Vadodara

શહેર-જિલ્લાને રૂ.142.62 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ

વડોદરા : ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત આજે શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લાને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે રૂ. 105.63 કરોડ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.37 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી હતી. કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાને મળેલી કુલ રૂ.142.62 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટમાં રોડ-રસ્તા, પાણી-પુરવઠો, ગટર વ્યવસ્થા, માર્ગ-મકાન વિભાગ, ગ્રામ્ય વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અંતર્ગત રૂ.44.87 કરોડના ખર્ચે વિવિધ 6 વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ તેમજ રૂ.97.75 કરોડના વિવિધ 35 વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું.

કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ગુજરાતે તમામ ક્ષેત્રમાં  સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે. ગુજરાતીઓના અવિરત વિશ્વાસના કારણે ડબલ એન્જિનની સરકાર ડબલ તાકાત અને ડબલ સ્પીડથી વિકાસની ગાથા સતત આગળ વધી રહી છે. આજે કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર,મહિલાઓ હોય કે બાળકો, ગ્રામ્ય હોય કે શહેરી,યુવાઓ, વંચિતો, ખેડૂતો સહિત ગુજરાતના જન-જનનો અને તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે.પ્રજાની સરળતા અને સુવિધાને આજે કેન્દ્રમાં રાખીને નીતિગત નિર્ણયો લેવામાં આવે છે, ગુજરાત આજે પોલિસી ડ્રિવન સ્ટેટ છે. એક સમય હતો કે વડોદરા અને ગુજરાત રમખાણો,કર્ફ્યૂ અને ધમાલોથી પીડાતું હતું.પરંતુ જ્યારથી દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની ધુરા સંભાળી ત્યારથી ગુજરાત શાંતિ અને સલામતીનો પર્યાય બની ગયું છે.

વડોદરાના વિકાસનો ચિતાર આપતા મેયર કેયુરભાઈ રોકડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના એક વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ એક વર્ષને સફળતા અને સિદ્ધિઓનું વર્ષ ગણાવ્યું હતું.મેયર કેયુર રોકડીયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતને વિકસિત બનાવવા બદલ પ્રધાનમંત્ર નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે વડોદરાને આજે મળેલા અનેકવિધ વિકાસકાર્યોની ભેટથી લોકોની સુખાકારીમાં બમણો વધારો થશે.

ઇ-એફઆરઆઈ મહિલાઓ-બાળકો માટે વિવિધ યોજનાઓ,સ્વાસ્થ્ય સેવાઓ,કૃષિ સેવાઓ,રોડ-રસ્તા,પાણી-પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા જેવી પ્રજાકીય સવલતો અને શ્રેષ્ઠ માળખાકીય સેવાઓ માટે ડબલ એન્જિન સરકારની જન સેવાની કાર્ય સંસ્કૃતિને વિકાસયાત્રાનું વાહક અને મહત્વનું પરિબળ ગણાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વાસથી વિકાસ યાત્રાની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય,શહેર ભાજપ પ્રમુખ,જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા પંચાયતના પ્રમુખ, શાસક પક્ષના નેતા,મનપાના મુખ્ય દંડક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શહેર અને જિલ્લાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, સરપંચો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો હાજર રહ્યા હતા.

Most Popular

To Top