SURAT

સુરતમાં પત્નીએ છુટાછેડા નહીં આપતા માનસિક તણાવમાં આવી પતિએ કર્યું આવું કામ

સુરત: (Surat) અમરોલીમાં રહેતા અને સાવરણી વેચવાનું કામ કરતા ફેરિયાને પત્ની (Wife) છુટાછેડા આપતી નહીં હોવાથી પતિએ કંટાળી જઇ ફાંસો ખાઇ (Suicide) લીધો હતો. ઉલ્લેખનીય છે કે પત્ની પતિને મુકીને છેલ્લા 6 વર્ષથી પિયરમાં ચાલી ગઇ હતી. જેથી પતિ છુટાછેડા (Divorce) લેવા વારંવાર પત્નીને કહેતો હતો.

  • અમરોલીમાં પત્નીએ છુટાછેડા નહીં આપતા માનસિક તણાવમાં આવી પતિનો આપઘાત
  • પતિને છોડીને 6 વર્ષથી પિયરમાં રહેતી પત્ની છુટાછેડા નહીં આપતા પતિએ આત્યંતિક પગલું ભરી લીધું
  • પત્ની પાસે રહેતી પુત્રીને મળવા માટે ગોવિંદ ખરાત અવાર-નવાર જતો હતો

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી કોસાડ આવાસમાં રહેતા ગોવિંદભાઈ રઘુનાથ ખરાત (ઉ.વ.35) સાવરણી વેચવાનું કામ કરે છે. વિતેલા 6 વર્ષથી એકલવાયું જીવન જીવતા ગોવિંદ ખરાતે શુક્રવારે બપોરના સમયે પોતાના ઘરે પંખા સાથે કાપડની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગોવિંદની પત્ની છ વર્ષથી તેને એકલો મુકી પિયર જતી રહી હતી. ગોવિંદ પત્નીથી છુટાછેડા લેવા ઇચ્છતો હતો. પરંતુ પત્ની છુટાછેડા આપતી ન હતી. જેને પગલે બંને વચ્ચે અણબનાવ બન્યા કરતા હતા. આખરે છુટાછેડા નહીં મળતા ગોવિંદે માનસિક તણાવમાં આવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, પત્ની પાસે રહેતી પુત્રીને મળવા માટે ગોવિંદ ખરાત અવાર-નવાર જતો હતો. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરકંકાશને કારણે સગરામપુરાના યુવાનનો આપઘાત
સુરત : સગરામપુરા ખાંગળશેરી ખાતે રહેતા અને જરીના કારખાનામાં મજુરી કામ કરતા યુવાનનો પત્ની સાથે ઘરકંકાશ થયા કરતો હોય શુક્રવારે પતિએ માનસિક તણાવમાં આવી જઇ ગળે ફાંસો ખાઇ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સગરામપુરા ખાંગળશેરી પાસે સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ વસંતભાઈ રાણા (ઉ.વ.33) જરી કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ચાર દિવસ અગાઉ પત્નીની સાથે કોઈક બાબતે તેમનો ઝઘડો થયો હતો. ત્યારબાદ તેની પત્ની નારી સંરક્ષણ ગૃહમાં ચાલી ગઈ હતી. અનિલભાઈ પત્ની સાથેના ઝઘડાને કારણે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને ગઇકાલે સવારે પોતાના ઘરે છતના હુંક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ મામલે અઠવા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનિલભાઈએ ઘરકંકાશના કારણે પગલું ભરી લીધું છે. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top