સુરત: (Surat) લિંબાયતમાં અભિષેક નામના યુવકની દાદીગીરી દિવસે દિવસે વધતી જતી હોય તેમ આ યુવકે લારીવાળાઓની પાસે વેપાર કરવા માટે 500 રૂપિયાની ખંડણી (Ransom) માંગી હતી. આ ઉપરાંત એક મહિલાને જાતી વિષયક ગાળો પણ આપવામાં આવી હતી. જે અંગે મહિલાએ અભિષેકની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- ‘ તારે અહી વેપાર કરવો હોય તો મને દર મહિને રૂા.500નો હપ્તો આપવો પડશે’
- લિંબાયતમાં અભિષેક નામના યુવકની દાદાગીરી : લારીવાળાઓ પાસે ખંડણી માંગતા એટ્રોસિટીની ફરિયાદ
- મહિલાએ અભિષેકની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત રતનચોક પાસે ઝુપડપટ્ટીમાં રહેતા જ્યોતીબેન મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૫૭) સાંઈબાબા મંદિરની સામે પાલિકાના સૌચાલયની બાજુમાં ચાની લારી ચલાવે છે. જ્યોતીબેન પાસે શુક્રવારે મોડી સાંજે આઠેક વાગ્યે અભિષેક (રહે, લિંબાયત) આવ્યો હતો અને રૂા. 500 પડાવી લીધા હતા. આ ઉપરાંત તેણે ધમકી આપી હતી કે, ‘જો હવે તારે અહીયા વેપાર કરવો હોય તો મને દર મહિને રૂા.500નો હપ્તો આપવો પડશે’. આ ઉપરાંત અભિષેકે અન્ય એક વ્યક્તિએ અભિષેકની પાસેથી રૂપિયા માંગ્યા હતા અને તે મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે અભિષેકે આ યુવકને જાતી વિષયક ગાળો આપીને સોસાયટીમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી. જે અંગે પણ લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે અભિષેકની સામે બે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
ઉધનામાં 33 લાખની લૂંટ પ્રકરણમાં આરોપીને મદદગારી કરનાર યુવકના જામીન નામંજૂર
સુરત : ઉધના ત્રણ રસ્તા પાસે રૂા.33 લાખની લૂંટ કરવાના ચકચારીત પ્રકરણમાં આરોપીઓને મદદગારી કરનાર આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ સગરામપુરામાં છોવાલા શેરીમાં રહેતા જગદીશભાઇ મોહનલાલ ચોક્સી અને તેમનો પુત્ર અમીત ઘરમાં જ સાંઇ-સિદ્ધિ એજન્સીના નામે મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગત તા. 30મી જૂનના રોજ બપોરના સમયે જગદીશભાઇ પાંડેસરાથી રૂપિયાની ઉઘરાણી કરી ઘર તરફ જઇ રહ્યા હતા અને ઉધના ત્રણ રસ્તા પાસે બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે ગયા ત્યારે પાંચ સેકેન્ડમાં જ બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ તેમના હાથમાંથી રૂા.33 લાખ ભરેલો થેલો આંચકીને ભાગી ગયા હતા.
આ ચકચારીત પ્રકરણમાં પોલીસે અગાઉ અશ્વિનકુમાર ઉર્ફે સોનુ તેમજ અન્ય યુવકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ સમગ્ર પ્લાન પ્રેમસીંગ ઉર્ફે પ્રેમદાંડા ઉર્ફે વકીલ દાંડા ફૂલસીંગ જાટએ બનાવ્યો હોવાની વિગતો મળી હતી. પોલીસે પ્રેમસીંગની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. આ પ્રેમસીંગએ અશ્વિન ઉર્ફે સોનુને તેમજ બીજા આરોપીઓને લૂંટ કરવાનો તેમજ સુરત છોડીને ભાગી જવામાં મદદગારી કરી હતી. જામીન મુક્ત થવા માટે પ્રેમસીંગએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની સામે મુળ ફરિયાદીએ એડવોકેટ જય દેસાઇએ જામીન અરજી નામંજૂર કરવા માટે સોગંદનામુ કર્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી પ્રેમસીંગના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.