વાંકલ: માંગરોળના (Mangrol) ઝંખવાવ (Zankhvav) ગામે ઘર બાંધવાની જમીન મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ (Police) ફરિયાદો નોંધાવવામાં આવી છે.ઝંખવાવ ગામના સિંગલ ફળિયામાં (Singal Faliya) રહેતા મનીષ ઈશ્વર વસાવાને તેમના કાકા દ્વારા 31 નંબરનું ઘર મકાન આપવામાં આવ્યું હતું અને છેલ્લાં ચાર વર્ષથી આ મકાન તેમના નામે પંચાયત દફ્તરે બોલતું હતું. પરંતુ કબજો પૂંનજી વાગડિયા વસાવા પાસે હતો અને છેલ્લાં 30 વર્ષથી તેઓ આ ઘરમાં રહેતા હતા. આથી મનીષભાઈએ પોતાની માલિકીનું ઘર ખાલી કરાવવા કાર્યવાહી ઘણા સમયથી કરી રહ્યા હતા.
સમાધાન કરી ઘર ખાલી કરી દીધું હતું
હાલ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો બનતાં મનીષભાઈએ પૂંનજીભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતાં આખરે પુનજીભાઈએ સમાધાન કરી ઘર ખાલી કરી દીધું હતું અને જમીન પર બનાવેલું ઘર તોડી પાડી જગ્યા ખુલ્લી કરી આપી હતી. આ જગ્યા પર મનીષભાઈ ઘર બનાવવા માટે ગયા હતા, ત્યારે ઘર ખાલી કરનાર પૂંનજીભાઈની ચઢામણીથી અન્ય કૌટુંબિક ઈસમોએ ઘર બનાવતા મનીષભાઈને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીઓ રાકેશ રમણ વસાવા, રમણ ગણપત વસાવા, પાલી રમણ વસાવા, લક્ષ્મી રાકેશ વસાવા વગેરેએ લાકડી-પાઇપો સાથે ધસી આવી મનીષભાઈને ઢોર માર માર્યો હતો.
108ની મદદથી તેમને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા
અને હાથ ઉપર ઇજા કરતાં 108ની મદદથી તેમને સારવાર માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ ગુના સંદર્ભે મનીષભાઈએ માર મારનારા ચારેય ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે વળતી ફરિયાદ પાલી રમણ વસાવાએ મનીષ ઈશ્વર વસાવા અને તેની પત્ની મનીષા મનીષ વસાવા વિરુદ્ધ નોંધાવી છે, જેમાં ઘર બાંધવાના લખાણનો પુરાવો માંગતાં મનીષે ઉશ્કેરાઇ જઈ પાલીબેન પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતની ફરિયાદ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.