સુરત: છેલ્લાં આઠ વર્ષથી વિવાદોમાં અટવાઇ રહેલા સુરત (Surat) મનપાના (SMC) નવા વહીવટી ભવન (New Administration Building) માટે ખાતમુહૂર્ત થવાનાં સાત વર્ષ બાદ આખરે 1080 કરોડના ટેન્ડર (Tender) જાહેર થઇ ગયાં છે. રિંગ રોડ પર સબજેલવાળી જગ્યા પર વહીવટી ભવન બનાવવા 30 ઓગસ્ટની સવારે મનપાની સાઈટ પર ટેન્ડર અપલોડ થઇ જશે. તેથી હવે આ પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને આગામી ત્રણ વર્ષમાં મનપાને આધુનિક વહીવટી ભવન મળી જશે તેવી આશા ઊભી થઇ છે.
- 26 સપ્ટેમ્બર સુધીમાં એજન્સીઓ ઓનલાઇન ટેન્ડર ભરી શકશે : પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ સાથે 1080 કરોડનું ટેન્ડર ઇસ્યુ થયું
કારણ કે, છેક વર્ષ-2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલના હસ્તે સબજેલવાળી જગ્યા પર વહીવટી ભવન માટે ભૂમિપૂજન થયું હતું. ત્યારથી પ્રોજેક્ટ અટવાઇ રહ્યો હતો. રાજકીય દાવપેચમાં અટવાયેલા આ પ્રોજેક્ટનો મુદ્દો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો. આખરે ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે સંઘ કાશીએ પહોંચે તેવી આશા ઊભી થઇ છે. ટેન્ડર જાહેર કરાતાં જ એજન્સીઓ તેમાં 12 સપ્ટેમ્બર સુધી વાંધા સૂચનો મોકલી શકશે.
અત્યાધુનિક એવી 106 મીટર ઊંચાઈ અને 28 માળના બે ટાવર ધરાવતા વહીવટી ભવન માટે 1080 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પડ્યાં છે, જેમાં 1000 કરોડ ઇમારત માટે અને 80 કરોડ પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાની શરત ટેન્ડરમાં રાખવામાં આવી છે તેમજ 12 સપ્ટેમ્બર સુધી ક્વેરી મંગાવાઈ છે અને 26 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ટેન્ડર સબમિટ કરવા માટે મુદત આપવામાં આવી છે.
વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા સુરત મનપાને 15 કરોડની ફાળવણી
સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઉટ ગ્રોથ વિસ્તારનાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવાઈ છે તેમાં અમદાવાદને રૂ.૧૮.પ૩ કરોડ, સુરતને રૂ.૧પ.૧ર કરોડ, વડોદરાને રૂ.પ.૬૭ કરોડ, રાજકોટને રૂ.૪.૪૮ કરોડ, ભાવનગરને રૂ.ર.૦૯ કરોડ તેમજ જામનગરને રૂ.૧.૯૮ કરોડ અને જૂનાગઢને રૂ.૧.૦૪ કરોડ તેમજ ગાંધીનગરને રૂ.૧.૦૭ કરોડની રકમનો સમાવેશ થાય છે. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસતીને ધ્યાનમાં રાખી આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાનાં કામો હાથ ધરાશે. આ આઉટગ્રોથ વિસ્તારનાં વિકાસ કામો માટે નાણાં ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.