SURAT

સુરતના કતારગામ ઓવારા પર બબાલ, કલેક્ટરના આ આદેશના લીધે તકરાર

સુરત(Surat) : બે વર્ષના લાંબા સમય ગાળા બાદ સુરતમાં રંગેચંગે ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી અને જોત જોતામાં બાપ્પાના વિદાયની ઘડી આવી પહોંચી. આજે શુક્રવારે અનંત ચતુર્થીના દિને સવારથી જ શહેરના વિવિધ માર્ગો પરથી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. દર વર્ષની જેમ સૌપ્રથમ ગોપીપુરા ખાતે આવેલા હિન્દુ મિલન મંદિરની વિસર્જન યાત્રા નીકળી હતી, ત્યાર બાદ ધીમે ધીમે તમામ વિસ્તારમાંથી બાપ્પાની પ્રતિમા લઈ ભક્તોએ ઓવારા તરફ પ્રયાણ કર્યું હતું. ભક્તોના ઉત્સાહ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાના દબાણમાં કેટલાંક ઠેકાણે પોલીસ કર્મચારીઓની ઉદ્ધતાઈનો અનુભવ ભક્તો અને પાલિકાને સ્ટાફને પણ થયો હતો.

કતારગામના કૃત્રિમ ઓવારા પર આજે સવારે પાલિકાના (SMC) અધિકારીઓ અને પોલીસ (Surat City Police) કર્મચારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. બન્યું એવું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાના સ્ટાફને દર એક કલાકે કૃત્રિમ ઓવારા પરની સ્થિતિનો રિપોર્ટ ફોટા અને વીડિયો મેસેજ મારફતે ઉચ્ચ અધિકારીઓને મોકલવાનો આદેશ કરાયો હતો, જેથી કતારગામના કૃત્રિમ ઓવારા પર સવારે પાલિકાનો સ્ટાફ વિસર્જન પ્રક્રિયાના ફોટો અને વીડિયો ઉતારી રહ્યાં હતાં ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીઓએ પાલિકાના સ્ટાફને તેમ કરતા રોક્યા હતા. ઓવારા પર ફોટા અને વીડિયો ઉતારવાની મનાઈ પોલીસે ફરમાવી હતી. તેથી બંને પક્ષે ફોટા-વીડિયો લેવા કે નહીં તે મામલે ચકમક ઝરી હતી. પાલિકાનો સ્ટાફ અને પોલીસ એકતબક્કે આમને સામને આવી ગયા હતા. બંને પક્ષ પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં પરંતુ ઉચ્ચ અધિકારીઓના કોર્ડીનેશનના અભાવના લીધે ઘટના સ્થળ પર નાના કર્મચારીઓને લડવાનું બન્યું હતું.

મૂર્તિ વિસર્જનના રૂપિયા બાબતે તકરાર
બપોરે પાલિકાના કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જનના પૈસા માંગવા બાબતે બબાલ થઈ હતી. ફિક્સ રકમ નહીં પરંતુ મૂર્તિ વાળાને એવું કહેવાયું કે જે આપવું હોય તે આપો. આ મામલે બબાલ થઈ હતી. કતારગામ પોલીસના ફ્રેન્ડ ઓફ પોલીસે મૂર્તિ લઈ જવાના પૈસા લેવાની ના પાડતા મગજમારી થઈ હતી.

પોલીસે ડુમસ રોડ પરથી મક્કાઈના સ્ટોલ બંધ કરાવ્યા
ડુમસ રોડ પર પણ પોલીસની ઉદ્ધતાઈ અને દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. દર વર્ષે ડુમસ રોડ પરથી વિસર્જન યાત્રા પસાર થતી હોય અહીં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને હોકર્સ દ્વારા મક્કાઈ, ભજીયા સહિત બીજી ખાણી પીણીની ચીજવસ્તુના સ્ટોલ મુકવામાં આવતા હોય છે. આ દિવસે તેઓને સારી કમાણીની આશા હોય છે, પરંતુ ડુમસ રોડ પર આજે સવારે પોલીસ દ્વારા મક્કાઈના સ્ટોલ જબરદસ્તી બંધ કરાવવામાં આવ્યા હતા, જેના લીધે હોકર્સમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

ડીંડોલી કૃત્રિમ ઓવારા પર બપોર બાદ ધીમે ધીમે વિસર્જન માટે મૂર્તિઓ આવવા લાગી.

લિંબાયતમાં વિસર્જન યાત્રાની ધીમી ગતિ
છેલ્લાં 15-20 વર્ષથી લિંબાયતના મદીના મસ્જિદ પાસેથી સવારે 7 વાગ્યે વિસર્જન યાત્રા શરૂ થઈ જતી અને બપોરે 12 સુધીમાં ત્યાંથી તમામ પ્રતિમાઓ પસાર થઈ જતી હતી. અતિસંવેદનશીલ આ વિસ્તારમાં સવારથી જ પોલીસ એલર્ટ રહેતી હતી. ભક્તો પણ આ વ્યવસ્થામાં સહકાર આપતા હતા. આ વર્ષે પણ પોલીસ સહિત સમગ્ર તંત્ર એલર્ટ રહ્યું હતું પરંતુ ભક્તોએ કોઈક કારણસોર સવારે વિસર્જન યાત્રા કાઢવાનું ટાળ્યું હતું. એક તરફ જ્યાં મહિધરપુરાના દાળિયા શેરીના મંડળ દ્વારા વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢવામાં આવી ત્યારે બીજી તરફ લિંબાયતમાં મંડળો દ્વારા મોડેથી યાત્રા કાઢવાનું વલણ અપનાવાયું હતું.

Most Popular

To Top