Gujarat

ગુજરાતના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની પકડાયા

અમદાવાદ: ભારતમાં ડ્રગ્સ (Drugs) ઘુસાડવા માટે ગુજરાતનો (Gujarat) દરિયો (Sea) સેઈફ વે બની ગયો હોય તેમ અવારનવાર અહીંના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આવા જ એક પ્રયાસને ગુજરાત એટીએસ (Gujarat ATS) અને કોસ્ટગાર્ડ (Coast Guard) દ્વારા નિષ્ફળ બનાવાયો છે. ગુજરાત એટીએસના બાહોશ અધિકારીઓ અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ બાતમીના આધારે દરિયામાં જઈ પાકિસ્તાની બોટમાં (Pakistan Fisher Boat) તપાસ કરતા તેમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. એટીએસ દ્વારા ડ્રગ્સનો કબ્જો લઈ 6 પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ડ્રગ્સ ગુજરાતના માર્ગે પંજાબ (Punjab) મોકલવામાં આવનાર હતું તેવી પ્રાથમિક માહિતી સાંપડી છે.

  • જખૌના દરિયામાં 6 માઈલ અંદર એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું
  • પકડાયેલા ડ્રગ્સની તપાસ પંજાબ જેલ સુધી પહોંચે તેવી શક્યતા
  • પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને ડ્રગ્સ મંગાવ્યું હોવાનો ઘટસ્ફોટ

પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દરિયામાં ભારતીય જળસીમાની અંદર 6 માઈલ સુધી ગયા હતા, જ્યાં પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે પકડી છે. કોસ્ટગાર્ડની બે ફાસ્ટ એટેક બોટ દ્વારા ગુજરાતના જખૌ કિનારે 33 નોટીકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. અલ તયાસા નામની આ પાકિસ્તાની માછીમારોની બોટમાં તપાસ કરતા બંને એજન્સીઓને 200 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. ડ્રગ્સ સાથે પાકિસ્તાનના 6 નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું.ચોંકાવનારી વાત એ છે કે આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને મંગાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક પંજાબની જેલમાંથી ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવી છે.

ગુજરાત પોલીસે છેલ્લાં એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું
મને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું હતું. ખરેખર તો ડ્રગ્સનો કાળો કાળોબાર પંજાબની જેલમાંથી થઈ રહ્યો હતો. પંજાબના ગેંગસ્ટર ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવતા હતા. ડ્રગ્સ માફિયાઓના આ નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાત પોલીસે ઝૂંબેશ છેડી છે અને તેના ભાગરૂપે જ ગુજરાતના દરિયામાંથી અવારનવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વીતેલા એક વર્ષમાં ગુજરાત પોલીસ, એટીએસ અને કોસ્ટગાર્ડે મળીને 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ગુજરાત પોલીસે પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ કરી આંતરરાષ્ટ્રી ડ્રગ્સ નેટવર્કને ગુજરાતમાં ઘૂસતા રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આંતરરાષ્ટ્ર ડ્રગ્સ નેટવર્કના ભારતના કનેકશન તોડી પાડવા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગના અફઘાનિસ્તાનના વહલ ઉલ્લા ખાન જેવા ઈસમોને પકડ્યા છે. બગ્ગા ખાનનું ગુજરાતનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડી પાડ્યું છે. સંઘવીએ વધુમાં કહ્યું કે, ડ્રગ્સ મામલે હું રાજનીતિ કરતો નથી, પરંતુ છેલ્લાં એક વર્ષમાં ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કામગીરીના આંકડા રાજનૈતિક રીતે ગુજરાત ભાજપની સરકારને બદનામ કરનારાઓ માટે સણસણતા તમાચા સમાન છે

Most Popular

To Top