કપિલ શર્માના શોની નવી સીઝનને અગાઉ જેવો સારો પ્રતિસાદ મળવા બાબતે શંકા પ્રવર્તી રહી છે. એનું કારણ એ છે કે તેની શરૂઆત અત્યારે ફ્લોપ રહેતા અક્ષયકુમાર સાથે થઇ છે અને અગાઉના સભ્યોની જગ્યાએ નવા કલાકારો આવ્યા છે. બે એપિસોડ પછી સોશ્યલ મીડિયા પર કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહને પાછા બોલાવવાની સલાહ આપવામાં આવી છે. વળી ચંદન પ્રભાકરે પહેલા એપિસોડ પછી અચાનક શો છોડી દીધો હોવાથી તેને મજા આવી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે કેમ કે એક એપિસોડમાં આવીને તેણે 5 વર્ષથી શો કરતો હોવાથી બ્રેક લેવાનું નક્કી કર્યું હોવાનું કહ્યું છે. કપિલ સાથેના નવા પાત્રો પહેલાં જેટલા મજેદાર પ્રસંગો આપી શક્યા નથી.
અક્ષયકુમારે કપ્પુની ભૂલવાની બીમારીનો ઉલ્લેખ કરી પત્ની ‘બિંદુ’ તરીકે સુમોનાનો પરિચય આપ્યો ત્યારે એણે કહ્યું કે,’ઇલાજ તો મેં કરકે રહુંગી, બીવી હું તેરા કા પહાડા નહીં જો ભૂલ જાએ.’ કપ્પુના સસરા તરીકે ‘હર ચીજ કા ખાનદાની ઇલાજ રખતે હૈ’ કહેનારા ‘સુંદર દાસ છપરીવાલે’ છે. કપ્પુના સાસુ તરીકે ‘રૂપમતી’ એ કહ્યું કે, ‘હમ દો હમારે નવ.’ કપ્પુના સાળા તરીકે ‘ગોલી’ છે. કપ્પુનું દિલ જેના પર આવ્યું હોય છે એ છોકરી ‘ગઝલ’ છે. તેણે કહ્યું કે, ‘માય નેમ ઇઝ ગઝલ, મે આઇ ડાન્સ વીથ યુ?’ અક્ષયકુમારે પાત્રોનો પરિચય આપ્યો એ હાસ્ય પૂરું પાડવાને બદલે કંટાળાજનક બની રહ્યો હતો. વધુ પડતા પાત્રોને કારણે વધારે રંગ જામી રહ્યો નથી. અક્ષયકુમાર તેની ફિલ્મ ‘કઠપૂતલી’ ના પ્રમોશન માટે આવ્યો હોવા છતાં એના વિશે કોઇ વિશેષ વાત કરી શક્યો ન હતો.
એ ફિલ્મ કેવી ફ્લોપ નીકળી હતી એ હવે બધાં જ જાણે છે. કપિલ કિકુ શારદાને ‘ગુડિયા લોન્ડ્રીવાલી’ ના નવા રૂપમાં લાવ્યો છે એમના પર જ બધી આશા છે. કપિલનો લુક પહેલાં જેવો સ્માર્ટ નથી અને તેના હાસ્યમાં ખાસ નવીનતા નથી. પહેલાં તે ગંભીર રહીને હસાવતો હતો. આ વખતે જાતે જ કારણ વગર હસતો રહે છે. નવા એટલાં બધાં પાત્રો છે કે અર્ચના પૂરનસિંહને બોલવાની તક જ મળી રહી નથી. તે માત્ર મોટેથી હસવાનું કામ જ કરે છે. કપિલને પહેલાં જેવો જાદુ જગાવવા ઘણી મહેનત કરવી પડશે. અત્યારે બોલિવૂડની નવી ફિલ્મો આવી રહી નથી એટલે તેને મહેમાન શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે.