દમણ : સંઘ પ્રદેશ દમણમાં (Daman) પ્રેમ સંબંધની અને અગાઉની અદાવત રાખી મિત્રોએ (Friends) જ મિત્રની બીયરની કાચની બોટલ અને પથ્થર વડે માથાઓ પર ઉપરા છાપરી વાર કરી મોતને (Death) ઘાટ ઉતારવાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં પોલીસે (Police) 2 આરોપી મિત્રોની ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી 24 ઓગસ્ટના રોજ વાપીના વડોલી સ્થિત રહેતો અને મૂળ મધ્ય પ્રદેશ નો વતની 18 વર્ષીય શિવમસિંહ શિવશંકર સિંહ રાજપૂત ઘરેથી દમણ આવ્યો હતો. અને તેના 2 મિત્રો રવીશંકર પટેલ અને રાજૂ જગકિશન પટેલ જેઓ દમણના ડાભેલમાં રહેતા હોય તેની સાથે સાંજે ડાભેલના સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં બીયરની પાર્ટી કરી હતી. તથા વધુ પાર્ટી કરવા અર્થે બારમાંથી બિયરની બોટલો લઈ તેઓ ભેંસલોરની સ્ટોન ક્વોરીની અવાવરૂ જગ્યાએ ગયા હતા. અને ત્યાં ફરી બિયર પાર્ટી કરી રહ્યા હતા.
દરમ્યાન અગાઉની કોઈ વાત તથા હાલમાં ચાલી રહેલા એક છોકરીના પ્રેમ સંબંધને લઈ રવીશંકર અને રાજૂએ શિવમસિંહને માથાના ભાગે બિયરની ખાલી બોટલ તથા પાસે પડેલા મોટા પથ્થર વડે માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર માર મારતાં શિવમસિંહ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોતાની કરતૂત છૂપાવવા અર્થે બન્ને આરોપીઓએ મિત્રની લાશને નજીક આવેલી ડમ્પિંગ સાઈટના તળાવ પાસેની એક ઝાડી ઝાંખર વિસ્તારમાં નાંખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ તરફ 24 તારીખે ઘરેથી નીકળેલો શિવમસિંહ 5 દિવસ થયા બાદ પણ ઘરે પરત ન ફરતાં તેના કાકાનો દિકરો નાગેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે દમણ પોલીસમાં પોતાના ભાઈની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
બંને હત્યારાની ધરપકડ, 5 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર, પોલીસે લાશ શોધી કાઢી
પોલીસને એક મહત્વની કડી મળી કે ગુમ થયેલો શિવમસિંહ ડાભેલના જ રવીશંકર અને રાજૂ સાથે જોવા મળ્યો હતો. જ્યાં પોલીસે બન્ને મિત્રોની અટક કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતાં બન્ને આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. જ્યાં પોલીસે આરોપીઓએ બતાવેલ જગ્યાએ તપાસ કરતા સ્ટોન ક્વોરી ના તળાવ વિસ્તારની ઝાડીમાંથી શિવમસિંહની લાશ મળવા પામી હતી. આ મામલે દમણ પોલીસે હત્યાના ગુનામાં ડાભેલના ઘેલવાડ ફળિયામાં રહેતો 24 વર્ષીય રવીશંકર કૃષ્ણબિહારી પટેલ ( મૂળ રહે. રીવા, મધ્ય પ્રદેશ ) તથા ડાભેલના તળાવ ફળીયા પાસે રહેતો 27 વર્ષીય રાજૂ જગકિશન પટેલ ( મૂળ રહે. રીવા મધ્ય પ્રદેશ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પકડાયેલા બન્ને આરોપીઓના 5 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.