SURAT

પાલના ચેતના ક્લિનિકના હોમિયોપેથી ડોક્ટર સાથે 13 કરોડની છેતરપિંડી

સુરત: શહેરના પાલ (Pal Area) સંત તુકારામ સોસાયટીમાં રહેતા અને ચેતના ક્લિનિક (Chetna Clinic) નામે દવાખાનું ચલાવતા હોમિયોપેથી (Homeopathy) ડોક્ટર(Doctor) લોકોને કેનેડાની (Canadian) વર્ક પરમિટ (work permit) અને સ્ટુડન્ટ વિઝા (Student Visa) અપાવી કમિશનની કમાણી કરવાની લાલચમાં એવા ભેરવાયા કે તેમને ઘરબાર વેચવાની નોબત આવી ગઈ છે. તેમાં જે તે વિદ્યાર્થીઓની ફાઇલ લીધા પછી તેના નાણા પડાવ્યા અને તેની બારોબાર રોકડી થઇ જતા આ મામલો પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.

સ્ટુડન્ટ વિઝાના ક્લાઈન્ટ અપાવો તો હું તમને કમિશન આપીશ
ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ 36 વર્ષીય હોમિયોપેથી તબીબ ડો. શૈલેષ નામદેવ સુરવે તેમની પત્ની ડો. સીમા સાથે પાલ રોડ પર આવેલા અલ્પેશ નગરમાં ચેતના ક્લિનિક નામથી હોમિયોપેથી દવાખાનું ચલાવે છે. તેમના મિત્ર ડો. મિત્તલ પટેલના રેફરન્સના આધારે ડો. શૈલેષ સુરવેએ પાલનપુર ખાતે આવેલા રાજ વર્લ્ડ બિલ્ડિંગમાં સ્પેક્ટ્રા ઈમીગ્રેશન એન્ડ ઈન્ટરનેશનલ ટુર્સના સંદીપ કાપડિયા તથા તેના પત્ની અવનીબેનનો સંપર્ક કર્યો હતો. સંદીપભાઈએ કેનેડાના વિઝા માટે 7.40 લાખનો એસ્ટીમેટ આપ્યો હતો. બાદમાં કોઈ કારણસર કેનેડા જવાનું કેન્સલ થતા ડો. શૈલેષ સુરવેએ વિઝા લીધા ન હતાં, પરંતુ ત્યાર બાદ સંદીપભાઈએ ડો. શૈલેષ સુરવેને એવી ઓફર આપી હતી કે તમે તમારા સંપર્કોથી મને વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝાના ક્લાઈન્ટ અપાવો તો હું તમને કમિશન આપીશ. કમિશનની લાલચમાં હોમિયોપેથી ડો. શૈલેષ સુરવેએ સ્પેક્ટ્રા ટુર્સ વાળા સંદીપભાઈને 171 ક્લાઈન્ટ્સ આપ્યા હતા.

હાઈકમિશનમાં તપાસ કરતા સંદીપ ફ્રોડ હોવાની વાત બહાર આવી હતી
એકેય ક્લાયન્ટના વિઝા આવી રહ્યાં નહોતા. ઉલટાનું પાસપોર્ટ અને ફાઈલો રિટર્ન આવી રહી હતી તેથી કેનેડા હાઈકમિશનમાં તપાસ કરતા સંદીપ ફ્રોડ હોવાની વાત બહાર આવી હતી. તેની વિરુદ્ધ મહેસાણા સહિત અન્ય શહેરોમાં ફરિયાદ થઈ હોવાનું ખુલ્યું હતું. સંદીપે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ બનાવી છેતરપિંડી કરી હતી. આમ, ડો. શૈલેષ સુરવેની 171 ફાઈલમાં 13,12,93,000નું ચિટીંગ કર્યું હતું. ડો. શૈલેષ સુરવેએ આ ફાઈલો વતી કમિશન લીધું હોય ક્લાયન્ટ્સે તેમની પાસે ઉઘરાણી કરી હતી. તબીબે જે કમિશન લીધું હતું તે ક્લાયન્ટ્સને ચૂકવી દીધું પરંતુ બાકીના રૂપિયા ચૂકવવા માટે મિલકત વેચવાની નોબત આવી છે. ડો. સુરવેએ સંદીપ કાપડીયા અને તેની પત્ની અવની વિરુદ્ધ ફરિયાદ આપતા ડીસીબીએ તપાસ હાથ ધરી છે.

કેનેડાના વિઝા અપાવવા નીકળેલા સુરતના ડોક્ટરને મિલકત વેચવાનો વારો આવ્યો
તબીબને કેનેડાના વર્ક અ્ને સ્ટુડન્ટ વિઝાના ક્લાયન્ટના બદલામાં કમિશનની લાલચ આપી હતી. લાલચમાં આવીને ડો. શૈલેષ સુરવેએ કમિશનની લાલચમાં 171 ક્લાયન્ટ્સ ટુર ઓપરેટરને મોકલાવ્યા હતા. બાદમાં ટુર ઓપરેટરે બોગસ ડોક્યુટમેન્ટ્સ બનાવી ડોક્ટર અને ક્લાયન્ટ્સના 13 કરોડ ચાઉં કરી ગયો હતો. હવે ડોક્ટરે મોકલેલા ગ્રાહકો પૈસા માટે તેની ઉપર ચઢી બેસતા ડોક્ટરને તેની મિલકત વેચવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top