SURAT

સુરતમાં લક્ઝુરીયસ કારમાં દારૂની હેરા ફેરી કરવાના રેકેટનો પર્દાફાશ

સુરત: (Surat) શહેરમાં લક્ઝુરીયસ કારમાં (Luxurious Car) દારૂનો જથ્થો હેરા ફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરી પીસીબી પોલીસે સચીન જીઆઈડીસીમાંથી બે ઇનોવા ક્રિસ્ટા કારમાંથી 86 હજારના દારૂ (Alcohol) સાથે તેના ડ્રાઈવરોની ધરપકડ કરી હતી. તથા રોકડ રૂપિયા, મોબાઈલ (Mobile) અને કાર મળી કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

  • સચીનમાં ટ્રાફિકનો લાભ લઈને ભાગેલા ઇનોવા કાર ચાલકને પીસીબીએ મહિધરપુરામાં પકડી પાડ્યો
  • બે ઇનોવા કારમાં 86 હજારના દારૂ સાથે કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • પકડાયેલા બંને આરોપી લીસ્ટેડ બુટલેગર (Bootlegger) આરીફ બંગાળીના માણસો, દારૂ મંગાવનાર અને મોકલનાર ચાર વોન્ટેડ
  • લક્ઝુરીયસ કારમાં દારૂની હેરા ફેરી કરવાના રેકેટનો પર્દાફાશ

પીસીબી શાખાને એક ગ્રે કલરની ઇનોવા ક્રિસ્ટા કાર (જીજે-15-સીએલ-5929) તથા એક નંબર વગરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વલસાડથી હેરા ફેરી કરીને હાલમાં સુરત શહેરમાં પ્રવેશ કરાયાની બાતમી મળી હતી. બાતમીના આધારે પીસીબી પોલીસ વોચ ગોઠવી બેઠી હતી ત્યારે સચીન જીઆઈડીસી સાતવલ્લા પુલથી બુડીયા ચોકડી પાસેથી બંને કાર પસાર થઈ હતી. ત્યારે એક કારને પકડી પાડી ગતી. જોકે ગ્રે કારના ચાલકે ટ્રાફિકનો લાભ લઈને કાર ભગાવી હતી. જેથી પીસીબી પોલીસે આ કારનો પીછો કરીને મહિધરપુરા, સુમુલ ડેરી રોડ, શાંતિનિકેતન સોસાયટી, બંગલા નં.૬ ની સામેથી ઝડપી પાડી હતી.

બંને કારના ડ્રાઈવરો સંદિપ ઉર્ફે લાલો જયંતીભાઇ પટેલ (ભંડારી) (ઉ.વ.૩૪, રહે.ઘર નં.૧૫૬૩/૨, નીલકંઠ સોસાયટી, ઝંડા ચોક પાસે, સારણ રોડ, ઉદવાડા, તા.પારડી, જી.વલસાડ) તથા કિરીટ ઉર્ફે વિનોદ હરીલાલ બરૈયા (ઉ.વ.૫૧, રહે. ફલેટ નં.૧૦૧, કેશરીનંદન કોમ્પ્લેક્ષ, પ્લોટ નં.૧૧૮, વિજયનગર સોસાયટી, વિભાગ-૨, વેડ રોડ, ચોકબજાર) ને ઝડપી પાડ્યા હતા. કારમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની કુલ 86 હજારના કિમતની 352 દારૂની બોટલ મળી આવી હતી. આરોપીઓ પાસેથી 6 હજાર રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર વિનોદ ઉર્ફે વિનોદ ભૈયો રામદયાલ વર્મા (રહે.ગુંડલાવ ચોકડી, ધમડચી ફળીયુ, તા.જી.વલસાડ) અને દિપક કુંભારીયા (રહે. કુંભારીયાગામ, તા.પારડી, જી.વલસાડ) ને તથા દારૂ મંગાવનાર આરીફ ઉર્ફે આરીફ બંગાલી અબ્દુલ સમીમ શેખ (રહે.સ્વાગત એપાર્ટમેન્ટ, વાંકી બોરડી, ડો.ભક્કાના દવાખાનાની ગલી, રાણીતળાવ, લાલગેટ) અને સોએબ ઉર્ફે સોએબ કમ્પાઉન્ડર (રહે. સુરત) ને વોન્ટેડ જાહેર કરાયા છે.

Most Popular

To Top