નવસારી : ઇટાળવા-ગણેશ સિસોદ્રા રોડ પર સ્પીડ બ્રેકર (Speed breaker) જમ્પ (Jump) કરાવી બાઈક (Bike) આગળ ચાલતી કાર (Car) સાથે અથડાતા બાઈક ચાલકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને ઈજાઓ થઇ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના કાવડેજ ગામે પિલાડ ફળીયામાં મેહુલભાઈ રાજેશભાઈ માહવા (ઉ.વ. 27) તેમના પરિવાર સાથે રહેતો હતો. મેહુલ અને વાંસદા તાલુકાના બોરીયાછ ગામે નીચલું ફળીયામાં રહેતા મિત્ર મિનેશભાઇ છનાભાઇ ગાંવિત સાથે ખેતેશ્વર હોટલમાં કુકિંગ કામ કરતા હતા. ગત 27મીએ મેહુલ અને મિનેશ રોજીંદા સમય મુજબ ખેતેશ્વર હોટેલમાં કામ કરી સાઈન બાઈક (એમએચ-23-એએમ-7813) લઈને વાંસદા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઇટાળવાથી ગણેશ સિસોદ્રા રોડ પર મેહુલ પુરઝડપે બાઈક હંકારી રહ્યો હતો. ત્યારે વચ્ચે એક સ્પીડ બ્રેકર આવતા મેહુલે બાઈક જમ્પ કરાવતા બાઈક આગળ ચાલતી નંબર વગરની કાર સાથે જોરથી અથડાઈ હતી. જેથી મેહુલ અને મિનેશ બંને રોડ ઉપર રોડ પટકાયા હતા. પરંતુ આ ઘટનામાં મેહુલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મિનેશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે મિનેશની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. કે.જી. શિંદેને સોંપી છે.
કામરેજના સેવણી પાસે કાર ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતાં બેનાં મોત, એકને ઈજા
કામરેજ: વિહાણથી ત્રણ મિત્રો કાવણી ઈંડાં ખાવા જતાં સેવણી પાસે વળાંકમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતાં બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. કામરેજ તાલુકાના કામરેજ ગામે દેવનગરી સોસાયટીમાં મકાન નં.16માં યુવરાજસિંહ વિજયસિંહ મોરી (ઉં.વ.23) રહે છે. તેઓ ખોલવડની દીનબંધુ હોસ્પિટલની એમ્બુલન્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.
માંડવી ખાતે રહેતા મિત્ર જતીન પંચાલના બારડોલીના બામણી ખાતે આવેલા ખેતરે જવાનું હોવાથી કામરેજમાં જ રહેતા હેમાંગ કહારની મારુતિ સ્વિફ્ટ કાર નં.(જીજે 19 એમ 6217) લઈને રવિવારના રોજ યુવરાજસિંહ ગયા હતા. સાંજના 4 કલાકે વિહાણ ચોકડી પર મિત્ર મેહુલ હરીશ પરમાર (ઉ.વ.26) (રહે.,વિહાણ માહ્યાવંશી ફળિયું), હિમાંશુ પ્રવીણ સોલંકી (ઉં.વ.24) (રહે., સેવણી, પાદર ફળિયું) મળ્યા હતા. મેહુલ અને હિમાંશુના ઘરે પરિવારના સભ્યો ઘરે ન હોવાથી ત્રણેય મિત્ર વિહાણ ચોકડી પર બેસી ઈંડાં ખાવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વિહાણમાં ઈંડાંની લારીઓ બંધ હોવાથી સેવણી ખાતે આવેલા પેટ્રોલ પંપ ખાવા માટે જતાં કાર હિમાંશુ ચલાવીને બાજુમાં મેહુલ અને પાછળની સીટ પર યુવરાજસિંહ બેઠા હતા. વિહાણથી સેવણી જતા રોડ પર સેવણી ગામની હદમાં બજરંગ ફાર્મ પાસે વળાંકમાં કારના ચાલક હિમાંશુએ રાત્રિના આશરે 7.30 કલાકે કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતાં આગળ બેસેલા હિમાંશુ અને મેહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવરાજસિંહને સામાન્ય ઈજા થતાં બારડોલી ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.