શકે તો કોંગ્રેસ જ ફેંકી શકે. 2014થી અત્યાર સુધીના શાસનમાં ભાજપની જે અનેક મર્યાદાઓ બહાર આવી છે તે કોંગ્રેસને મદદ પણ કરી શકે છે પરંતુ વડાપ્રધાન મોદી સર્વગ્રાહી સત્તા ઝનૂન ધરાવતા અત્યંત કુનેહબાજ નેતા છે એટલે નવા અધ્યક્ષ આવવા માત્રથી કોંગ્રેસમાં સામર્થ્ય આવી જવાનું નથી. કોંગ્રેસ પાસે બહુ ઓછા રાજ્યો છે ને સોનિયા-રાહુલે કોંગ્રેસ પર વર્ચસ્વ જાળવી રાખવા અનેક કોંગ્રેસીઓ ગુમાવ્યા છે. એ બે સિવાય જો કોઈ અધ્યક્ષ બને તો તેના માથે આખેઆખી કોંગ્રેસને બદલવાની તાકાત હોવી જોઈએ, શું એ શક્ય છે?

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે સૌથી મોટો જે વિરોધાભાસ સર્જાયો છે તે એ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા વડે પોતાને સર્વસ્વીકૃત કોંગ્રેસી નેતા તરીકે ફરી સ્થાપી રહ્યા છે ને ત્યારે જ કોઈ બીજા જો અધ્યક્ષ બને તો આ યાત્રા વડે જો હકારાત્મક પરિણામ ઊભા થાય તો તેનો લાભ કોને થશે? કોંગ્રેસ પક્ષ જો ઊભો થાય તો તેમાં રાહુલ સિવાય કોનું વર્ચસ્વ ઊભું થશે? અધ્યક્ષપદ તો એક ચૂંટણીપ્રક્રિયાના પરિણાને પ્રાપ્ત થશે પણ લોકમનમાં તો રાહુલ જ સૌથી મોટો ચહેરો બની ઊભરશે. વિત્યા બેદાયકાથી સોનિયા-રાહુલ કેન્દ્રી કોંગ્રેસ રહી છે ત્યારે અચાનક બીજા અધ્યક્ષ માટે સરળ નથી બનવાનું.

પણ જે નેતાઓ અધ્યક્ષપદના સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાય રહ્યા છે તેમાં દિગ્વિજય સિંહ વધારે શક્તિશાળી હોવાનું ગણી શકાય. તેઓ અલબત્ત વિત્યા થોડા વર્ષોથી કેન્દ્રીય રાજકારણ અને કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવૃતિથી દૂર રહ્યા છે કારણ કે સોનિયા-રાહુલ જ જો સુકાન સંભાળતા હોય તો તેઓ કરે પણ શું? ગેહલોતે તો રાજસ્થાનમાં પોતાની જગ્યા શોધી લીધી જો કે ત્યાં પણ સચિન પાયલટ સાથે સતત ચણભણ રહી છે. જો તેઓ અધ્યક્ષ ચુંટાશે તો એક અર્થમાં રાજસ્થાન કોંગ્રેસને સચિન રૂપે નવા નેતા અને મુખ્યમંત્રી મળશે. હકીકતે તો કોંગ્રેસ અધ્યક્ષપદ માટે યુવા નેતા ઊભા રહે એ જરૂરી છે પણ ઘણા નેતા દેશમાં સત્તા મળશેની ઠગારી ઝંખનામાં વૃધ્ધ થયા છે એટલે અધ્યક્ષ બનવા થનગને છે.

પરંતુ વધુ એક ‘પરંતુ’એ છે કે ગેહલોત યા દિગ્વિજય સિંહ કે અન્ય કોઈ અધ્યક્ષ બનશે તો તેમાં સોનિયા-રાહુલની ભૂમિકા શું રહેશે? એ બંને જ કોંગ્રેસના જાહેર ચહેરાઓ છે. સોનિયામાં તો થોડો થાક પણ ઉમેરાયો છે કારણ કે નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ વધ્યા પછી ક્યાંક તેમને પછાડી શકવા જેટલી તાકાત દેખાડી શક્યા નથી. મોદી સત્તા મેળવવાની બાબતમાં કોઈ નિતી-નિયમ રાખતા નથી. કોઈ પણ રીતે ભાજપની જ સત્તા હોવી જોઈએ તેઓ તેમણે આક્રમક નિયમ બનાવ્યો છે અને તેથી જ કોંગ્રેસ નહીં અન્ય બધા જ પક્ષો ભયભીત છે.

કયા પક્ષને મોદી ગ્રસી જાય તે કહેવાય નહીં. બીજું એ પણ છે કે અત્યારે વિપક્ષોની એકતા ખૂબ જ મહત્વની છે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરે તે તેનાથી પણ વધુ મહત્વનું છે. પ્રાદેશિક પક્ષોની હાલત અત્યારે સૌથી ખરાબ છે અને એક કેજરીવાલના ‘આપ’સિવાય કોઈએ મોદી સામે પ્રતિકાર નથી ઊભો કર્યો. મમતા બેનરજી સક્ષમ નેતા છે પણ પશ્ચિમ બંગાળની બહાર તેમનું કશું ઉપજે તેમ નથી. કોંગ્રેસ અને ‘આપ’નું એક થવું મુશ્કેલ છે. કેજરીવાલ ગઠબંધનની રાજનીતિમાં માનતા નથી. તેમને આખો લાડુ જોઈતો હોય છે. શું કોંગ્રેસ હવે નિતીશકુમાર સાથે હાથ મીલાવી શકે? નિતીશકુમાર સ્વયં અત્યંત મહત્વાકાંક્ષી છે ને તેમની નજર વડાપ્રધાનપદ પર છે ત્યારે કોંગ્રેસ સાથે કેવી રીતે બેસી શકે?

ભાજપ આ બધું જ જાણે છે અને કોંગ્રેસમાં નવા અધ્યક્ષ આવે તો પણ લોકસભા ચૂંટણી પહેલાં મોટો વિકલ્પ રચી શકવાની તાકાત ઊભી કરી શકે તેમ નથી. વિપક્ષોનું ગઠબંધન પણ શક્ય નથી એટલે નવા અધ્યક્ષ માટે ઘણા મોટા પડકારો છે. કોંગ્રેસે સહુ પ્રથમ ગુજરાતમાં ચૂંટણી લડવાની થશે અને પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકમાં ચૂંટણીઓ આવશે. લોકસભા પહેલા આ રાજ્યોમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકે તો વધુ આશા રાખી શકે. હિમાચલમાં પણ આ નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 2023માં કુલ 9 રાજ્યોમાં ચૂંટણી છે જેમાં છત્તીસગઢ, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝરોમ પણ શામિલ છે.

ભાજપ તો હંમેશા ચૂંટણીઓ માટે વ્યુહો ઘડીને તૈયાર હોય છે કોંગ્રેસના નવા અધ્યક્ષની તૈયારી કેવીક રહેશે? 1924ના એપ્રિલમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ વિધાનસભાની મુદત પણ પૂરી થઈ રહી છે અને પછી મે મહિનામાં લોકસભા ચૂંટણી લડાશે. કોંગ્રેસ અધ્યક્ષ સામે ઘણા પડકારો છે પણ અત્યારે ઘણાને લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ ફરી રાહુલને જ અધ્યક્ષ ન બનાવી દેવાય તો સારું! કોંગ્રેસીઓ નહેરું-ગાંધી કુટુંબ વિના પોતાને પાંગળા અનુભવે છે. ઈન્દિરાજીની હત્યા પછી ધરાર રાજીવ ગાંધીને સુકાન અપાયેલું ને રાજીવ પછી સોનિયાને સુકાન સોંપવા કોંગ્રેસીઓએ લાંબા વર્ષો સુધી વિનવણી કરેલી. સોનિયા-રાહુલ પણ બીજા કોઇને અધ્યક્ષ નથી ઈચ્છતા, શું આ વખતે આ બદલાશે?
– બકુલ ટેલર

Most Popular

To Top