Gujarat

રાજ્ય સરકાર ખેત પાકના રક્ષણ માટે ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવા સહાય આપશે

ગાંધીનગર : ખેતી (Farming) પાકના રક્ષણ માટે ખેડૂતોના (Farmer) ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે. ખાસ કરીને ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER(એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે.

વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સિંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકાશે.

Most Popular

To Top