Entertainment

આમિરની ફિલ્મને બકવાસ તો ‘ઝા’ જ કહી શકે

મહેશ માંજરેકર દિગ્દર્શક છે કે અભિનેતા? ફરહાન અખ્તર નિર્માતા-દિગ્દર્શક છે કે અભિનેતા? આવા પ્રશ્નને આગળ લઇ જવો હોય તો પ્રકાશ ઝા પણ છે. આ 16મી સપ્ટેમ્બરે ‘મટ્ટો કી સાયકલ’ રજૂ થઇ રહી છે જેમાં પ્રકાશ ઝા મુખ્ય અભિનેતા છે. એમ. ગની આ ફિલ્મનો દિગ્દર્શક છે. પ્રકાશ ઝાનું પાત્ર આ ફિલ્મમાં સાયકલ સાથે જોવા મળશે. પ્રકાશ ઝા કહે છે કે મને આ ફિલ્મની પટકથા એવી ગમી કે ના જ પાડી ન શકયો. પટકથા વાંચતા જ હું મારા 1980ના વર્ષોમાં ચાલી ગયો જયારે હું દસ્તાવેજી ફિલ્મો બનાવતો હતો અને ‘દામુલ’ ફિલ્મ તે વખતે જ બનાવેલી. મને ફિલ્મની વાર્તા એટલી ગમી કે અભિનય માટે તો તૈયાર થયો જ પણ ફિલ્મનો નિર્માતા પણ હું જ બન્યો.

‘મટ્ટો કી સાયકલ’ ફિલ્મ માત્ર 95 મિનીટ્‌સની છે અને મથુરામાં તેનું ફિલ્માંકન થયું છે. પ્રકાશ ઝા સાથે અનિતા ચૌધરી અને ડિમ્પી મિશ્રા, આરોહી શર્મા છે. મનોરંજક ફિલ્મો વચ્ચે આ ફિલ્મ પ્રેક્ષકોને કેવી લાગશે તે ખબર નથી પરંતુ પ્રકાશ ઝા હંમેશા દેશના ગામડાના માણસનાં સંઘર્ષને આગળ કરતા આવ્યા છે અને તેમાં રાજકારણની શૈલી પણ આકરા વાસ્તવ સાથે રજૂ કરે છે. ‘હિપ હિપ હુર્રે’, ‘દામુલ’, ‘પરિણતી’, ‘મૃત્યુદંડ’, ‘દિલ કયા કરે’, ‘ગંગાજલ’, ‘અપહરણ’થી માંડી ‘આરક્ષણ’, ‘ચક્રવ્યુહ’, ‘સત્યાગ્રહ’, ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ઘણી ફિલ્મોનાં દિગ્દર્શક યા તો નિર્માતા તેઓ રહ્યા છે. ‘સાંડ કી આંખ’માન તેમણે રતનસીંઘ તોમરની ભૂમિકા ભજવી પછી હવે ફરી મટ્ટોની ભૂમિકામાં જોવા મળશે.

પ્રકાશ ઝા તમને જરા પણ ફિલ્મી ન લાગશે. જો સામે મળે તો બિહારનો કોઇ ગામડીયો છે એવું જ લાગશે. તેમણે પોતાને કયારેય ફિલ્મી બનાવ્યા નથી. અત્યાર સુધીમાં તેમની ફિલ્મો વિવિધ કેટેગરી હેઠળ આઠ નેશનલ એવોર્ડ મેળવી ચુકી છે. હમણાં જો કે તેમણે એક પણ ફિલ્મનું દિગ્દર્શન નથી કર્યું. 2019માં ‘પરીક્ષા: ધ ફાઇનલ ટેસ્ટ’નું દિગ્દર્શન તેમણે કરેલું જે ઝીપ પર રજૂ થયેલી પણ હા, ‘આશ્રમ’ નામની વેબ સિરીઝના નિર્માતા- દિગ્દર્શક તરીકે તેઓ ખૂબ ચર્ચીત રહ્યા છે. આ સિરીઝે બોબી દેઓલને પણ નવી જિંદગી આપી છે. આ પહેલાં ‘સારે જહાં સે અચ્છા’માં તેઓ એન્કર તરીકે આવેલા. પ્રકાશ ઝા જે ફિલ્મ સાથે સંકળાય તેમાં વિચારવાના મુદ્દા હોય જ હોય.

તેઓ માટે મનોરંજનની વ્યાખ્યામાં સલમાન-કેટરીના જેવા સ્ટાર્સ બેસે નહીં. દેશને સમજવામાં તેમની ફિલ્મો મદદ કરે છે. 2004 અને 2009માં લોકસભાની ચૂંટણી લડીને હારી ચુકેલા. હકીકતે 2014માન તેઓ ચૂંટણી લડેલા ને ફરી હારેલા. પણ તેઓ રાજનેતા બનવા માટે નહીં રાજકારણને સમજવા ચૂંટણી લડે છે. તેમને સામાજીક પ્રવૃત્તિમાં પણ ખૂબ રસ છે અને ‘અનુભૂતિ’ નામની સંસ્થાના અધ્યક્ષ છે. આ સંસ્થા (એનજીઓ) સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિસ્તાર ઇચ્છે છે ને સાથે જ આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેડૂતોના જીવન ઉત્કર્ષ માટે કામ કરે છે.

તેઓ 1985મા દિપ્તી નવલને પરણેલા પણ બંને માટે એ લગ્ન પ્રયોગ જેવા જ નીવડયા ને 2002માં છૂટા થયા. દિપ્તી સાથે તેમણે દિશા નામની દિકરી પણ દત્તક લીધી હતી. પ્રકાશ ઝા બહુ વિલક્ષણ પ્રકારના દિગ્દર્શક-નિર્માતા છે ને હવે ‘મટ્ટો કી સાયકલ’માં અભિનેતા તરીકે જોવા મળશે. પ્રકાશ ઝાનો અભિનય ગમશે. તેઓ સહજ રહી શકે છે. હમણાં ‘લાલ સીંઘ ચઢ્ઢા’ વિશે તેમણે કહેલું કે તેમણે (આમિર ખાન) સમજવું જોઇએ કે તેમણે બકવાસ ફિલ્મ બનાવી છે.

આવું બોલવાની હિંમત પ્રકાશ ઝા જ કરી શકે. હમણાં ‘લાલ સિંઘ ચઢ્ઢા’ ઉપરાંત ‘રક્ષાબંધન’ને બોયકોટ કરવામાં આવી એવું કહેવાયું તો પ્રકાશ ઝા બોલેલા કે પાંચ લોકો આવીને કહે કે આ કમાલની ફિલ્મ છે. જો ‘લગાન’ યા ‘દંગલ’ યા ‘થ્રી ઇડિયટ્‌સ’ને બોયકોટ કરવામાં આવી હોત તો વાત જૂદી હોત, જયારે ફિલ્મ જ સારી ન બની હોય તો બોયકોટની વાત જ ખોટી છે. બાકી અભિનય વિશે તો કહે છે કે મારે તો વિમાન પણ ઉડાવવું છે. હું જે પણ કામ કરું તે મઝાથી કરું છું ને જેમાં પડકાર લાગે એજ કરું છું. જે કામ કરું તેમાં મઝા ન આવે તો નહીં કરવાનું. •

Most Popular

To Top