વલસાડ: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદના (Rain) પગલે નદી (River) તેમજ ડેમો (Dam) છલકાયા છે. ત્યારે પારડી નજીક માતા-પુત્ર કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જો કે સ્થાનિક યુવાનોએ ત્યાં પહોંચી પાણીમાં ડૂબતા પુત્રને બચાવી લીધો હતો. જ્યારે માતા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.
- નદી પરના કોઝવે પરથી પસાર થતી વેળા માતા-પુત્ર તણાયા
- તણાયેલા પુત્રનો આબાદ બચાવ, માતા લાપતા
મળતી માહિતી અનુસાર અટગામમાં રહેતાં મીરા અરવિંદ પટેલ તેમના પુત્ર શૈલેષ સાથે બાઈક પર બેસી રોનવેલ ગામે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાંજણ રણછોડ-ભોમા પારડી ગામ વચ્ચેનો વાંકી નદી પરના કોઝવે પરથી પસાર થતી વેળા ભારે વરસાદથી વાંકી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. જેને જોઈ સ્થાનિક યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને શૈલેષ દેખાતાં તેને બહાર કાઢી લીધો હતો. જો કે, મીરાબેન ન દેખાતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાના પગલે વલસાડ પોલીસ તેમજ પાલિકાની ફાયરની ટીમ મીરાબેનને શોધવા મોડી રાત સુધી સક્રિય જોવા મળી હતી. જો કે, મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
સ્કૂલે જતી વિદ્યાર્થિનીએ નદીમાં ઝંપલાવ્યું, સ્થાનિકોએ જીવ બચાવ્યો
વલસાડ : વલસાડની એક વિદ્યાર્થિનીએ ગુરૂવારે સ્કૂલે જતી વેળા રસ્તામાં કોઇક કારણોસર ઔરંગા નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ઘટના સમયે સ્થાનિકોએ તેમજ રાહદારીઓએ સમય સૂચકતા વાપરી તેનો પ્રયાસ નિષ્ફળ બનાવી તેનો જીવ બચાવી લીધો હતો.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી એક યુવતી આજરોજ ઘરેથી સ્કૂલે જવા નિકળી હતી. ત્યારબાદ રસ્તામાં અચાનક તેને શું સુઝ્યું કે, તે ઔરંગા નદીના પુલ પર પહોંચી હતી. જ્યાં તેણે પોતાનો જીવ ટુંકાવવાની ઇચ્છાએ નદીમાં ઝંપલાવ્યું હતુ. આ ઘટના સ્થાનિકોએ જોતાં તેઓ તુરંત નદીમાં પડ્યા અને વિદ્યાર્થીનીને બહાર કાઢી હતી અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી હતી. તેમજ સ્કૂલની વિદ્યાર્થિનીના આ પગલાને લઇ વાલી આલમમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ.