સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કારને જીવલેણ અકસ્માત થયો તેનું કારણ ટ્રાફિકના નિયમોની અવગણના હતું. સાયરસ મિસ્ત્રીની કાર ચલાવી રહેલી મહિલા ડ્રાઇવરે રોંગ સાઇડથી હાઇ સ્પિડમાં ઓવરટેકિંગ કરીને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. રસ્તા ઉપરના જીવલેણ અકસ્માતો જાણે આપણી જિંદગીનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. માર્ગ અકસ્માતમાં એકાદ બે મનુષ્યનાં મોત થાય તે આપણા માટે એટલા રૂટિન ન્યૂઝ થઇ ગયા છે કે તે સમાચારો ઉપર આપણી નજર પણ ફરતી નથી. કોઇ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થઇ હોય તો અખબારના સંપાદકને આ સમાચાર છાપવા જેવા પણ લાગતા નથી. ભારતમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે એક લાખથી વધુ લોકોનાં મોત થાય છે અને પાંચ લાખથી વધુ લોકો ઘાયલ થાય છે.
જો ડ્રાઇવિંગના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તો આ અકસ્માતો રોકી શકાય તેવા હોય છે. વાહનોના મોટા ભાગના અકસ્માતો ઓવરટેક કરવા દરમિયાન અથવા તેને કારણે થતાં હોય છે. ગાડીને ઓવરટેક કરવી એ ડ્રાઇવર માટે અનિવાર્યતા હોય છે. કોઇ વાહનની ઝડપ ઓછી હોય તો તેને ઓવરટેક કરવું ફરજિયાત બની જાય છે, પણ ઓવરટેકિંગના પણ નિયમો હોય છે. આ નિયમોનો ભંગ કરવામાં આવે ત્યારે મોતને નિમંત્રણ મળે છે. ઓવરટેકિંગનો પહેલો નિયમ એ છે કે ડાબી બાજુથી ક્યારેય ઓવરટેકિંગ ન કરવું. ઘણી વખત આગળ ચાલી રહેલી ગાડીનો ડ્રાઇવર અડિયલ ટટ્ટુ હોય છે.
તે સાઇડ જ આપતો નથી. આ સંયોગોમાં પણ ડાબી બાજુથી ઓવરટેક કરાય જ નહીં. આગળના વાહનના ડ્રાઇવરને વારંવાર હોર્ન મારીને સાઇડ આપવા માટે મજબૂર કરવો જોઇએ અને તે સાઇડ આપે તેની રાહ જોવી જોઇએ. ટવેરા, ઇન્નોવા, કોલિસ, સુમો, સફારી વગેરે ગાડીઓના ડ્રાઇવરો ડાબી બાજુથી જ ઓવરટેક કરવાની બૂરી આદત ધરાવતા હોય છે. આ કારણે આ ગાડીઓ અકસ્માતનો વધુ ભોગ બનતી હોય છે. કોઇ પણ વાહનને જમણી બાજુથી ઓવરટેક કરતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે સામેથી કોઇ વાહન આવી તો નથી રહ્યું ને? આ વાતનું ધ્યાન ત્યારે જ રહે કે જ્યારે સામેનો રસ્તો સીધો હોય અને સાફ દેખાતો હોય. જો રસ્તા ઉપર વળાંક આવતો હોય તો જમણી બાજુથી પણ ઓવરટેક કરાય નહીં પણ સીધો રસ્તો આવે તેની રાહ જોવી જોઇએ. વળાંકવાળા રસ્તા ઉપર ઓવરટેક કરતી વખતે વાહન સામેથી એકદમ નજીક આવી જાય ત્યાં સુધી ખબર જ નથી પડતી. આ રીતે ‘બ્લાઇન્ડ ઓવરટેક’ કરવામાં ડ્રાઇવરના અને ઉતારુઓના જીવનું જોખમ હોય છે.
સામાન્ય સંયોગોમાં ડ્રાઇવરે જ્યારે આખી રાત ગાડી ચલાવી હોય ત્યારે વહેલી સવારે તેને ઉંઘ આવી જાય છે. ઉંઘ ન આવે તો તેનું મગજ થાક અને ઉજાગરાને કારણે ગફલત કરી બેસે છે. સર્વે કહે છે કે મોટા ભાગના અકસ્માતો રાતે બે અને સવારે છ ની વચ્ચે થતાં હોય છે. જો કોઇ વ્યક્તિ ખાસ સંયોગોમાં આખી રાત ગાડી ચલાવવા માંગતી હોય તો ગાડીમાં બે ડ્રાઇવર હોવા જોઇએ. બે ડ્રાઇવર હોય તો અકસ્માતની સંભાવના ઘટી જાય છે. દિવસના સમયે અકસ્માત થવાનું મહત્ત્વનું કારણ રોન્ગ સાઇડ ઉપર ડ્રાઇવિંગ કરવું તે છે. મુંબઇ જેવાં શહેરોમાં રોન્ગ સાઇડ ઉપર ડ્રાઇવિંગ કરવાનું દૂષણ ઓછું જોવા મળે છે, પણ ગુજરાતનાં શહેરોમાં રહેતા લોકો માટે તો રોન્ગ સાઇડ ઉપર ગાડી કે બાઇક ચલાવવી અત્યંત સહજ ગણાય છે.
રોન્ગ સાઇડ ઉપર વાહન ચલાવવાના સંસ્કારો તેમને જાણે ગળથૂથીમાં મળે છે. નાનકડું ચક્કર ન મારવું પડે તે માટે તેઓ કોઇ પણ જાતના સંકોચ વિના રોન્ગ સાઇડ ઉપર ગાડી મારી મૂકે છે. તેમને એ વાતની ખબર નથી હોતી કે આ ભૂલ કરીને તેઓ પોતાની જ નહીં પણ રાઇટ સાઇડ ઉપર ગાડી ચલાવનારની જિંદગી પણ જોખમમાં મૂકી દેતા હોય છે. આ રીતે અચાનક રોન્ગ સાઇડ ઉપર ફૂટી નીકળેલાં વાહનને બચાવવા જતાં રાઇટ સાઇડ ઉપર જતું વાહન પણ અકસ્માતનો ભોગ બની જાય છે. આપણા દેશમાં થતાં અકસ્માતો પૈકી ટુ વ્હીલરના અકસ્માતમાં સૌથી વધુ નાગરિકોનાં મોત થાય છે.
ટુ વ્હીલરને આજકાલના યુવક યુવતીઓ વાહનવ્યવહારનું સાધન નથી ગણતા પણ પોતાની બહાદુરી પુરવાર કરવાનું હથિયાર સમજે છે. યુવાનોએ પોતાની બહાદુરી પુરવાર કરવી હોય તો સરહદ ઉપર શત્રુઓ સામે લડવા જવું જોઇએ. બાઇક બહાદુરી પુરવાર કરવાનું સાધન નથી. ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવવાને કારણે અગણિત યુવાનો શહીદ થઇ ગયા હોવા છતાં આજના યુવાનો ધૂમ સ્ટાઇલમાં જીવને જોખમમાં મૂકી દેતા અચકાતા નથી. કોઇ પણ યુવક ધૂમ સ્ટાઇલમાં રસ્તામાં બાઇક ચલાવતો જણાય તો તેને પકડીને પોલીસને સોંપી દેવો જોઇએ.
દેશના નાગરિકોની સલામતી સામે આ મોટું જોખમ છે. આજકાલના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય ત્યારે માબાપો તેમને બાઇક અથવા સ્કૂટી અપાવી દે છે. બાળક હજી ૧૮ વર્ષનું ન થાય અને લાઇસન્સ મેળવે તે અગાઉ મા-બાપ તેમને બાઇક અપાવી દે છે અને તે બદલ ગર્વ અનુભવે છે. આવાં મા-બાપો તેમનાં બાળકના શત્રુ છે. ટુ વ્હીલર ચલાવનારે એ વાત ન ભૂલવી જોઇએ કે આ વાહન બે વ્યક્તિઓ માટે છે.
તેનો ઉપયોગ ત્રણ, ચાર કે પાંચ વ્યક્તિઓ માટે કરવાથી જાનનો ખતરો થઇ શકે છે. ગુજરાતનાં ગામડાંઓમાં અને શહેરોમાં ટુ વ્હીલરમાં પુખ્ત વયની ત્રણ વ્યક્તિ અને બે બાળકો સાથે પ્રવાસ કરી રહેલા હોય તે દૃશ્ય સાધારણ છે. આ રીતે પ્રવાસ કરનાર વ્યક્તિ પોતાની જ નહીં પણ પોતાના સમગ્ર પરિવારની જિંદગીને જોખમમાં મૂકી રહી છે. જો વાહનચાલકોને પોતાની જિંદગી વહાલી હોય તો તેમણે ટ્રાફિકના બધા નિયમો પાળવા જ જોઇએ. સરકારની અને પોલીસ તંત્રની ફરજ છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને શિસ્તના પાઠો ભણાવે તો જ અકસ્માતો અટકશે.