નજર ઉંચી કરીએ અને જેને જોતાં ડોક દુખી જાય તેને સ્કાય સ્ક્રેપર એટલે કે આકાશને આંબતી ઈમારતો તરીકે ગણી શકાય. આગામી તા.3જી સપ્ટેમ્બરે સ્કાય સ્ક્રેપર ડે તરીકે ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક ચારેક દાયકાથી સુરતને બાંધકામનું જંગલ ગણવામાં આવે છે અને તેમાં પણ ઉંચી ઈમારતો સુરતની ઓળખ હતી. હાલમાં પણ રાજ્યની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉંચી બિલ્ડિંગ સુરતમાં છે. પરંતુ જે રીતે અમદાવાદમાં મોટી ઈમારતોને મંજૂરી મળી રહી છે તે જોતા આગામી દિવસોમાં સ્કાય સ્ક્રેપના મામલે અમદાવાદ સુરતને ટપી જાય તો નવાઈ નહીં હોય.
સુરતનો ઇતિહાસ જોવામાં આવે તો જ્યારે 10 માળની ઈમારતોનું ચલણ જ નહોતું ત્યારે સુરતમાં નાનપુરામાં એચ.લતેશ નામની ઈમારત 11 માળ ઉંચી હતી. આજ અરસામાં સુરતમાં ઉમરવાડા ખાતે બોમ્બે માર્કેટની બાજુમાં આવેલી આડતિયા હાઉસ તરીકે ઓળખાતી બિલ્ડિંગ માત્ર સુરત જ નહીં પરંતુ આખા ગુજરાતની સૌથી મોટી ઈમારત તરીકે જાણીતી હતી. સુરતમાં પહેલેથી જ વસતીની ઘનતા એટલી બધી હતી કે સુરતનો છેલ્લા ચારેક દાયકામાં જે વિકાસ થયો છે તે વર્ટિકલ જ થયો છે. હોરિઝોન્ટલ થયો જ નથી. આજે પણ આખા રાજ્યની તૈયાર ઉંચી ઈમારતોની વાત કરવામાં આવે તો તે સુરતમાં જ છે. સુરતની હજીરા રોડ પર પાલ આરટીઓ સામે આવેલી ‘કાસા રિવેરા’ બિલ્ડિંગ 84 મીટર સાથે આખા રાજ્યની હાલમાં તૈયાર થઈ ચૂકેલી સૌથી ઉંચી ઈમારત છે.
સ્કાય સ્ક્રેપરની વ્યાખ્યામાં 70 મીટરથી ઉંચી ઈમારતોને મુકવામાં આવે તો સુરતમાં હાલના તબક્કે ‘કાસા રિવેરા’, હજીરા રોડ પર આવેલી ‘રાજહંસ બિઝનેસ હબ’, વેસુ ખાતેની ‘સેતુબંધ હિલ્સ’ અને ‘સેલેસ્ટિયલ ડ્રીમ્સ’ સહિત છ ઈમારતો આકાશને આંબતી ઊભી રહી છે. સરકારે 2014માં અમદાવાદમાં 70 માળથી વધુ ઉંચી ઈમારતોને મંજૂરી આપવાની સત્તા જે તે કોર્પોરેશન તેમજ સત્તામંડળને આપી દેતાં આજે અમદાવાદમાં 70 માળથી ઉંચી એવી 18 ઈમારતો છે. જ્યારે સુરતમાં 2017થી ઉંચી ઈમારતોને મંજૂરીનો કાયદો આવ્યો હોવાથી સુરતમાં 70 માળથી ઉંચી ઈમારતોની સંખ્યા ઓછી છે.
આંકડાકીય રીતે જોવામાં આવે તો સુરતમાં 2004થી 2017 સુધીમાં 45 મીટર સુધીની 3164 બિલ્ડિંગ બની હતી. જ્યારે 45 મીટરથી વધુ ઉંચાઈની 33 બિલ્ડિંગ બની હતી. જ્યારે 2017માં બાંધકામ માટેનો નવો કાયદો (ડીસીઆર) આવ્યા બાદ માત્ર પાંચ જ વર્ષમાં સુરતમાં 45 મીટર સુધીની 2043 બિલ્ડિંગ ઉભી થઈ હતી. જ્યારે 45 મીટરથી વધુ ઉંચાઈ હોય તેવી 371 બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી હતી. આ આંકડાઓ જોતાં ભલે સુરતમાં વધુ ઉંચાઈની ઈમારતો એટલી ઓછી હોય પરંતુ 45 મીટર સુધીની એટલે કે 15 માળ ધરાવતી હોય તેવી ઈમારતોની સંખ્યા હાલમાં પાંચ હજારથી પણ વધારે છે. જે સુરતને સ્કાય સ્ક્રેપરના મામલે આગળ મુકે છે.
તૈયાર બિલ્ડિંગ્સમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાં હાલમાં સુરતની ઈમારતો રાજ્યમાં સૌથી ઊંચી છે
રાજ્યમાં હાલમાં 100 મીટર અને તેનાથી વધુ ઉંચાઈની ઈમારતો માટે જે તે ડેવલપરો દ્વારા મંજૂરીઓ લેવામાં આવી છે. પરંતુ આ ઈમારતો બનતાં હજુ બેથી ત્રણ વર્ષ લાગે તેમ છે. જોકે, આ તબક્કે હાલમાં તૈયાર બિલ્ડિંગોમાં આખા રાજ્યમાં જો રેસિડેન્શિયલ અને કોમર્શિયલ, બંને રીતે ટોલેસ્ટ બિલ્ડિંગ જોવામાં આવે તો તે બંને સુરતમાં જ છે. સુરતમાં હજીરા રોડ પરની કાસા રિવેરા 84 મીટર સાથે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નંબર વન છે અને રાજહંસ બિઝનેસ હબ 80 મીટરની ઉંચાઈ સાથે કોમર્શિયલ બિલ્ડિંગોમાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
અમદાવાદમાં હાલના તબક્કે એક પણ તૈયાર ઈમારત 80 મીટરની નથી.
આગામી દિવસોમાં સૌથી ઊંચી પબ્લિક બિલ્ડિંગના મામલે સુરત આખા રાજ્યમાં અને કદાચ દેશમાં પણ આગળ હશે
સુરત મહાનગર પાલિકા દ્વારા રિંગરોડ, સબજેલની જગ્યામાં નવું વહિવટી ભવન બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 1000 કરોડથી વધુ કિંમતના ટેન્ડરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઈમારત 108 મીટરની બનશે. જેમાં 28 માળ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાની આ બિલ્ડિંગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ટેન્ડર આવી ગયા બાદ કોન્ટ્રાક્ટ આપીને કામગીરી શરૂ કરવામાં આવશે.
અમદાવાદમાં 100 મીટરથી વધુની 3 બિલ્ડિંગ છે, સૌથી ઊંચી ઈમારત 145 મીટરની હશે
અમદાવાદના ઔડા વિસ્તારમાં ઈસ્કોન સર્કલ પાસે 145 મીટરની કોમર્શિયલ બિલ્ડિંગ બાંધવા માટે મંજૂરી લેવામાં આવી છે. આ બિલ્ડિંગ હાલના તબક્કે મંજૂર થયેલી બિલ્ડિંગોમાં રાજ્યની સૌથી ઉંચી બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં કેવા પ્રકારનું બાંધકામ હશે તેની ડિઝાઈન હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તેના 41 માળ હશે.