SURAT

સુરતની આર્કિટેક મહિલાને હેરાન કરવા તેના ઘરે અંડરગારમેન્ટ્સ મોકલાવ્યા

સુરત(Surat) : શહેરની આર્કિટેકટ (Architect) મહિલાના (Women) ઘરે તથા પિયર વારંવાર અંડરગારમેન્ટ્સ (Undergarments’) મોકલાવીને હેરાન (Teasing) કરવામાં આવી છે. ઓર્ડર (Order) નહીં કર્યો હોવા છતાં ઓનલાઈન શોપિંગ (Online Shopping) કંપનીના ડિલીવરી (Delivery) બોય વારંવાર અંડરગારમેન્ટ્સ ઘરે લઈને આવતા હોય મહિલા તથા તેના પરિવારજનો હેરાન પરેશાન થઈ ગયા હતા. છ મહિના સુધી આ હેરાનગતિ સહન કર્યા બાદ આખરે આર્કિટેક્ટ મહિલાએ સાઈબર ક્રાઈમમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ આપતા તપાસ શરૂ કરાઈ છે.

આ કેસ અંગે જાણવા મળતી વિગત અનુસાર પાલના ગૌરવપથમાં રહેતી 28 વર્ષીય મહિલાનું પિયર અડાજણમાં ગેસ સર્કલ આવેલું છે. આ મહિલા આર્કિટેકટ તરીકે નોકરી કરે છે. ગઈ તા. 12 ડિસેમ્બર 2021ના રોજ મહિલાએ ઓનલાઈન શોપિંગ એપ્લીકેશન ફ્લિપકાર્ટ મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. તેના થોડા જ સમયમાં મહિલાના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવવા માંડ્યા હતા, જેમાં મહિલાએ અંડરગારમેન્ટ્સનો ઓર્ડર કર્યો હોવાનો ઉલ્લેખ થયો હતો. આ મેસેજની અલગ અલગ લીંક આવી હતી, જેની પર લોગીન થવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ત્યાર બાદ 20 ડિસેમ્બરે મહિલાના પિયર એક ડિલીવરી મેન અંડરગારમેન્ટ્સ લઈ આવ્યો હતો. જે કેશ ઓન ડિલીવરી હતા. મહિલાએ પોતે કોઈ ઓર્ડર કર્યો નહીં હોય ડિલીવરી સ્વીકારી નહોતી. તેમ છતાં બે દિવસ બાદ બીજીવાર ફરી અંડરગારમેન્ટ્સની ડિલવરી આવી હતી. તેનો પણ અસ્વીકાર કર્યો હતો. વારંવાર પિયરમાં અંડરગારમેન્ટ્સની ડિલીવરી આવવાનો સિલસિલો બની ગયો હતો. અવારનવાર ફ્લીપકાર્ટના ડિલીવરી બોય અંડરગારમેન્ટ્સની ડિલીવરી મહિલાના પિયર આવતા રહ્યાં હતાં. દર વખતે મહિલા ડિલીવરી કેન્સલ કરતી હતી, છતાં આ સિલસિલો ચાલુ રહ્યો હતો. ત્યાર બાદ તો ફ્લિપકાર્ટ તરફથી ડિલીવરી પહેલાં ઓર્ડર કન્ફર્મેશન માટે ફોન આવવા લાગ્યા હતા. સતત 6 મહિના સુધી આ રીતે ડિલવરી અને ફોન આવતા રહ્યાં હતાં. જેથી કંટાળી ત્રાસીને મહિલાએ સાઈબર ક્રાઈમમાં (Cyber Crime) ફરિયાદ આપી છે. મહિલાએ ફરિયાદ કરી છે કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેમની જાણ બહાર તેમના મોબાઈલ ફોન નંબરને ખોટી રીતે ફ્લિપકાર્ટ કંપનીમાં નાંખી તેમના પિયર અને સાસરાના ડિલીવરી એડ્રેસ પર બદનામ કરવાના ઈરાદે અંડરગારમેન્ટ્સની ડિલવરી કરી હેરાન કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top