સુરત: (Surat) કતારગામમાં હીરાના કારખાનામાં (Diamond Factories) કામ કરવા આવેલો કારીગર નોકરીના ત્રીજા જ દિવસે ‘નાસ્તો કરીને આવું છું’ કહીને રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના 57.50 કેરેટ કાચા હીરા (Diamond) લઇ ફરાર થઇ ગયો હતો. જે અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરવામાં આવી હતી.
- ‘નાસ્તો કરી આવું છું’ કહી નોકરીના ત્રીજા જ દિવસે કારીગર સાડા ત્રણ લાખના હીરા લઈ ફરાર
- ભાવેશ રાજગોર નામનો યુવક મેપિંગ કરવા માટે આવેલા 57.50 કેરેટના કાચા હીરા લઈ ફરાર
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર કોઝ-વે રોડ હરિદર્શન સોસાયટીમાં રહેતા ચેતન જનમેશ માંગુકિયા (ઉં.વ.૩૬) કતારગામ અનાથ આશ્રમ પાસે માન સરોવર બિલ્ડિંગમાં નવ માસથી ફોઈના દીકરા યોગેશ સોનાણી સાથે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. દરમિયાન તેમના કારખાનામાં વેડ રોડના તાપી નગર સોસાયટીમાં રહેતો ભાવેશ ગણપત રાજગોર કામ ઉપર આવ્યો હતો. ચેતનભાઇએ તેને નાઇટ પાળીમાં હીરાના મેપિંગના કામ માટે રાખ્યો હતો. બે દિવસ યોગ્ય રીતે કામ કર્યા બાદ ચેતનભાઇએ ભાવેશને સાડા ત્રણ લાખની કિંમતના 57.50 કેરેટ હીરા મેપિંગ માટે આપ્યા હતા.
દરમિયાન રાત્રિના અન્ય કારીગરો ચા પીવા માટે ગયા હતા, ત્યારે ભાવેશે તેના મેનેજરને કહ્યું કે, હું થોડીવારમાં નાસ્તો કરીને આવું છું કહીને જતો રહ્યો હતો. નાસ્તો કર્યા બાદ પણ લાંબા સમય સુધી ભાવેશ કારખાને પરત નહીં આવતાં તેને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવેશનો મોબાઇલ પણ બંધ આવતો હતો. બીજી તરફ ભાવેશના ટેબર ઉપર ચેક કર્યું ત્યારે તેના ટેબલ ઉપર હીરાનું પેકેટ પણ ન હતું. આ બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.