રાજપીપળા : નર્મદા (Narmada)જિલ્લાના નિવૃત્ત (Retired) પોલીસ (Police) અધિકારી એલ.યુ.વસાવાના પુત્ર, પુત્રવધૂ તથા 3 વર્ષની પૌત્રીનું નેત્રંગ અને ડેડિયાપાડા વચ્ચે રમણપુરા ગામ પાસે કાર (Car) પાણીમાં ખાબકતાં મૃત્યુ (Death)થયું હતું. પરિવારના ત્રણેય સભ્યો નેત્રંગ નજીકની હોટલમાંથી જમ્યા બાદ રાત્રે પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. દરમિયાન મોટો ખાડો આવતાં કારની સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એમની કાર બ્રિજ નીચેના ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી.
- હોટલમાંથી જમ્યા બાદ રાત્રે પરિવારના ત્રણેય સભ્યો ઘરે જઈ રહ્યાં હતાં
- બ્રિજ પરનો રસ્તો ખૂબ ખરાબ હોવાથી બલડેવા ડેમના તળાવમાં કાર ખાબકી હતી
- ક્રેઇનની મદદથી મહામુસીબતે પાણીમાં ગરકાવ કાર બહાર કાઢી
ત્રણેય સભ્યો નેત્રંગ નજીકની એક હોટેલમાં જમવા ગયા હતા
નર્મદા જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ.તડવીના 38 વર્ષીય પુત્ર સંદીપ વસાવા, પત્ની યોગીતા અને 3 વર્ષિય પોતાની પુત્રી માહી સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રહેતાં હતાં. પત્ની યોગીતાબેન નેત્રંગમાં તલાટી તરીકેની નોકરી કરતાં હતાં. જ્યારે સંદીપ વસાવા ખાનગી કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો. ગત રાત્રે પરિવારના ત્રણેય સભ્યો નેત્રંગ નજીકની એક હોટેલમાં જમવા ગયા હતા. જમ્યા બાદ રાત્રે લગભગ 8થી 9 વાગ્યાના સમયમાં ઘરે પરત ફરતા હતા, ત્યારે રમણપુરા ગામ નજીકના બ્રિજ પરનો રસ્તો ખૂબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડો બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રેલિંગ તોડી બ્રિજ નીચેના બલડેવા ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી. જોતજોતામાં પાણી ભરાઈ જતાં કાર પાણીમાં ગરક થઈ ગઈ હતી.
ક્રેઇનની મદદથી મહામુસીબતે પાણીમાં ગરકાવ કાર બહાર કાઢી
કોઈને નીકળવાનો ચાન્સ ન મળતાં ત્રણેય પાણીમાં ડૂબી ગયાં હતાં. રાત્રિના સમયે બનેલા આ બનાવ બાબતે કોઈક રાહદારીને ખબર પડતાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈમરજન્સી ૧૦૮ સેવા પણ ઘટના સ્થળે પહોંચી હતી. નેત્રંગ પોલીસ અને સ્થાનિકો ત્યાં દોડી આવી ક્રેઇનની મદદથી મહામુસીબતે પાણીમાં ગરકાવ કાર બહાર કાઢતાં એમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા હતા. આ ઘટનાની જાણ રાજપીપળામાં થતાં પરિવારના સભ્યો નેત્રંગ ખાતે દોડી ગયા હતા. પોતાના નાના દીકરાનો પરિવાર વિખેરાઈ જતાં પરિવાર હીબકે ચઢ્યો હતો.
વડિયા ગામ હિબકે ચઢ્યું
બીજે દિવસે સવારે રાજપીપળાના વડિયા ખાતે આવેલી દેવનારાયણ સોસાયટીમાં ત્રણેયના મૃતદેહને લવાયા હતા. એકસાથે પિતા, માતા અને પુત્રી એમ પરિવારના ત્રણ સભ્યોની એકસાથે સ્મશાનયાત્રા નીકળતાં આખું વડિયા ગામ હિબકે ચઢ્યું હતું. એમની અંતિમયાત્રામાં આખું વડિયા ગામ જોડાયું હતું. સાથે નેત્રંગ તલાટીમંડળના તમામ તલાટીઓ સહિત એટીડીઓ મનોજ પટેલ તેમજ સ્ટાફ જોડાયો હતો.